Wednesday, October 26, 2016

પોસ્ટ 14: સમજ મુબારક – સાલ મુબારક

Saal Mubarak - Khadi ni Yaadi
દિવાળી આવી ગઈ. આ વર્ષે ઘણું કરવાનું રહી ગયું તો ઘણું થઇ ગયું. આયોજન મુજબનું પણ થયું અને વળી કેટલુંક અચાનક થયું. ઘણું સુધર્યું તો ઘણું બગડ્યું. કેટલીક ભૂલો થઇ તો કેટલુંક શીખવા મળ્યું. કેટલુંક નવું થયું તો કેટલુંક જુનું રીપીટ થયું. નવી ટેવ પડી ને’ જૂની ટેવ મૂકી. નવા મિત્રો મળ્યાં, જુના ભૂલાય પણ ગયા. કેટલુંક ન કરવાનું કર્યું અને કેટલુંક કરવાનું ન કર્યું. ક્યાંક મજા આવી તો ક્યાંક જામી નહિ. 
આખું વર્ષ વહી ગયું, એના સ્વભાવ મુજબ. આપણી જીંદગીમાં એક વર્ષનો ઉમેરો થયો. ક્યાંક હતાં ત્યાંથી ક્યાંક પહોચ્યાં. સુખ દુઃખ આવતા રહ્યાં, ઉતર ચડાવ થતાં રહ્યાં અને બસ આપણે આગળ વધતા રહ્યાં. નવું વર્ષ પણ આમ જ આવશે અને વીતશે. ઘણું આપશે અને કેટલુંક લઇ પણ લેશે. આપણું ધાર્યું’ય થશે અને આપણે સપનામાં પણ નહિ ધાર્યું હોય એવું પણ થશે. હું આમ કરી નાખું ને’ હું તેમ કરી નાખુંની ખાલી વાતો થાય પણ આ જીંદગીમાં ક્યારે શું થાય અને કેમ થાય એ ઘણીવાર તો આપણી સમજ બહાર થાય. તમે કે હું કશું જ નથી એવું પણ ઘણીવાર આ જિંદગીએ આપણને આડકતરી રીતે કીધું પણ છે, ત્યારે આપણે થોડુંક, થોડાક સમય માટે સમજ્યા પણ હોય અને પછી એ સંકેત કે સાબિતી વિસરાય પણ ગઈ હોય. 
નવા વર્ષે સાક્ષીભાવે જીવતા શીખવા જેવું છે, પળેપળે સજાગ રહી જિંદગીની ગતિની સમજવા જેવી છે, જે થાય છે તેને અનુભવવા જેવું છે. આવું કેમ થયું, શા માટે થયું એવું વિચારતા રહી એક પ્રકારની સમજ વિકસાવવા જેવી છે. ઘણું સારું તો ઘણું ખરાબ થાય ત્યારે તે બાબતે ભૂતકાળ તરફ નજર દોડાવવા જેવી છે, ક્યાંક કળી મળશે, ક્યાંક આંકડા બેસશે, ક્યાંક તાળો મળશે. જે થાય છે, જેમ થાય છે, જેવી રીતે થાય છે તે બધાની પાછળ કશુંક છે એ ધીમે ધીમે સમજાશે અને જયારે થોડુંક આવું સજાગપણે વિચારશું ત્યારે આપણને થોડી શાંતિ થશે. કર્મ કરશું જ પણ તેનું પરિણામ જેવું પણ મળે એને સ્વીકારતા પણ શીખશું. બધું જ આપણે કહીએ તેમ ના થાય અને બધું જ બીજા કહે એમ પણ ના થાય. એ તો બસ આપણા કર્મ, વિચાર, ભાવને આધારે થાય. કોઈનું સારું કે ખરાબ વિચારીને કે કરીને સજાગપણે જોવાય અનુભવાય, તેનું પરિણામ કોઈક અલગ રીતે, અલગ માધ્યમથી મળે ત્યારે નિરાંતે સમજીને સરખાવાય. ધીમે ધીમે આ બધું સમજાવા લાગશે. 

જીંદગી એકસરખી નથી જ રહેવાની અને એમાં મજા પણ નથી. ક્યાંક ભૂલ થઇ છે, લોભ લાગ્યો છે, સ્વાર્થ સાધ્યો છે તો એ મુજબનું પરિણામ અને ક્યાંક બરાબર થયું છે, બધાનો વિચાર થયો છે, કરવા જેટલું નિષ્ઠાથી કામ કર્યું છે તો એ મુજબનું પરિણામ મળશે. નીતિ આપણી ન્યાય કુદરતનો. કદાચ સાંજે વ્હીકલના વ્હીલમાં પડતું પંક્ચર સવારે ગરીબ શાકભાજી વાળા સાથે કરેલા બાર્ગેનિંગનું પણ પરિણામ હોય કે ક્યાંક પેક થઇ ગયેલા એડમિશનમાં એક જ વિદ્યાર્થીને બીજે એડમીશન મળતા આપણો વારો આવી જાય એ ક્યારેક કોઈકનો ખાલી હાથ પકડી રસ્તો પાર કરાવવાનું પણ પરિણામ હોય. જીંદગી બહુ જોરદાર છે એ કર્મ અને પરિણામને યોગ્ય રીતે જ ગોઠવાશે પણ ક્યારે, કેમ અને કઈ રીતે ગોઠવાશે એ કહેશે નહિ, આપણે સમજવું પડશે. નવા વર્ષે આવી અનેરી સમજ આપ સૌને મુબારક. સાલ મુબારક. 

Sunday, October 23, 2016

પોસ્ટ 13: ભાવ ખવાય નહિ ને' ખાતા હોય એને દેવાય નહિ

ઘણાને ભાવ ખાવાની ટેવ હોય અને ઘણાને આવા ભાવ ખાનારને ભાવ દેવાની ટેવ પડી હોય. ઘણા એવા હોય એ વાત વાતમાં મોણ ખાતા હોય એને નાની નાની વાતમાં વાંકુ પડતું હોય અને એની આજુબાજુનાં કેટલાંક એમની હા એ હા કર્યે રાખી એનો ઈગો પોસતાં હોય છે. હું માનું એ જ સાચુ એવું એ માનતા હોય અને વારે તહેવારે એક યા બીજી રીતે બધાને ખડે પગે રાખવાની એને આદત પડી હોય. બીજાને સામેથી બોલાવવા, વિનય વિવેક રાખવો, બીજાને ગમે તેવું કરવું, બીજાની પસંદગીને પણ માન આપવું વગેરે એમને આવડતું જ ન હોય. ઉંમર એ એની એક માત્ર લાયકાત હોય છતાં મોટા હોવાનો અને મોટા થવાનો એમને ગજબનો અભરખો હોય. એમના મનમાં બીજા બધા ઉંમરમાં તેમજ બીજી બધી રીતે નાના એટલે કે તુચ્છ છે એવું ભરાય ગયું હોય. 

વાર વીઘા વેચીને પરશેવા વગરના આવેલા રૂપિયાનો એમને વા હોય. પૈસા કે હોદ્દાથી આવેલી નજીવી પ્રસિધ્ધિ એમને પચતી ન હોય. પોતાનો મૂળ કામ ધંધો ભૂલી જઈ ગામની પંચાતમાં એમને ઘડીની નવરાશ ના હોય. એમના વાત વર્તનમાં ન્રમતાનો સદંતર અભાવ હોય. એમનો ઈગો એમને લેટ ગો કરવા જ ન દેતો હોય. વાંચન કે વિચાર સાથે એને કશી જ લેવાદેવા ન હોય એટલે સમજણ કે  શાણપણ સાથે એમને બનતું જ ના હોય. કોઈ બાબત વિશે લાબું વિચારવું કે બીજાનું માનવું કે નિરાંતે સમજવું એમને ફાવતું જ ન હોય. જતુ કરવાને બદલે એ જોઈ લેવામાં વધુ માનતા હોય. હશે ના બદલે શું કામ સાથે એ લડી લેવાના મૂડમાં જ હોય. બાંધછોડ કે સમાધાન એના શબ્દકોશમાં જ ના હોય. એ'ય ખોટા હોઈ શકે એવું એ ક્યારેય માને જ નહિ. એને બધે જ ગમે તેમ કરીને જીતવું જ હોય. 
 ફૂલછાબ - પંચામૃત - ટચવૂડ - 19 ઓક્ટોમ્બર, 2016
આવા લોકોની હા એ હા કરવાથી જ આ લોકો આવા થયા હોય. ચારેકોર બેસીને એને સાચોખોટો પાનો ચડાવ્યા રાખી ફૂદકે ચડાવ્યા હોય. એને સાચેસાચું કે મોઢેમોઢ કોઈ કશું જ કહેતું ના હોય અને એટલે જ એની કારી ફાવતી હોય. એમના ઈગોને સંતોષવામાં આવતો હોય, પોસવામાં આવતો હોય એટલે સમય સાથે એનો ઈગો કાબુ બહાર મોટો થઇ ગયો હોય. એમની ભૂલ વખતે એમને કોઈએ ટપાર્યો ના હોય, પાછો ના વાર્યો હોય એટલે એમને ખુદને પણ સાચાખોટાનો ભેદ ખબર ના હોય. એમનાં નજીકના જ આંખે થઇ જવાની બીકે એમને સાચું કહેતા કે સમજાવતાં ડરતા હોય. લેભાગુઓ આવા અણસમજુઓનો ટેકો લઇ પોતાનું ધાર્યું કરાવી લેતા હોય. આવાઓના ખભે બંદૂક રાખી પોતાનો સ્વાર્થ સાધી લેતા હોય. પેલાને પોતાનો ઉપયોગ થઇ ગયો એવી જાણ કે સમજ પણ ના હોય. 


આવા લોકોની આજુબાજુ જ રહેતા, એમના જ ગણાતા, એમના જ નજીકનાઓ પોતાની મોજમજા કે પાલી હલાવવા એમના સ્વભાવને પ્રોત્સાહિત કરતા હોય છે. એમની પાસે સારા થઇ જઈ એમને બીજે સારા થઇ જવું હોય. થોડુંઘણું સહન કરીને પણ આવા ખોટાઓની સામે પડવું પડે. એમને એમની ઔકાત બતાવવી કે સમજાવવી પડે. એમને અવગણીને એમની શાન ભાન ઠેકાણે લાવવી પડે. સમાજમાં આજુબાજુ આવા અણસમજુ ભાવ ખાતા હોય, હવામાં હોય તો તેને પવન દઈ ઉડાડવાને બદલે નકામો ભાવ ન દઈ એની ઉપેક્ષા કરવામાં જ શાણપણ છે. આવા ફાકો લઇ ફરતા લવિંગિયાઓને હવા દઈ ફૂટવા ન દેવાય, એનું સુરસુરિયું જ કરાય. વિચારજો.     

Friday, October 14, 2016

પોસ્ટ 12 : જાતે સુધરીને જગત સુધારીએ


(ફૂલછાબ - પંચામૃત - ટચવૂડ - 12 ઓક્ટોબર, 2016)
મોટી મોટી વાતો અને ખોટા ખોટા દેખાડાથી સમાજને સુધારવા નીકળેલા આપણે સૌ જાતે થોડુંક સુધરીએને તો સમાજ આપોઆપ સુધરી જાય. બીજાએ શું કરવું જોઈએની સલાહ આપનારા ખુદ એ સલાહને અનુસરેને તો ય ઘણું. બીજાને સૌએ સુધારવા છે જાતે કોઈને સુધરવું નથી. ભલે થોડું પણ સૌએ જાતે સુધરવું પડે. મને જે સમજાય છે તે મારે તો કરવું જ પડે. કહેવાથી કોઈ કશું કરે નહિ, જાતે કરવાથી તેને જોઈને બીજો પણ કરે. ભલે નાની પણ શરૂઆત કરવી પડે. સમાજને સુધારવા નહિ તો જાતના સંતોષ ખાતર પણ ખુદને જે ઉગે છે તેનો અમલ કરવો જોઈએ. બધા જ બીજા કરે એવું માને તો કરે કોણ ? પગ નીચે પાણી આવે ત્યારે સૌ કોઈ છટકી જાય તો ના ચાલે. સમજતાં હોઈએ તો તેનો અમલ કરવો પડે. અને મોટાભાગના બધું જ સમજે છે, જાણે છે પણ તેની શરૂઆત કે અમલ કરવાનું આવે છે ત્યારે આંખ આડા કાન કરી જાય છે. 

બીજાને જે કરવાની કે ના કરવાની સલાહ આપતા આપણે સૌ ખુદના સ્વાર્થ માટે એ જ નીતિ નિયમોનો ઉલાળિયો કરીએ એવું ના ચાલે. બીજા કરે કે ના કરે આપણને જે યોગ્ય લાગતું હોય તે આપણે તો કરવું જ અને કરતાં જ રહેવું પડે. એકવાર કશુંક સારું શરુ થશે તો આપોઆપ ધીમે ધીમે બધા જ એમાં જોડાશે અને કદાચ ન પણ જોડાય તો પણ એકલા કે જેટલા હોય તેટલા તે સારાપણાને જાળવી રાખે તો પણ દાખલો બેસે. આપણું એવું છે કે આપણે જે માનીએ છીએ કે કરીએ છીએ તે સૌ કોઈ કરે કે માને તો જ આપણે કરીએ નહીંતર આપણે પણ ધીમે ધીમે એ બંધ કરી, બીજા જેવા, હતા તેવા ને તેવા થઇ જઈએ છીએ. આપણને આપણા જેવા થવા કરતા બીજા બધા જેવા થવું વધારે માફક આવે છે. 

બીજાથી અલગ થઇ સારું થવું આપણને બહુ ગમતું નથી, આપણે ભલે થોડું નબળું પણ બધા જેવું રહેવાનું વધારે પસંદ છે. કરાય આમ એ આપણને ખબર છે પણ બીજા બધા એમ કરે છે એટલે આપણે પણ આમ ને બદલે એમ કરીએ છીએ. બીજાને કહીએ છીએ કે ચાલો એમ કરીએ પણ બીજા માનતા નથી તો આપણે જાતને બદલે એમનું માનીને આગે સે ચાલી આતી હૈ ને આગળ વધારીએ છીએ અને આપણી સમજને અવગણીએ છીએ. 

ક્યારેક થોડા આંખે થઈને પણ સાચું કે સારું હોય તે જાતે કરવું પડે. બીજાને બતાવી દેવા કે નેતા થઇ જવા નહિ પણ હવે પછીની પેઢીને થોડુંક વધારે સારું જગત આપવા આપણે અત્યારે થોડું મથવું તો પડશે. નવી પેઢીને કાવાદાવા, પંચાત, ઈર્ષા, ચાલાકી, ગેરશિસ્ત, દગો, છેતરપિંડી, જોહુકમી, ગુંડાગિરી, લાગવગ, ભ્રષ્ટાચાર, અનીતિ, દબામણી, આછકલાઈ, ગેરવર્તનથી બચાવવી જ પડશે. અને તેથી આ બધુ બંધ થાય તે માટે આપણે સૌએ જાતે જ સમજીને, આપણે સૌ તો આવું બધુ ન જ કરીએ અને થતું હશે તો સહન ન કરી, અવાજ ઉઠાવીએ એટલું તો કરવું જ પડશે. હવેની પેઢીને આવું બધું સહન કરવું કે મેનેજ કરવું નહિ ફાવે અને એટલે જ તે બીજા દેશો તરફ વળશે, ભલે કદાચ કાગળા બધે જ કાળા હશે પણ તેઓ જ્યાં ઓછા કાળા હશે ત્યાં પહોંચી જશે. સૌ કોઈને શાંતિ જોઈએ છે, શિસ્ત અને શિષ્ટાચાર જોઈએ છે. હવેની જનરેશનને માથાકૂટ કે મારીતારીમાં બહુ રસ નથી એ જીવો અને જીવવા દો માં માને છે. અને એટલે જ એ બાબત નવી પેઢી અનુભવે તેવું વાતાવરણ જાળવી રાખવા અત્યારે પડી રહેલો સડો અત્યારે જ દૂર થાય તે ખુબ જ જરૂરી લાગે છે. આ ફોડકીને ગૂમડું થતા પહેલા ફોડવી જરૂરી લાગે છે. વિચારજો. 

Saturday, September 24, 2016

પોસ્ટ ૧૧: સાગરપંખી

'તમે એમ કહો છો કે હું ઊડી શકું ?'
'હું તો એટલું જ કહું છું કે તું મુક્ત છે.'
આ એક જ, બે લાઈનનો ડાયલોગ વાહ બોલાવી દે તો આખું પુસ્તક પૂરું કરીએ ત્યારે તો આનંદથી નાચવાનું જ મન થાય. દશ બાર વર્ષના બાળકોથી લઈને નેવું બાણું વર્ષના વૃદ્ધો સુધી હરકોઈને વાંચવા જેવા, વિચારવા જેવા, જીવવા જેવા પુસ્તકની વાત કરવી છે. માત્ર ત્રીસ જેટલા પાનાંઓમાં આ નાનકડી વાર્તા બહુ મોટી વાત સમજાવે છે. અને એ પણ બહુ જ સરળ અને સહજ રીતે. કશી આંટીઘૂંટી વગર બહુ જ સરસ રીતે એક નાનકડા પક્ષીની સફળતાની સફર આ પુસ્તકમાં બખૂબી લખાયેલી છે અને એની આ સફરને વાંચતા વાંચતા આપણે ખુદ એક સફર પર ક્યારે ચાલ્યા જઈએ છીએ એની ખબર પર પડતી નથી. 

આપણને એ આપણી વાત લાગે છે. એ નાનકડા પક્ષીનું સુખ દુઃખ, સાહસ હિંમત, મુકામ મંજિલ, તિરસ્કાર આવકાર, નવું શીખવાની હોંશ,  ઊંચે ઉડવાની તમન્ના બધું જ આપણનેઆપણું જ લાગવા માંડે છે. એના તિરસ્કારથી આપણી આંખનો ખૂણો ભીંજાય છે તો એની પાંખોના ફફડવાનો અવાજ કાને પડતા જ મુઠી વાળી ‘યસ’ બોલાય જાય છે. સંસારમાં આવતા નાના મોટા પ્રશ્નો, મુશ્કેલીઓ, વૈચારિક મતભેદો, ટાંટિયાખેંચની સ્પર્ધાઓ, નકારાત્મક વાતો, નવું ન શીખવાની વૃત્તિ વગેરે આ નાનકડી વાર્તા વાંચતા વાંચતા આંખ સામે તરવરે  છે અને આ નાનકડું પક્ષી આ બધી જ માથાકૂટ, ભેજામારી, હેરાનગતિ પછી પણ પોતાની વાત, પોતાનો વિશ્વાસ, પોતાની હિંમતની સાથે રહી કશુંક પામવા ઘણું કરી છૂટવાની તૈયારી અને તત્પરતા બતાવી જયારે ઊંચે ઉડે છે, પોતાનું ગમતું કે પોતાનું ધાર્યું મેળવે છે ત્યારે રુંવાડા ઉભા થઇ જાય છે. તે ખુદ પર ભરોસો રાખતા શીખવાડે છે, જે સાચું અને સારું છે તે પોતે માને છે અનેબીજાને મનાવવા મથે છે. બીજાની અણસમજની એને બળતરા છે. કોઈક પાસેથી શીખે છે અને બીજાને શીખવાડે છે. શીખવામાં શરમ નથી અને શીખડાવવામાં અહંકાર નથી. જરૂર જણાય ત્યારે લીડર પણ બને છે અને સમય આવ્યે બીજાને લીડર બનાવી પોતે નીકળી જાય છે. ખુબ મહેનત કરી ઊંચે ઉડતા શીખે છે.

અવનવી રીતે ઉડવાનું શીખે છે. મહામહેનતે પોતે જે શીખ્યું છે, પોતે જેમાં મહારત હાંસલ કરી છે, જીવન જીવવાનું એક પ્રયોજન મેળવ્યું છે તેકિનારે માછલીના ટુકડાઓ માટે વર્ષોથી ઝૂંટાઝૂંટી કરી રહેલી પોતાનીજમાતને પણ શીખડાવવાની હોંશભેર કોશિશ કરે છે.જમાત એને બેજવાબદાર ગણી 'સંબંધ પૂરો થાય છે' એવું કહે છે ત્યારે પણ ગભરાયા વિના એકાંતવાસમાં રહી વળી વધારે શીખવાનું ચાલુ રાખે છે. ધીમે ધીમે જેને સમજાય છે તેઓ તેની પાસે આવે છે અને શીખે છે. સાથોસાથ પોતે પણ વડીલ પંખી પાસેથી શીખતો જ રહે છે. હજુ પણ એ જેઓ સત્યને જોવા માંગતા હોય તેને પોતે જે સત્ય પામ્યો છે તેનો થોડોક અંશ આપવા અધીરો છે. એકવાર બહિષ્કૃત થયા પછી પણ પોતાના સાગરપંખીઓને આ શીખડાવવા હંમેશા આતુર છે. અને શીખડાવે પણ છે. ફક્ત ઉડતા નહિ જીવતા. જે એવું માને છે કે પોતે ઉડવા સક્ષમ નથી તેઓને પણ તે ઉડતા કરે છે અને કોઈ વળી એમ પૂછે કે  'તમે એમ કહો છો કે હું ઊડી શકું ?’ ત્યારે પણ એ બહેતરીન જવાબ આપે છે કે'હું તો એટલું જ કહું છું કે તું મુક્ત છે.’

પોતાની સિદ્ધિ કોઈ ચમત્કાર નથી બસ એક સરસ સત્ય છે એવું વારંવાર કહી આને ચમત્કાર માની કોઈ નમસ્કાર ન કરવા માંડે એની સજાગપણે કાળજી રાખે છે.માત્ર પોતે જ નહિ પણ જેને પણ ઉડવું હોય તે ગમે ત્યારે આટલું ઉડતા શીખી શકે છે એવું સૌને સમજાવે છે.તે સ્વાતંત્ર્યના મુકામે પહોંચાડે તેને જ કાનૂન ગણે છે. પોતાની મર્યાદાઓને પણ જાણવામાં માને છે તેમજ મર્યાદાઓને ધીરજપૂર્વક ઓંળગવામાં માને છે, તેમાં આગળ વધી જવાની આછકલાઈ નથી. પોતાની વાત, પોતાનો વિશ્વાસ, પોતાની આવડત, પોતાની શક્તિ સૌ કોઈ સુધી આગળને આગળ વધતી રહે તેવું તે હંમેશા ઈચ્છતો રહે છે.


આટલી સરસ સમજ અને નવું નવું શીખવાની હોશ અને હિંમત રાખનાર આ નાનકડા પક્ષીનું નામ 'જોનાથન લિવિગસ્ટન સીગલ' છે અને એની આ મજેદાર વાત અને વાર્તા લખનાર રિચાર્ડ બાક છે. ઓગણીસો બોતેરમાં અંગ્રેજીમાં લખાયેલ આ પુસ્તકનો ગુજરાતીમાં અફલાતૂન સારાનુવાદ શ્રીમતી મીરા ભટ્ટે વર્ષો પહેલા 'સાગરપંખી' નામે કર્યો અને પછીતો એના ઘણા પુનર્મુદ્રણ થયા. ગુજરાતી કે અંગ્રેજી કોઈપણ ભાષામાં વાંચવી ગમે તેવી આ બેસ્ટ બુક મસ્ટ રીડ છે. વાંચજો. વિચારજો.  

Monday, September 19, 2016

પોસ્ટ 10: અહીંથી ઈશ્વર ઢુંકડો લાગ્યો.



કુદરતી રીતે કુદરતની વચ્ચે પહોંચી જવાની મજા છે. સગવડતાને બદલે સુંદરતાની જોડે રહેવાની મજા છે. અને આવી અનોખી મજા આ જન્માષ્ટમીની રજાઓમાં ગુજરાતની બોર્ડર ટપ્યાં સિવાય લીધી. લોનાવાલા ખંડાલા અને આબુ ઉદયપુર સુધી લાંબા થવાને બદલે આ વખતે નવસારી બારડોલી વચ્ચે આવેલા ખડ ગામમાં ખળખળ વહેતી નદી પૂર્ણાના કાંઠે આવેલા સુરતી મિત્ર મુકેશભાઈના આંબાના બગીચા સાથેના ફાર્મ હાઉસમાં પ્રકૃતિની સંગાથે રહેવાની મજા માણી.
પંદેરક વીઘામાં પથરાયેલ આ ફાર્મ પૂર્ણા નદીની જોડાજોડ છે. બધી જ જરૂરી સગવડતાઓ ઉપલબ્ધ હોવા છતાં ત્યાંની સુંદરતા મેદાન મારી જાય છે. વહેતી નદીનો નિરંતર અવાજ બેકગ્રાઉન્ડ સંગીત સાથે ધ્યાનમાં સરી જવાની સરળતા કરી આપે છે. હાઇવેથી આ જગ્યા ખાસ્સી દૂર હોવાથી વાહનોનો અવાજ ત્યાં પહોંચતો નથી અને એટલે જ શાંતિ ક્યાંય ગોતવા જવી પડતી નથી. કુદરતના કુદરતી અવાજની પૂરતી હાજરીથી કશું ભેંકાર લાગતું નથી અને પક્ષીના કલરવ કે ગાય ભેંશ કુતરાના હાકલાઓથી વાતાવરણ જીવંત લાગે છે. કુદરતી રીતે જેવું આ જગત હોવું જોઈએ તેવું જ ત્યાં હજુ જળવાયું છે. 
ખડ નામના નાનકડા ગામડામાં પશુપાલન અને ખેતી જ મુખ્ય આજીવિકાના સ્ત્રોત છે. ફાસ્ટફૂડ કે હોટલ રેસ્ટોરન્ટ ત્યાં હજુ પહોંચ્યા નથી. ઘર માટે જરૂરી સાધન સામગ્રી થોડે દૂર રહેલા બીજા મોટા શહેરથી લઇ આવવાની એટલે હજુ ત્યાં બજાર નથી અને એટલે જ સ્ટીરીઓના અવાજ કે પાનમાવાના વ્યસન નથી. બધા જ પોતપોતાની રીતે પોતાના કામમાં પરોવાયેલા છે અને પોતાના પરિવાર સાથે પીશફૂલી રહે છે. નથી કોઈ દેખાદેખી કે નથી કોઈ સ્પર્ધા. ત્યાં આ ત્રણ દિવસ દરમિયાન કુદરતનું અફાટ સૌંદર્ય જોયું. આકાશમાં મંડરાયેલા વાદળો અને ધરતી પર છવાયેલાં વૃક્ષો વચ્ચે વરસાદની આવ જા સાથે ત્યાં બસ જાત સાથે જીવવાનો જામો પડી ગયો. 
ફાર્મ હાઉસમાં પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ અને જમવા બનાવવા માટે માટીના વાસણો અને ચુલાનો જ કરતો ઉપયોગ વાહ બોલાવી ગયો. કુદરતની વચ્ચે જઈને કુદરતને માન આપી, કુદરતની પ્રણાલીને ન ખોરવી ત્યાંની જેમ રહેવા જમવાની આ સરસ સિસ્ટમ સલામીને લાયક હતી. ત્યાં પૈસાના પ્રદર્શનને બદલે જરૂરિયાત મુજબના તમામ જલસા હતા. ગાયનું શેળકઢું દૂધ, તાજા ત્યાં જ ઊગેલાં શાકભાજી અને ચૂલાના તાપે તપેલો અને માટીના વાસણોમાં ચડેલો સરસ કુદરતી સ્વાદ અને સોડમ સાથેનો ખોરાક હતો. રોજની આ રૂટિન ફાસ્ટ લાઈફથી કટ થઇ ત્યાં કુદરત સાથે મેચ થઇ રહેવાની બહુ મજા આવી.
કુદરત પણ ક્યાં એકજેવી રહેવામાં માને છે અને તેથી જ પરિવર્તન તેનું મુખ્ય લક્ષણ ગણાય છે. અને એટલે જ વળતી વખતે કુદરતનું એક ઓર નયનરમ્ય રૂપથી વાપીના મિત્ર પંકજભાઈએ વાપીથી સાઇઠક કિલોમીટર દૂર લઇ જઈ પરિચિત કરાવ્યા. વાપી થી સેલવાસ થઈને દૂધની પહોંચાય. વરસાદથી ખીલી ગયેલો હીલી રસ્તો લોનાવાલા આબુની યાદ અપાવે. દમણગંગા નદીના વહેણ પરના મધુવન ડેમનું પાણી ભેગું થાય તે વાગચૌડા પોઇન્ટ પર બોટિંગ દરમિયાન ઈશ્વર ઠુંકડો લાગે. ચારેકોર પર્વત અને વચ્ચે આ પાણીની ઉપર તરતી નાનકડી હલેશા વાળી હોડીમાં બેઠા હોઈએ ત્યારે કોઈક નેવરલેન્ડમાં પહોંચી ગયાની અનુભૂતિ થયા વગર ન રહે.
શહેરથી આ જગ્યા બહુ દૂર ન હોવા છતાં ત્યાં અમારા સિવાય બીજા કોઈ જ ટુરિસ્ટ ન હોવાથી આશ્ચર્યની થવાની સાથે આ અફલાતૂન જગ્યા કૉમર્શલાઇજ઼થી બચી છે એનો આનંદ પણ થયો. આવી જગ્યાઓની જરૂર છે જ્યાં ભલે થોડી વાર, ત્યાં રહે ત્યાં સુધી માણસ, માણસ બનીને રહે છે. ત્યાં જેટલી વાર રહો એટલી વાર તમો કશું ખોટું ખરાબ વિચારી કે વર્તી નહિ શકો, તમને કુદરત એની બાહોપાશમાં લઇ લે છે, ત્યાંનું ચોમેર પથરાયેલું આ સૌંદર્ય જોઈને હીપટોનાઈઝ થઇ જવાય છે. કશા પ્રયત્ન વગર મૌન થઇ જવાય છે. 
ત્યાંથી હજી ઉપર જઈએ એટલે દાદરા નગર હવેલી વિસ્તારનું ગામ દૂધની આવે. ત્યાં વસાહત મોટી, બજાર મોટી પણ વાતાવરણ એવું જ સરસ. સરકારી ગેસ્ટહાઉસ અને એકાદ બે હોટલ પણ ખરી. બોટીંગથી બાજુમાં રહેલા ગામમાં આવનજાવન થાય. સમયને સાથ આપવાનો હોઈ ત્યાં બહુ રહી શકાયું નહિ. જન્માષ્ટમીની આ એકાદ વીકની રજાઓમાં આવી સરસ જગ્યાઓએ પહોચવા નક્શાઓ ફેંદતાં અને રસ્તાઓ ખૂંદતા કુલ 1570 કિલોમીટરનો સેલ્ફ ડરાઇવ પ્રવાસ એકદમ યાદગાર બની રહ્યો. 
આ લખાય છે ત્યારે પાછા હતા ત્યાં આવી ગયા છીએ પણ સાથે ઘણું જોયું, જાણ્યું, અનુભવ્યું તે લેતા આવ્યા છીએ. જાતથી થોડા વધુ નજીક આવ્યા અને કુદરતથી થોડા બધું પરિચિત થયા છીએ. કુદરતના આવા કોલ આવે ત્યારે ત્યાં પહોંચી જવાની હંમેશા ઉતાવળ રહેશે.
    

પોસ્ટ 9: બ્લેકબોર્ડ


14 સપ્ટેમ્બર 2016ના રોજ વીવીપી એન્જી. કોલેજની કોમ્યુટર બ્રાન્ચમાં ત્રીજા સેમેસ્ટરના સ્ટુડન્ટને મેનેજમેન્ટનું પહેલું ફંકશન પ્લાનિંગ ભણાવતા ભણાવતા બની ગયેલું મારું બ્લેકબોર્ડ.
P for Planning


Wednesday, September 16, 2015

પોસ્ટ 8: કયાંક પહોંચવાની ઉતાવળ ન હોવાની શરતે.

(ફૂલછાબ - પંચામૃત - 16, સપ્ટેમ્બર, 2015)

જિંદગીથી દુર જવા નહી પરંતુ જિંદગીથી વધુ નજીક આવવા ફરવા જવું જરુરી છે. અને એટલે જ કયાંક પહોચવાની ઉતાવળ ન હોવાની શરતે ફરવા જઈએ ત્યારે કુદરતના નવા રૂપ અને કલ્ચરના નવા રંગ માણવાની મજા આવે. ફરવા જવાથી જિંદગીને અલગ રીતે જોવાતા થવાય છે, નવીનતા અને નવાઈ ઝીલાય છે, અનુભવ અને આશ્ચર્ય થાય છે, જિંદગીથી વધુ નજીક અવાય છે. ફરતા ફરતા અલગ અલગ જગ્યા, સંસ્કૃતી, રીવાજ, ખાનપાન, રહેણીકહેણી, વ્યવસાય, માન્યતા જોતા જાણતાં 'આવું ય હોય' અને 'આવું તે થોડું હોય' ની લાગણી થતી રહે છે. ત્યાનું કંઈક નવું જીવનમાં લેવું કે ઉતારવું ગમે છે તો ત્યાનું કંઈક નવું આપણાં જીવનમાં નથી એનો આનંદ પણ થાય છે. કંઈક જોઈ-જાણી વસવસો થાય તો કંઈકથી વાહ બોલાઈ જાય. 

sunset from Navgrah Temple
કુદરતના અમાપ અને અફાટ સોંદર્યને નિરાંતે ઉંડા શ્વાસ લઇ છાતીમાં ભરી લેવા લોનાવાલા - ખંડાલા પહોંચી જવાયું. આવનજાવનના કુલ બે હજાર કિલોમીટર ગાડી ચલાવી, લગભગ બે હજાર ફૂટની ઉંચાઈએ કુદરતને મળવા પહોચ્યાં. મુંબઈ અને પુનાથી નજીક આવેલું લોનાવાલા હિલ સ્ટેશન આમ તો ખુબ જાણીતું છે. અને હમણાં હમણાં તો ઇમેજિકા થીમ પાર્ક તેની નજીક હોવાથી લોકો માટે એ નાઈટ હોલ્ટ સ્ટેશન બની ગયું છે. અમને તો કુદરતની કુદરતી થ્રીલીંગ અને થીમમાં વધુ રસ હતો એટલે લોનાવાલામાં જ મુંબઈ-મુલુંડના બિલ્ડર મિત્ર મનોજ પટેલની રોયલ રેસીડન્સીના બંગલામાં ચાર પાંચ દિવસનો મુકામ રાખ્યો. ચારેકોર સહયાદ્રી પર્વતમાળા અને વાદળછાયા વાતાવરણથી શેર લોહી એમ ને એમ ચડે. લોનાવાલાનું નામ જ જેના પરથી પડેલ છે એવી બોદ્ધ સાધુ દ્વારા બંધાયેલી કારલા, ભજા, બેડસા જેવી ગુફાઓ આજુબાજુમાં આવેલી છે. કારલા કેવ્સ ટેકરી પર છે, ત્યાં પહોંચવા ગાડી પોણે સુધી જાય અને પા જેટલું અંતર પગથિયાથી ચડવાનું. આ ગુફાની બાજુમાં જ એકોવરી માતાનું મંદિર છે. જે ઠાકરે પરિવારના કુળદેવી માતા છે. બંને જગ્યા મજાની છે. કેવ્સની કોતરણી, શિલ્પકલા, બાંધકામ અને માતાજીના દર્શન માટે અહી સુધી ચડવું વસુલ છે. ત્યાંથી આખા લોનાવાલાનો બર્ડવ્યુ મળે છે. નીચે ઉતરી પુના તરફ જતા રોડને ક્રોસ કરી સામે જ જે રસ્તો જાય તે ભજા ગુફા થઈને લોહ્ગઢ કિલ્લા સુધી લઇ જાય છે. દશેક કિલોમીટરના કરાર અને વળાંક વાળા ટેકરી પર ચડતા રસ્તા પર ધ્યાન અને કાળજીથી ગાડી ચલાવી રીયલ રાઈડની થ્રિલથી વધી ગયેલા ધબકારા ત્યાં પહોંચીએ ત્યારે ફરતીકોર પથરાયેલી અદ્ભૂત વેલીના નજારાથી ચુકી જ જાય. પાછળથી નીચે ઉતરતી વખતે આવતા નવગ્રહ મંદિર જેવા સરસ પોઈન્ટ પરથી બીજે ક્યાંક પહોચવાની બહુ ઉતાવળ ન કરાય. 
karla cave
લોનાવાલાથી થોડા કિલોમીટરના અંતરે ખપોલી આવે. ત્યાં જતી વખતે વચ્ચે વહેલી સવારે ખંડાલાનું સોંદર્ય માણતા જવું. આ રોડ પર જ એક જગ્યાએ ઉપરથી નેશનલ હાઇવે, એક્સપ્રેસ વે અને ટ્રેઈનનો ટ્રેક ત્રણેય એકસાથે દેખાય તેમજ ટનલમાંથી પસાર થતા રસ્તાઓ પણ વચ્ચે વચ્ચે આવે ત્યારે આટલી ઉંચાઈએ, આવી જગ્યાએ, આટલા સરસ રસ્તા માટે ટ્રાન્સપોર્ટ ટેકનોલોજી અને એન્જીન્યરીંગ માટે ગર્વ થાય. ખપોલીમાં ગગનગીરી આશ્રમ જવા જેવું. રવિવાર સિવાય દરરોજ ટાટા પાવર પ્લાન્ટ પોતાના ટર્બાઇન ફેરવવા છોડતો પાણીનો પ્રવાહ આ આશ્રમમાંથી પસાર કરાય છે. ત્યાંથી એવી રીતે આ પાણીનો પ્રવાહ જોરદાર વહે કે આશ્રમની અંદર બનાવેલા ઘાટ પાસે ગંગા જેવું વાતાવરણ ઉભું થાય. આ વહેણનો અવાજ આશ્રમની આધ્યાત્મિક અનુભૂતિમાં વધારો કરે. ખપોલીમાં જ ટાટા પાવર કૉલોનીમાં રહેતા સંબંધી મીરા-શ્યામની જન્માષ્ટમી નિમિતે મહેમાનગતિ માણી તેમજ લોનાવાલાના ટાટા પાવર હસ્તગત વાલવાન ડેમ અને ગાર્ડન માટે મંજુરી લેવડાવી. લોનાવાલામાં જ આવેલ આ ડેમનું બાંધકામ ઓગણીશો અગિયાર થી સોળ વચ્ચે થયું. આ ડેમની માલિકી ટાટા પાવર કંપની પાસે છે બાજુમાં જ બહેતરીન બોટોનીક્લ ગાર્ડન વિકસાવેલ છે. ખુબ જ મોટા એરિયામાં તરહ તરહના ફૂલછોડ અને અન્ય ઝાડથી શોભતો આ બગીચો જોવો એ એક લ્હાવો છે પરંતુ આ બંનેમાં કંપનીની પરમિશન વગર પ્રવેશ અપાતો નથી.    

way to tunnel
Three in One - No Need to Explain.
લોનાવલાની નજીક આવેલ લાયન પોઈન્ટ લગભગ બધા જ જોવા જાય. પણ ત્યાં બહુ વહેલી સવારે પહોંચાય તો જલસો પડી જાય. ત્યાં ધુમ્મસ અને વાદળાઓથી ઢંકાયેલ ખીણ એક નવું જમીન સમથળ આકાશ રચે છે. જયારે ફોગ ઘટે ત્યારે ઊંડી ખીણના વ્યુ સાથે જ વાહ બોલાય જાય. આશ્ચર્ય તો એ છે કે આ પોઈન્ટ પર દર શનિવારની રાત્રે દોઢ થી પાંચ પુના અને મુંબઈથી કોર્પોરેટ યંગ જનરેશન નાઈટ લાઈફ એન્જોય કરવા એકઠા થાય છે. અમને તો અચાનક જ આ સૌની મ્યુઝીક મસ્તીની મજા જોવાનો લ્હાવો મળી ગયો. કોઈ ગીટાર વગાડે છે તો કોઈ ગાય છે તો કોઈ વળી નાચે છે. ચા કોફી સાથે ત્યાં મળતા કોર્ન પકોડાની લહેજત લીધા વિના ફેરો ફોગટ સમજવો. લોનાવાલા કે ખંડાલાની એકાદ સવારે કાંદા ભજજી તો એકાદ સાંજે પાઉં ઉસળ જરૂર ટેસ્ટ કરવા. ગોલ્ડનના વડાપાઉં અને મનશક્તિના મિસળ વગર પાછું ન અવાય. એકાદ વાર ભરપેટ પંજાબી ખાવું હોય તો સન્ની ધાબા ધ બેસ્ટ. લોનાવાલાની બજારમાં ચીકી અને ચીકન ચારેકોર દેખાશે. ઓરીજીનલ મગનલાલની ચીકી કે ત્યાંની માવાની મીઠાઈ ફજી લેવા શહેરની અંદર આવેલી મગનલાલની મુખ્ય દુકાને જવું. ત્યાંની ફેવરીટ આંબલી પીપર અને જેલી ચોકલેટ જાય ત્યારે જ લઈને આવીએ ત્યાં સુધી ચૂસતાં રહેવાય. ઉતારા માટે નારાયણી ધામ ઉતમ. લોકેશન સરસ અને રહેવાની સાથે જમવાની પણ સગવડ હોવાથી એટલી હડીયાપટ્ટી ઓછી થાય. લોનાવાલા ઘરની ગાડી લઈને જવાનો અનુભવ ભલામણ કરવા જેવો રહ્યો. થોડું હાંકવામાં ધ્યાન અને નિરાંત રાખવી પડે પણ આજુબાજુ જવા આવવા પોતાની કાર હોય તો સમય અને પૈસા બંને બચે.

ચારેકોર હરિયાળી હિલ્સ અને કુદરતી સૌન્દર્યનો આનંદ મળે તો નજીકના ગામડાઓની બદતર સ્થિતિ જોઈ દુખ પણ થાય. વાંકાચુંકા હાઇવે પર નીકળતા બાઈકર્સને જોઈ બાઈકને કિક મારવાની ચાનક ચડે તો ખાવાં માટે વેચાતી જીવતી ચંદનઘો જોઈને ચીડ પણ ચડે. રૂટીનમાંથી બહાર નીકળી આવી જગ્યાએ જતા નવા પ્રદેશ, પ્રજા, પ્રણાલીને જોતા ઘણું શીખવા માણવા જાણવા મળે. તનમનને નવું વાતાવરણ તો જીભને નવો ટેસ્ટ મળે. કુદરતની કરામત અને ટેકનોલોજીની કલાકારી જોવા અનુભવવા મળે. અલગ અંદાજથી જીવાતી જિંદગી જોવા મળે અને આથી જ અવનવા અનુભવના આધારે જાતની જીંદગી પ્રત્યે વધારે પ્રેમ થાય. વિચારજો. 

bikers on the way
price Rs.500