Monday, August 11, 2014

પોસ્ટ ૪: “દર્શક કહે છે...


ભણાવવા કરતાં ‘કેળવવા’ શબ્દ વધારે સારો છે...

સાત વર્ષ સુધી ભણવાનું કેવું? ત્યાં સુધી તો કેવળ કેળવણી જ ચાલે. કેળવણી એટલે બાળકમાં રહેલી સારી શક્તિને ઉમરના પ્રમાણમાં પ્રગટ થવા દેવાની અનુકુળતા આપવી તે. પછી એ ઊગશે તો આપમેળે જ...

નાનાં બાળકો ઇન્દ્રિયો દ્વારા શીખે છે, ભાષાજ્ઞાન દ્વારા નહિ. બાળકને સિમ્બોલ – સંજ્ઞા ન ચાલે. તેને તો પ્રત્યક્ષ મૂળ ચીજ જ જોઈએ, આ જગત જેના થકી બન્યું છે તે રસ, રૂપ, ગંધ, રંગ, વર્ણ વગેરેને એ પોતાની સગી ઇન્દ્રિયોથી સમજવા માંગે છે, અનુભવવા માગે છે...

બાળકને બાળપણમાં અનુભવવા દો. બાળક અનુભવથી જ શીખવા માગે છે...

અનુભવે એને ભાન થશે કે જગતમાં સજીવ-નિર્જીવ બે વસ્તુ છે. ઝાડને પાણી પાવું પડે છે. દેડકા, કીડીને પણ સુખદુખનો અનુભવ થાય છે. હું અને આ કુતરું બંને સગાં છીએ, બંનેના સુખદુખ સમાન છે. આવી સંવેદના બાળકમાં જાગશે તો જગતમાં શાંતિ થશે...

બાળપણની ઉમર તે મહત્વની ઉમર છે. તે વખતે જે છાપ પડી તે અમિટ છે...

બાળક પોતે જાતે અનુભવીને તે વિષયને સમજે જ છે, સાથોસાથ એનો પોતાનો આત્મવિશ્વાસ પણ વધારે છે. આ તેનું અનુભવસિદ્ધ જ્ઞાન હોય છે, ઉધાર જ્ઞાન નથી હોતું, તેથી તે ડગતો નથી...

બાળકમાં શક્તિનો ખજાનો પડ્યો છે. એને સતત પ્રવૃતિ જોઈએ...

જીવન પ્રત્યે એક પ્રકારનો આદર – જીવમાત્ર પ્રત્યે એક પ્રકારનો આદર હોવો જોઈએ. તે આદર સમસંવેદનશીલતામાંથી આવે છે અને એ ગુણ મા આપે છે, બાપ આપે છે, મિત્રો આપે છે, ઢોર આપે છે, જેની સાથે રમ્યા હોય તે આપે છે...

આ  સમસંવેદનશીલતા તમે કદી ઈંટ-ચૂનાનાં મકાનમાં નહિ શીખવી શકો...

છોકરાને છોકરાની રીતે જીવવા દો. એ થોડું મોડું ભણશે તો એ વહેલું ભણશે ! એનું કારણ એ છે કે અનુભવ લઈને આવે છે એટલે વાત જલદી સમજાઈ જાય છે...

આક્રમક વૃતિ કાંઈ બાળકોમાં પહેલેથી નથી હોતી,  જિજીવિષા સંરક્ષણની ઈચ્છા તેને હોય છે, પણ આક્મણની વૃતિ તો કુશિક્ષણનું જ પરિણામ છે, ને યોગ્ય શિક્ષણ તેને રોકી શકે છે...

આદતો, લાગણીના વલણ બાળપણમાં પડી ચૂક્યાં હોય છે. આથી ઉપદેશ આપણને એક બાજુ ખેંચે છે અને આદતો, લાગણીઓ બીજી બાજુ. આ ગજગ્રાહમાં થોડાક સદભાગીઓને બાદ કરીએ, તો બાળપણની આદતો અને લાગણીઓ જીતે છે...

આક્રમક વૃતિના મૂળ બાલ્યાવસ્થામાં થયેલ નૈરાશ્યના અનુભવમાં છે. બાળકોને અપમાન અને નિરાશાના જે અનુભવો આપણા ઘરમાં, શેરીઓમાં ને શાળામાં થાય છે તે બાળકો ભૂલી નથી જતાં...

બાળકને જેટલી વાર નિરાશાનો અનુભવ આપણે કરાવીએ છીએ તેટલી તેની આત્મશ્રદ્ધાની ઇંટો એક પછી એક ખસેડીએ છીએ...

સંહારવૃતિનો અવેજ સર્જનવૃતિ છે. આક્રમણનો ઉપાય અંત:તૃપ્તિ છે...

બાળકોને એ અવસ્થાએ આપણે સ્વયંસ્ફુરિત પ્રવૃત્તિ કરવા દઈએ તો અંત:તૃપ્તિ માટેનો તેમનો માર્ગ ખુલ્લો થશે ને બીજાને દખલ કરવાનું, બીજાની ઈર્ષા કરવાનું, બીજાને હલકા પાડી મોટા થવાનું ઝેર તેમના સ્વભાવમાં નહિ પ્રવેશે...

ઘર કે શાળા વચ્ચે મેળ ન હોય, વિસંવાદ હોય તો શાળા જે કાંઈ પોતાના સમય દરમિયાન ચણે તે ઘરના સમય દરમિયાન પડે...

માબાપ નહિ સમજે તો બાલમંદિર કે શાળાનું કામ ચાલવાનું નથી...

વિદ્યાર્થીનું આરોગ્ય મહત્વનું છે, વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ મહત્વનો છે, વિદ્યાર્થીનો આત્મસંતોષ મહત્વનો છે...

આપણે બાળકોને ચાહી શકીએ તો સારું પણ ન ચાહી શકીએ તોપણ તેને અપમાનિત ન કરીએ...

સર્જનનો સંતોષ નથી હોતો તે સત્તા દ્વારા રોફ બજાવીને સંતોષ મેળવવા મથે છે...

આત્મસંતોષ અને આત્મતૃપ્તિ નથી તે વહેલો કે મોડો આક્રમક થાય છે. જેને અંદરથી સુખ કે સંતોષ નથી, તે જો નિર્બળ હોય તો બળીજળીને બેસી રહે છે, નિંદા કરે છે; પણ બળવાન હોય તો બીજાને બાળેજાળે છે...

જેને મનગમતી પ્રવુતિ મળે છે તેને બાર બાદશાહી મળ્યાનું સુખ મળે છે...


ઉપરોક્ત વિધાનો મનુભાઈ પંચોળીએ આપેલા પેરેન્ટિંગને લગતા વ્યાખ્યાનોના ચમકારા છે. અલગ અલગ જગ્યાએ દાયકાઓ પહેલા આપેલા ચાર વ્યાખ્યાનોનું ૧૯૮૮માં ‘વિશ્વશાંતિની ગુરુકિલ્લી’ નામે પુસ્તિકા સ્વરૂપે સંપાદન થયું. આઈપીએસ ઓફિસર હસમુખ પટેલની ‘પેરેન્ટિંગ ફોર પીસ’ નામે વાલીજાગૃતિ તેમજ બાલઉછેરને લગતી મુવમેન્ટના અનુસંધાને આ પુસ્તિકા હાથે ચડી અને હૈયે વસી. ઉપરોક્ત વિધાનો આ પુસ્તિકામાં સંપાદન થયેલા મનુદાદાના ચાર વ્યાખ્યાનોનું માત્ર ટ્રેલર છે. છત્રીશ પાના અને સાત રૂપિયાની આ પુસ્તિકા વાલીઓ – શિક્ષકો માટે બાળઉછેરને લગતા હજારો પાનાઓના અતિ મુલ્યવાન સાહિત્યની ગરજ સારે છે. આ પુસ્તિકા વારંવાર વાંચવા – સમજવા – પચાવવા – અમલમાં મુકવા યોગ્ય છે. આ પુસ્તિકા મેળવી ઘૂંટડે ઘૂંટડે પી ને પચાવજો. સમજીને સારું લાગે તે અમલમાં મૂકજો. વર્ષો પહેલા મનુભાઈ પંચોળીએ કરેલી બાળઉછેરની આ વાતોનો હજુપણ આપણે સમજીને યોગ્ય અમલ કરી શકતા નથી એ આપણી કરુણતા છે. દર્શકદાદાના શબ્દોમાં કહીએ તો આપણે કેરીમાં રસ વધારવાને બદલે ગોટલો વધારવાનું પરાક્રમ કરી રહ્યા હોઈએ તેવું લાગે છે. વિચારજો.

Thursday, July 24, 2014

પોસ્ટ ૩: પરવરિશ એ જ પરિણામ

માણસના વિચાર-વર્તન, સ્વભાવ-સ્ટાઇલએ મોટેભાગે એમની પરવરિશનું પરિણામ હોય છે. એ સાચું કે જીનેટીકલી માતા-પિતાના લક્ષણો જન્મથી જ આપણામાં ઓછા-વત્તા અંશે હોય જ છે છતાં જન્મ બાદ થતી પરવરિશની અસર પણ મહત્વનો ભાગ ભજવે છે. પરવરિશ કરનારનો રોલ માતા-પિતા ભજવે છે, તેમની પણ તેમના બાળપણમાં પરવરિશ થઇ છે એટલે જયારે મા-બાપ તેના સંતાનની પરવરિશ કરે ત્યારે બાય ડીફોલ્ટ તેમાં પોતાની પરવરિશનું પ્રતિબિંબ પડે એટલે પેઢી દર પેઢી થતી રહેતી પરવરિશ એ ભૂતકાળમાં થયેલી પરવરિશનું જ પરિણામ હોય છે અને આથી જ પેઢી દર પેઢી ચાલતા આ પરવરિશના ક્રમને મહત્વ આપી અગ્રક્રમ આપવો જ પડે!

જિંદગીના તમામ કાર્યો કરવા માટે એક યા બીજી રીતે તાલીમ કે અનુભવની જરૂર પડે છે જયારે સંતાનની પરવરિશ કે માવજત માટે મા-બાપે ‘ફોર્મલી’ તાલીમ લીધી હોતી નથી કે તેમને મા-બાપ બનવાનો બહોળો અનુભવ પણ હોતો નથી! એટલે મોટાભાગે સમજ્યા કે વિચાર્યા વિના પોતાની થયેલી માવજત કે પરવરિશનનો આધાર લઇ ફરીથી પોતાના સંતાનોની પરવરિશ કરાય છે. મોટામાં મોટી તકલીફ એ છે કે સંતાનોની પરવરિશનું પરિણામ તે મોટા થાય ત્યારે જ બહાર પડે છે અને ત્યારે ‘પાકે ઘડે કાંઠા ન ચડે’ ના ન્યાયે તે પરિણામમાં બહુ મોટો ફેરફાર કરવો મુશ્કેલ છે. દાખલાનો જવાબ ખોટો આવે તો પાછો ગણાય પણ અહી તો શરૂઆતથી આખો દાખલો જ ખોટો હોય છે! અને સંતાનોની પરવરિશના પરિણામને બદલાવવા કે સુધારવા માટે રીવાઈન્ડનું બટન તો હોતું નથી!


મા-બાપ પોતાની સમજણ, શિક્ષણ અને સ્થિતિ અનુસાર પોતાના સંતાનનું ઉત્તમ ઘડતર કરવા હંમેશા તત્પર અને તૈયાર હોય જ છે પરંતુ માતા-પિતા મોટાભાગે પોતે ન કરી શક્યા હોય તે તેમનું સંતાન કરે એવું ઈચ્છતા હોય છે, આ બાબત પોઝીટીવ પણ છે પરંતુ આપણે એ જાણતા કે સમજતા ભૂલી જઈએ છીએ કે મારે જ્યાં મારા સંતાનને લઇ જવું છે ત્યાં આવવા મારું સંતાન ઈચ્છે છે?  મારે કલેકટર થવું હતું પણ થઇ શક્યો નહિ કારણકે મારા પિતાએ મને પ્રોફેસર બનાવવો હતો અને હું પ્રોફેસર થયો, હવે મારી દીકરીને હું કલેકટર બનાવવા ઈચ્છીશ અને કદાચ એ બનશે, પણ તેને જે થવું હશે તે નહિ થઇ શકે અને એટલે એને જે બનવું હતું તે તેના સંતાનોને બનાવવા ઈચ્છશે...બસ આવું ચાલ્યા રાખશે... હું ડોક્ટર થઇ શક્યો નહિ પણ મારે મારા છોકરાને ડોક્ટર જ બનાવવો જ છે એવો વિચાર જ પિતાની થયેલ પરવરિશનું પરિણામ છે. તેમને ઉંડે ઉંડેથી ડોક્ટર ન થઇ શકવાનો અફસોસ છે અને હવે તે ફરીથી પરવરિશમાં ભૂલ કરી પોતાની ઈચ્છા પોતાના સંતાન પર થોપે છે. તેમની ઈચ્છા યોગ્ય છે, પણ અમલ અયોગ્ય છે. 

ફક્ત કારકિર્દી કે કૈક બનાવવા માટે જ નહિ પરંતુ એટીકેટ, મેનર્સ, નમ્રતા, વિવેક, આદર, સમયભાન અને પાલન, મહેનત, અનુભવ, સાહસ, સમજણ, વર્તન, વિચાર, લાગણી, પ્રેમ, દયા, સહાનુભુતિ, કરુણા, આનંદ, મજા, સુખ, સંતોષ, આવડત, અધિકાર, ફરજ, જવાબદારી, જ્ઞાન, અનુભૂતિ, પ્રકૃતિ, સગવડ-અગવડ, સ્વભાવ, સેવા, સહયોગ, શિસ્ત અને શાંતિ જેવી ઘણી જિંદગીમાં જરૂરી બાબતો માટે પરવરિશ અગત્યનો ભાગ ભજવે છે. પૈસા, મિલકત અને માન વધારવામાં આપણે સૌ એટલા ખૂંચી ગયા છીએ કે આ બધું જેમના માટે કરીએ છીએ તે આપણા સંતાનને યોગ્ય રીતે ‘વધારવા’નું આપણે ભૂલી ગયા છીએ. નિરાંતે બેસીને વિચારશો તો ખ્યાલ આવશે કે આપણામાં રહેલી તાકાત અને ત્રેવડ તથા ત્રુટીઓ અને મર્યાદાઓનું મૂળ આપણી માવજતમાં છે. આપણી સારી નરસી બાબતો આપણી પરવરિશનું પરિણામ છે તો હવે ખુદ આપણામાંથી શીખીને આપણે આપણા સંતાનોને જરૂરી તેમજ યોગ્ય પરવરિશ આપવી જ રહી. વિચારજો. 

Sunday, June 29, 2014

પોસ્ટ ૨: કેટલા કમાય છે

(ફૂલછાબ - પંચામૃત - 30 સપ્ટેમ્બર, 2015)

આજના જમાનામાં ‘પૈસા કમાવવા’ એ દરેક વ્યક્તિનું એકમાત્ર અને મુખ્ય કાર્ય બની ગયું છે. સહમત કે આ જમાનામાં યોગ્ય રીતે જીંદગી જીવવા, માણવા કે વિતાવવા પૈસા ખુબ જ અનિવાર્ય છે. પરંતુ કયારેક આ ખનખનિયાના ચળકાટથી માણસની આંખો અંજાઈ જવાથી તે જીંદગીના અન્ય રંગો જોવાનું ચુકી જાય છે. ફાયદા વગરના નિસ્વાર્થ સંબધો કે કમાણી સિવાયની પ્રવૃતિઓ પર પૂર્ણવિરામ મુકાઈ જાય છે. દરેક વ્યક્તિ સફળ થવા ઈચ્છે છે એમાં કશું ખોટું નથી, પરંતુ અફસોસ કે આ જગતમાં સફળતાને ત્રાજવે તોળવા સામે પૈસાના વજનની જરૂર પડે છે. કોઈપણ જાતની પાત્રતા, યોગ્યતા કે લાયકાત ન ધરાવનાર અને ફક્ત બાપના પૈસે પૈસાદાર બનનારને સફળ ગણી સલામ ઠોકવામાં આવે છે, જયારે સંસ્કાર, સિધ્ધાંત, શાણપણ કે સમજણ અને પુરતી લાયકાત, સંપૂર્ણ અભ્યાસ કે ભારોભાર આવડત ધરાવનાર વ્યક્તિ પાસે પૂરતા પૈસા ન હોય તો તેમની સામેથી નજર ફેરવી લેવાય છે.

આજનો સમાજ કોઈપણ વ્યક્તિનો પરિચય માગશે ત્યારે ‘તે શું કરી શકે તેમ છે’ એના બદલે ‘તે શું કરે છે’ એમ પૂછીને એ વ્યક્તિના ભવિષ્યના ફેરફારની સંભાવનાને તદ્દન અવગણીને ફક્ત વર્તમાનની ઈમેજને ધ્યાનમાં લઇ પાસ – નાપાસનો રીમાર્ક મુકે છે. અને આથી જ યુવાવર્ગ પોતાનામાં રહેલી સર્જનાત્મકતાને યોગ્ય રીતે મઠારવામાં, પોતાના શોખ કે પસંદ અનુરૂપ ધંધો શોધવામાં કે પોતાની આવડત કે લાયકાત અનુસાર નોકરી મેળવવામાં ઉતાવળ કરી બેસે છે. બેકાર – બેરોજગાર કે રખડુંના મેણા-ટોણા સાંભળવા ન પડે એટલે ઉંચા પગારવાળી નોકરી કે થોડોક સમય બજારનો અભ્યાસ કર્યા બાદ સ્વત્રંત ધંધો કરવા ઈચ્છતો યુવાવર્ગ સમાજની બીકે જેવી તેવી નોકરી કે ધંધો સ્વીકારી લે છે. કારણ સમાજનું સફળતાનું માપદંડ ‘કેટલા કમાય છે’ તે જ છે. ફક્ત પૈસાની થપ્પીઓની ઊંચાઈ ને બદલે જિંદગી કેટલી આનંદથી જીવાય છે તે જોવું જરૂરી છે. ‘કેટલા કમાય છે’ ને બદલે ‘કમાયેલા ક્યાં વાપરે છે’ તેનો આધાર સફળતા પર વિશેષ છે. પૈસા કમાવવા જરૂરી છે, ભેગા કરવા નહિ. પૈસો પ્રાથમિક જરૂરિયાતની સાથે જીવનનું પ્રાથમિક ધ્યેય પણ બની જાય ત્યારે પેટ બળતરા થાય છે. નીતિમતા અને ગુણવતાને એકબાજુ મૂકી સૌ કોઈ એક જ ધ્યેય સાથે જીવે છે, વધુને વધુ પૈસા કમાવા. પૈસો એ પ્રાથમિક જરૂરિયાત છે પરંતુ જિંદગીના ક્રમમાં નજર નાખશો તો ખ્યાલ આવશે કે મહામુલી જિંદગીનો મુખ્ય ધ્યેય ‘પૈસો’ બનો ગયો છે.

સમાજ કે કુટુંબમાં પૈસા વાળાને સ્પેશીયલ ટ્રીટમેન્ટ મળશે. લગ્ન કે અન્ય પ્રસંગમાં પૈસાવાળો જાણીતો કે સગો આવે તે માટે તેને રૂબરૂ આમંત્રણ અપાશે, પ્રસંગ પહેલા બે વાર આજીજી પૂર્વક આવવાનું યાદ દેવડાવાશે, એ આપડે ત્યાં આવવાનાં છે તેનો ઢંઢેરો પીટાશે અને આવશે તો તેને બધી જ સગવડતા અપાશે અને તેના માટે બધી જ અગવડતા ભોગવશે. નહિ આવે તો એ તો બહુ 'બીજી' હોય એમ કહી તેનો ન આવવા બદલ કોઈ ધોખો ન કરીને ફરીથી બીજી વખતે તે આપડે ત્યાં હાજર રહે તે માટે બધા જ પ્રયત્નો કરાશે જયારે એના જેટલો જ સગો કે સંબધી પૈસા વાળો નહિ હોય તો પોસ્ટથી આમંત્રણ મોકલી, આવે કે ન આવેનો કોઈ વિચાર ન કરી જયારે પ્રસંગમાં તે આવે ત્યારે તેને એની મેળે મૂકી દઈ તે આવ્યાં કે ન આવ્યાં પર કોઈ ઉચિત ધ્યાન ન આપી ને અપમાનજનક વ્યવહાર કરાય છે અને જો તે કોઈ સબળ કારણ અનુસાર પણ પ્રસંગમાં હાજર ન રહે તો તેને ધોખો કરી, તારે ત્યાં પ્રસંગ આવશે ત્યારે નહિ આવીએની ધમકી દેવાય છે. સમાજમાં   આવા આર્થિક સ્થિતિને આધારે કરતા ભેદભાવથી પૈસાનો દેખાડો અને પૈસાનું બિનજરૂરી પ્રદર્શન વધી ગયું છે. જરૂર હોય ત્યારે પેલો પૈસાવાળો પાસે ઉભો રહેશે કે કેમ તેની શંકા છે છતાં પૈસાવાળાને બિનજરૂરી મહત્વ આપી આપડે જ સામાજિક અને પારિવારિક વાતાવરણ બગાડતા હોઈએ છીએ. વ્યક્તિને મૂલવવા ટાણે નોલેજ, સમજણ કે અનુભવને બદલે નાણા, સત્તા કે હોદ્દાથી અંજાય જવાય છે.

સમાજ પૈસાવાળાને એવી રીતે રાખે છે અને માને છે જેથી બીજા બધા વિચાર્યા વગર પૈસાવાળાની પાછળ ઢસડાવાનું શરુ કરે છે. પૈસાવાળાને અપાતા બિનજરૂરી વધુ માનથી બીજા પણ તેના જેવા થવા પ્રેરાય છે. જલ્દીથી પૈસાવાળા થઇ જવા શોર્ટકટ લેવાય છે. વધુ પડતા કામ અને ટેન્શનથી વેલ્થ માટે હેલ્થ પર ખરાબ અસર પડે. ટેન્શન અને અન્ય માથાકૂટ ભૂલવા વ્યસનના રવાડે ચડે. વ્યાજના ચકરડા ચાલુ થઇ જાય અને હોય તેમાંથી'ય ઓછું થાય. પૈસો જ સર્વસ્વ નથી એવું જાણતા આપણે સૌએ એ સત્યને માનતાં થવું જરૂરી છે. સ્વભાવ, વ્યવહાર, વિવેક, સમજણ, આયોજન, આનંદ, સંયમ, સહકાર, નીતિ જેવું'ય કંઈક છે અને તે બધું આ ખનખનીયા કરતાં કેટલાય ગણું વધુ મહત્વનું છે. વિચારજો. 

Tuesday, May 6, 2014

પોસ્ટ ૧: ડેડીના સમયનું સરપ્રાઈઝ

(ફૂલછાબ - પંચામૃત - 14 જાન્યુઆરી - 2015)

સ્કુલ છૂટવાના સમયે, કોરીડોરમાં મમ્મીએ દીકરાને કહ્યું; આજે તારા માટે સરપ્રાઈઝ છે, તારા પપ્પા તને લેવા આવ્યા છે! આ ઘટના આંખ સામે બની ત્યારે રીઅલી સરપ્રાઈઝ થઇ જવાયું! ખુદનો બાપ સ્કુલે તેડવા કે મુકવા આવે તે સરપ્રાઈઝ?! એનો મતલબ એવો કે રૂટીનમાં સ્કુલે મુકવા-તેડવા પપ્પા આવે જ નહિ! અને આવે તો મહેમાન કે સેલીબ્રીટી આવ્યા હોય તેમ હરખ કરવાનો!

સવારથી રાત સુધી પપ્પા કે ડેડીને તેના બીઝી બીઝી શેડ્યુલમાંથી સંતાન-પત્ની કે પરિવાર માટે પ્રાયોરીટી રાખવાની હોતી જ નથી એવું પપ્પા પહેલા અને પછી ધીમે ધીમે આખો’ય પરિવાર માનતો થઈ જાય છે! પપ્પા પૈસા કમાય છે એટલે ઘર અને બાકી બધું ચાલે છે એવું માનીને સૌ કોઈ એમને પૈસા કમાવાની પ્રવૃત્તિ માટે બધી સાનુકુળતા ઉપલબ્ધ કરી દે છે. એક વ્યક્તિની આવી એકાદ પ્રવૃત્તિ માટે આખો’ય પરિવાર સવાર થી સાંજ તેમને અનુકુળ થવા જાત જાત ના સમાધાનો કરે છે. ડેડીને જયારે રજા હોય ત્યારે, ડેડીનો મૂડ હોય તો, ડેડી થાક્યા ના હોય તો ઘણીખરી મજા-પીકનીક-ડીનર-શોપિંગ-મુવી કે વાતચીત જેવી પ્રવૃત્તિઓ થાય એવો વણલખ્યો નિયમ બની ગયો હોય છે! અને વળી પાછું પપ્પાને જે દિવસે, જે સમયે અનુકુળતા હોય- ઈચ્છા હોય ત્યારે બાકી બધાએ એમાં મૂંગામોઢે, મને-કમને ‘રેડી’ થઇ જવું પણ સામાન્ય છે. આવો સરસ ‘પ્રિવિલેજ’ મળ્યા બાદ પણ પપ્પા-ડેડી એમની નોકરી-બીઝનેશ જેવી પ્રવૃતિઓમાં નિષ્ફળ જાય તો તેમને સહારો-સહાનુભૂતિ-મદદ કે ટેકો આપવા આખો’ય પરિવાર ખડેપગે હોય અને સફળતા મળે તો ડેડી એને પોતાની આવડત-મહેનત ગણે અને પરિવાર પર ઉપકાર કર્યાનો ભાવ ચહેરા પર લાવ્યા વગર દેખાડ્યા કરે!

વાતો કરવા, વખાણ સાંભળવા, ફરવા જવા, પોતાની ઈચ્છા-સપના-આશા કોઈકને કહેવા, પોતે ભોગવેલ દુઃખ સંભળાવવા કે પોતે મેળવેલ પ્રશંસા-સિધ્ધિઓ વિશે કહેવા સૌ કોઈને સામે ‘કોઈક’ ની જરૂર પડે છે. પરિવારમાં ડેડી-પપ્પા આ ‘કોઈક’નો રોલ ભજવવાનું ભૂલી જાય છે. અને પછી પત્ની કે સંતાનો પોતાની જરૂરિયાત મુજબની ‘કંપની’ શોધી લે છે. ધીમે ધીમે પરિવારમાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનો સંબંધ ફક્ત ‘પોઝીશન’ બની જાય છે. આત્મીયતા-સંવાદિતા-લાગણી-ભાવના વગેરે ઘટતી જાય છે. પોતે બધું ઈચ્છે છે પરંતુ બીજા પણ તેમની પાસે કશુંક ઈચ્છે છે એ વાત એમના ધ્યાને આવતી નથી અથવા લેવાતી નથી.

ધંધાના સમયમાં ફેરફાર કરીને કે નોકરીમાં અનુકુળતા કરીને પણ પરિવાર સાથે વધુમાં વધુ સમય ગાળવો જોઈએ. તેમની સાથે રહેવું જોઈએ, રમવું જોઈએ, ફરવું જોઈએ. અરસપરસ સમય ન આપી શકવાને કારણે ખાલીપો સર્જાય છે. એકબીજાથી આત્મીય ન થઇ શકવાને કારણે લાગણીના સંબધો જળવાતા નથી, પરિવારજનો વચ્ચે માન-પાન ના સંબધો સાચવી શકાતા નથી, એકબીજાનું કોઈ માનતા નથી, માન રાખતા નથી. કદાચ સમાજમાં થતા લગ્નેતર સંબધો કે દીકરા-દીકરીની ‘ભાગવા’ની ઘટનાઓ પણ આ જ બાબતનું અનુસંધાન હશે. શેરીંગ-કેરીંગ અને અંડરસ્ટેન્ડીંગની જરૂરિયાત પૂરી કરવા કે આનંદ-ઉજવણી માટે અન્યનો સહારો લેવો પડતો હોય છે. અને એટલે જ આજના સમયમાં યંગ જનરેશન પરિવાર કરતા મિત્રો સાથે વધુ દેખાય છે-જાય છે. એમાં કશું ખોટું પણ નથી પરંતુ પરિવારજનો સાથે મળીને આનંદ કરે, એકબીજાની સિદ્ધિઓનું સેલીબ્રેશન રાખે, વર્ષગાંઠ કે જન્મદિવસની ઉજવણી કરે, સાથે હરવા-ફરવા જાય એ પણ એટલું જ જરૂરી છે.જેનાથી સૌ કોઈ એકબીજાથી નજીક રહેશે. દુઃખ, ભૂલ કે સમસ્યા વખતે એકબીજા એકબીજાને કહી શકશે, જાણી શકશે, સહન કરી શકશે અને તેનો ઉકેલ સૌ સાથે રહી કાઢી શકશે.

આ બાબતે અપવાદનો કાફલો હશે જ. ઘણાબધા પોતાના પત્ની અને સંતાન સાથે ‘ક્વોલીટી’ કે ‘ક્વોન્ટીટી’ ટાઈમ આપતા હશે અથવા આ બાબતને વિચારી-સમજી-અનુભવી અમલ કરવાની ઈચ્છા પણ ઘણાને હશે તેમજ અમલ કરવાનો પ્રયત્ન પણ કરેલો હશે. પરંતુ મજબુરી કે મુશ્કેલીને કારણે ઘણા થી કદાચ એ શક્ય નહિ બનતું હોય. સંજોગો-પરિસ્થિતિ કે સમયને કારણે પરિવારને પ્રાયોરીટી આપવાની કદાચ રહી જતી હશે. પરંતુ વીક-એન્ડથી ધીમે ધીમે શરુ કરી એ રૂટીન થઈ જાય એવો પ્રયત્ન કરી શકાય.

ટુંકમાં, જેમના માટે બધી જ પ્રવૃતિઓ કરો છો તે પ્રવૃતિઓમાં એટલા બધા તો ન ખુંપી જાવ કે જેમના માટે આ બધું કરો છો એ જ ભુલાય જાય, અવગણાય જાય. ફેમિલીને સુખી કરવા, સગવડતા આપવા નોકરી-ધંધો કરવા જ પડે પરંતુ એટલે અંશે નહિ કે તેઓ દુખી થઇ જાય. પરિવાર માટે બાકીની પ્રવૃતિઓ બંધ નથી કરવી પરંતુ પ્રવૃતિઓ અને પરિવાર વચ્ચે સમતુલા જાળવવી જરૂરી લાગે છે, પરિવારને પણ સમય-મહત્વ આપવું જોઈએ કારણ પત્ની-સંતાનને ન અપાતા સમયથી થતું નુકશાન ધંધા-નોકરીમાં ઓછા અપાતા સમયથી થતા નુકશાન કરતા ‘મોટું’ અને ‘લાંબુ’ હશે. વિચારજો.