Wednesday, August 26, 2015

પોસ્ટ 7: કાં'ક હોય તો જ કાં'ક આવે


જે એસએલઆર તરીકે ઓળખાય એ મોટો અને લાંબો કેમેરો હાથમાં લેવાનું બહુ બન્યું નહોતું પરંતુ સુરતના દ્રષ્ટિકોણ ગ્રુપથી ફેસબુકના માધ્યમથી પરિચિત હતો. અને એથી જ તેના ફાઉન્ડર મેમ્બર સૌરભ દેસાઈને નામ અને કામ થી જાણતો. તેના પાર્ટનર અને મિત્ર અંકિત માવચીને પણ આ જ રીતે, આ જ કારણે ફક્ત એક મારા પક્ષેથી ઓળખતો. બંને ફોટા પોસ્ટ કરે તે જોવાની મજા પડે. ધીમે ધીમે રસ કેળવાયો. શરૂઆતમાં બંનેમાંથી અંકિતના ફોટા એટલે જોવા વધુ ગમતા કે તે ફોટા સાથે કેપ્શન એટલું સરસ મુકે કે વાહ બોલાય જાય. તેને પોતાના ફોટાને આપેલા ચોટડુક ચબરાકીયાથી તેના ફોટા જોવા બહુ જ ગમે. ફોટા સાથે એકદમ રીલેટેડ અને શબ્દોની જબરદસ્ત પસંદગી. ફોટા વિષે બહુ ટેકનીકલ સમજ નહોતી પરંતુ થોડીઘણી એસ્થેટીક સેન્સને આધારે ફોટા જોવાની મજા આવતી. સૌરભના ફોટા વાઈલ્ડ લાઈફને લગતાં હોય એટલે ધીમે ધીમે કુદરતના અલગ અલગ રંગરૂપ તેમના ફોટા દ્વારા જોવાની શરૂઆત થઇ. અલગ અલગ જગ્યાએ, અલગ અલગ સમયે, અલગ અલગ એંગલથી કુદરતના અવનવા નજારા જોવાની સમજ અને દષ્ટિ ધીરે ધીરે આવવા લાગી. ફેસબુક અને તેમની સાઈટ પર તે બંનેએ મુકેલા પોતાના કામને જિજ્ઞાશાપૂર્વક જોવાની ટેવ પડી. પછી તો બીજા ફોટોગ્રાફરના ફોટા જોવાની પણ શરૂઆત થઇ. સુરતના જ આ દ્રષ્ટિકોણ ગ્રુપ સાથે સંકળાયેલા ડો. ભાવિન પટેલ સાથે પણ કેમેરા અને અન્ય ફોટા વિષયક વાતો થઇ. 

group photo with Saurabh Desai
દ્રષ્ટિકોણ દર રવિવારે સુરતમાં ફોટોવોકનું આયોજન કરે, જેમાં સૌ પોતપોતાના કેમેરા લઇ અલગ અલગ જગ્યાએ ફોટા પાડવા જાય. ફેસબુક પર મન્થલી કોન્ટેસ્ટ રાખે જ્યાં તે ગ્રુપના સૌ પોતપોતાના પાડેલા ફોટા થીમ અનુસાર પોસ્ટ કરે. જોવાની અને જાણવાની મજા આવે. એનાથી પ્રેરાયને રાજકોટમાં પણ થોડા અંગત મિત્રો સાથે મળી રવિવારે ફોટોવોક શરુ કરી. ફોટોગ્રાફીની સાથે સાથે જ્યાં રહીએ છીએ ત્યાંની જ ખુબ જ સરસ પરંતુ હજુ સુધી અજાણી જગ્યાઓ જાણીતી અને માનીતી બની. રાજકોટ આજુબાજુની સરસ કુદરતી અને પ્રકૃતિમય જગ્યાઓ જોવા મળતી થઇ. હવે જ્યાં પ્રકૃતિ હોય ત્યાં પંખી તો હોય જ. કેમેરામાં આ પક્ષીઓને કેદ કરવાનાં રવાડે ચડાયું અને સાથે રહેલા ડો. સુનીલ મોટેરીયા જેવા સુપર્બ બર્ડ વોચર પાસેથી પહેલીવાર પક્ષીને જોતા, જાણતા, સમજતા, ઓળખતા આવડ્યું તેમજ પક્ષીને નિરાંતે નિહાળી તેની અદા, કલર, ટેવ, અવાજ અને સુંદરતાને માણવાનું ચાલું થયું. કુદરતને ખુબ જ નજીકથી જોવાનું, જાણવાનું, માણવાનું શરુ થયું. આમ વહેલી સવારે ઇશ્વરિયા પાર્ક જવાનું થયું અને ત્યાં મિત્રો અતુલ કાલરીયા, મનોજ ફીણાવાને ગોલ્ફ રમતા જોયા અને વળી પાછું કંઈક નવીન એટલે કે ગોલ્ફની સમજ મળી અને ગોલ્ફ સ્ટીક પર હાથ અજમાવવાનું શરુ કર્યું. કેમેરામાં ફોટા પડે કે ના પડે પણ દિલોદિમાગમાં આ કુદરતના રંગરૂપ કેપ્ચર થવા લાગ્યાં. પ્રકૃતિના સોંદર્યની સમજ આવી, ફરી ફરી તેને માણવાની ભૂખ જાગી. ત્યાં જ રાજકોટમાં સૌરભ દેસાઈનો એક દિવસનો ફોટોગ્રાફી વર્કશોપ ગોઠવાયો. જેને હજુ સુધી તેના ફોટાઓથી જ જાણતો હતો તેને રૂબરૂ મળવાનું, સાંભળવાનું થશે તેનો ઉત્સાહ સમાતો નહોતો. આખો દિવસ તેના ફોટાઓ, ફોટો ટુર, થયેલા અનુભવો, ટેકનીકલ માહિતી અને ફિલ્ડ પર તેમનું માર્ગદર્શન યાદગાર રહ્યાં. પેશન અને સ્કીલનું જોરદાર કોમ્બીનેશન તેમના વ્યક્તિત્વમાં અનુભવાયું. તે વર્કશોપમાં તેમને પાડેલા ગીરનાં સિંહના ફોટા જોયા અને ગીરના તેમના અનુભવો સાંભળ્યા. સાથે રહેલા બીજા મિત્રોએ પણ ગીરના સરસ અનુભવો પર્સનલી શેર કર્યા. વનરાજના અનોખા અંદાજની વાતો થઇ. નેચર લવર અને વર્કશોપના આયોજક ધૈવત હાથી પાસેથી ગીરની ઘણી અજાણી વાતો જાણવા મળી અને ગીર જવાનું મનોમન નક્કી થયું. વાંચનના શોખથી ધ્રુવ ભટ્ટનું નામ અજાણ્યું નહોતું ત્યારે ધૈવતે ધ્રુવ ભટ્ટની ગીર પર લખાયેલી અકુપાર નોવેલ વાંચી જવા ભલામણ કરી. ઉપરોક્ત બનેલા બનાવોથી બનેલા પિંડમાં અકુપારે જીવ પુરવાનું કામ કર્યું. 

with Dhruv Bhatt 
વાંચીને જે કલ્પના બની તેને હકીકતમાં ફેરવવા મિત્ર પ્રયાગ પટેલ સાથે ગીર ગયા. પહેલી વાર ખુલી જીપમાં બેસી સાચુકલાં જંગલમાં ફર્યા. અત્યાર સુધી ઝૂના પાંજરામાં કે ટીવીના પડદે જોયેલા ઘણા જીવોને સગી આંખે મુક્તપણે પોતાના અંદાજથી વિહરતા જોયા. આખા'ય શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ, અફલાતુન અનુભવ થયો. આ અનુભવ બાદ ફરીથી અકુપારને ઘૂંટડે ઘૂંટડે પીધી. કુદરત હજુ વધારે મહેરબાન થવાની બાકી હતી અને એટલે જ એમની મહેરબાની રૂપે રાજકોટમાં અદિતિ દેસાઈએ દિગ્દર્શન કરેલું અકુપાર પર તૈયાર થયેલું નાટક અકુપાર જોવા જવાનું થયું. ઓવારી જવાયું અને બોલી જવાયું ખમ્માં ગઈરને. નસીબની બલિહારી એવી કે તે જ શો માં અકુપારના લેખક ધ્રુવ ભટ્ટ મળ્યાં, વાતો થઇ. અકુપારની સાંસાઈનું બહેતરીન પાત્ર ભજવનાર જાણીતી આરજે દેવકી અને નાયકનું પાત્ર ભજવનાર પ્રસિદ્ધ અભિનય બેન્કરને પણ મળવાનું થયું અને તે બંનેથી પરિચિત થવાયું. અને પછી તો અભિનયના અભિનય વાળું વેલકમ જીંદગી નાટક જોઈ સૌમ્ય જોશીનો પણ પરિચય થયો. અકુપારના પગલે ધ્રુવ ભટ્ટના બીજા પુસ્તકો વાંચ્યા. પ્રકૃતિનું સૌન્દર્ય ધ્રુવદાદાની કલમે જોરદાર ખીલે છે અને દાદાના શબ્દો અને શૈલી કુદરતનો અલૌકિક અને આધ્યાત્મિક અનુભવ કરાવે છે. આપણી અને પ્રકૃતિ વચ્ચે કંઈક કનેક્શન છે તેવું તેને વાંચતા અનુભવાય છે. 

with Devaki
with Abhinay


















તો થોડા સમય પહેલા જ પાછો એક ફોટોગ્રાફી વર્કશોપ અટેન્ડ કરવાનું થયું જેમાં સુરતના જ બહેતરીન કપલ નેહા અને ચિતરંજન દેસાઈના ફોટોગ્રાફીના અનુભવ, આવડત જાણતી વખતે આ કપલના દેશ પરદેશ ફરવાના શોખથી ઈમ્પ્રેસ થઇ જવાયું. જાત જાતની જગ્યાઓને એક્સ્પ્લોર કરી ફોટોગ્રાફી કરનાર આ કપલની લવલી લાઈફની ઈર્ષા થઇ આવી. રાતના ત્રણ વાગ્યે રાજકોટની ભાગોળે ખીરસરાની વીડીએ લઇ જઈ ચિતરંજન દેસાઈએ નાઈટ સ્કાય ફોટોગ્રાફી વિષે લાઇવ ડેમો કરાવ્યો. ફરીથી કુદરતનું એક બીજું પરિમાણ સામે આવ્યું. અમાસના કાળા ડીબાંગ આકાશમાં નાચતા તારાઓ અને પહેલીવાર નરી આંખે મિલ્કી વે જોઈ જલસો પડી ગયો. આપણી આજુબાજુ જ આવું કેટલુંય છે પણ આપણે તેના તરફ એક નજર પણ નાખી હોતી નથી એવી ગિલ્ટી પણ ફિલ થઇ.

with Neha & Chitranjan Desai
હાલમાં પગમાં ફેકચર થયું હોવાથી થતાં ધરાર આરામ વખતે મુકેશ મોદીનું ધ્રુવ ભટ્ટની કથાઓનું રસદર્શન કરાવતું પુસ્તક યાત્રા ભીતરની વાંચતી વખતે આ લેખની શરૂઆતથી બનેલા એક પછી એક બનાવોના ટપકાઓને જોડતા જોડતા એક અનેરા અનુભવનો આકાર બની ગયો. કશુંક થવા કે સમજાવવા જ કશુંક થાય. ક્યાંક લઇ જવા ક્યાંકથી શરૂઆત થાય. એક પછી એક ઘટતી ઘટનાઓના અનુસંધાન જોડતા જાય. કેટકેટલા વિષયો, વ્યક્તિઓ, જગ્યાઓ, બાબતોના મુકામથી સફર મજેદાર બનતી જાય. જીંદગીમાં સમયે સમયે થતા અનુભવો કે મળતા માણસો એક યા બીજી રીતે કોઈક બીજા અનુભવ કે માણસ સુધી પહોચાડવાની કડી સાબિત થતી હોય છે. કંઈક સુધી લઇ જવા કોઈક મળતું હોય કે કંઈક થતું હોય એવું લાગે છે. દરેક ઘટના, વ્યક્તિ કે અનુભવ કોઈક બીજી નવી ઘટના, વ્યક્તિ કે અનુભવ તરફ આંગળી ચીંધે છે કે દોરી જાય છે. અને આમ ને આમ ટપકાંઓ જોડાતાં રહી અનોખા, અવનવા અને અફલાતુન આકારો બને છે. અકુપારનું જ વિક્રમ ભરથરીના મુખે મુકાયેલ એક વાક્ય અહી બંધબેસતું લાગે; કાં'ક હોય તો જ કાં'ક આવે. વિચારજો.                        





1 comment:

  1. કાં'ક હોય તો જ કાં'ક આવે .............

    ReplyDelete