Thursday, April 2, 2020

પોસ્ટ 24 : વિચારોની પ્રયોગશાળા - ઉમિયા પરિવાર

મને સાહિત્ય અને સમાજથી નજીક લાવવામાં ઉમિયા પરિવાર સામયિકનો બહુ મોટો ફાળો છે. 1997 આસપાસ જયારે રાજકોટમાં ગ્રેજ્યુએશન કરવા આવ્યો ત્યારે ગોવાણી હોસ્ટેલમાં રહેવાનું થયું અને એ જ હોસ્ટેલમાં ઉપરની વિંગમાં પ્રાગજીભાઈ પટેલ પણ એક રૂમમાં રહે અને સીદસર ઉમિયા મંદિર દ્વારા પ્રસિધ્ધ થતું સામયિક ઉમિયા પરિવારને લગતું બધું જ કામ સંભાળે. ખુબ સારા વાચક અને લેખક, ગાંધી પ્રેમી, ખાદીધારક આ પ્રાગજીબાપાના પરિચયથી હું વાંચતો લખતો થયો. એ વખતે મને મોટિવેશન મળે એ માટે, મારા લખાણને મઠારીને ઉમિયા પરિવારમાં પ્રાગજીબાપાએ છાપ્યું. મારા નામ સાથે મારો લખેલો એ પહેલો લેખ ઉમિયા પરિવારમાં પ્રસિધ્ધ થયો. ઉમિયા પરિવારની આંગળી જાલી, મંદિર અને સમાજ તેમજ વાંચન અને લેખન તરફની શરૂ થયેલી એ સફર, માં ઉમિયાની દયાથી આજે ઘણા માઈલસ્ટોન સાથે આગળ વધી રહી છે.  
આ ઉમિયા પરિવારને સંભાળવાની તક ઓક્ટોમ્બર 2016થી મને મળી છે. જેની માવજતથી આપણે ખુદ ઘડાયાં હોય, એમની સારસંભાળ લેવાની હોઁશ કોને ન હોય ! એટલે જ ઉમિયા પરિવારના વાચકોને વિચારતાં કરે એવું કશુંક નવું નવું આપતા રહેવાના ઉપક્રમના અનુસંધાને મે-2019 થી અંકના છેલ્લું પાને 'વિચારોની પ્રયોગશાળા' શરૂ કરેલી. જેનો મુખ્ય ધ્યેય વાંચન ઉપરાંત કશુંક સાંભળવા-જોવા-માણવા જેવા વિચારપ્રેરક વક્તવ્ય-પ્રવચન-ફિલ્મ-ગીત-સ્થળ તરફ આંગળી ચીંધી વિચારનું વાવેતર કરવાનો હતો. આ માટે જાતે જોયેલું, સાંભળેલું, માણેલું, ગમતું હોય એનો ગુલાલ કરવાનો મોકો મળેલો. કુલ સાતેક મહિના આ કર્મનો ક્રમ ચાલ્યો. ત્યારે વાચકોને એ એટલું બધું ગમેલું કે ઉમિયા પરિવાર વાચકો પાછળથી વાંચવાનું શરૂ કરતાં ! પહેલા વિચારોની પ્રયોગશાળા વાંચી પછી બધું જ વાંચતા.
એ સાત મહિનાના સાત પેઈજના લખાણના ફોટા અહીં મૂકી રહ્યો છું. અત્યારે મળેલા શાંતિ અને સમયમાં આપ સૌને એ માણવા અનુભવવા ગમશે. યોગ્ય લાગે તો અન્યને વહેંચી, આંગળી ચીંધવાનું પુણ્ય મેળવજો.         








પોસ્ટ 23 : આ સમય છે, આ સમયને સાચવવાનો.


નવરા નવરા ઘરે રહીને શું કરવું,

એવો સવાલ થાય એનું જ મને તો આશ્ચર્ય છે. 
- આ સમય છે તકલીફને તકમાં ફેરવવાનો.
એવું કેટલુંય હશે જે કેટલાય વખતથી કરવાનું મન હશે પણ થયું નહીં હોય;
એવું કેટલુંય છે જે કરવા માટેનો ટાઈમ મળતો નહીં હોય.
- આ સમય છે એ બધું કરવાનો.
'તમારા ભાઈ તો કોઈ'દી ઘરે ટકે જ નહીં.' 
'સાલું, ફેમિલી સાથે રહેવાનો ટાઈમ જ ક્યાં મળે છે.'
'બસ હવે તો થાકી ગયાં, આ કામકાજ ઓછું કરી નિરાંતે જીવવું છે.'
-  આ સમય છે આ બધી વાતોનું સાટુ વાળવાનો.
- આ સમય છે ઘરે રહી,
વાંચવાનો, જોવાનો, સાંભળવાનો, રમવાનો, શીખવાનો, સજાવવાનો, રાંધવાનો,
સાફ કરવાનો, ગોઠવવાનો, સમારકામ કરવાનો, વાતો કરવાનો, 
કશું'ક નવું કરવાનો;
અરે, સવારે મોડે સુધી સુવાનો, રાત્રે મોડે સુધી જાગવાનો, 
મૂગું બેસવાનો, પડ્યા રહેવાનો, કાંઈ ન કરવાનો કે સાવ નવરા રહેવાનો.
- આ સમય છે જાત સાથે વાત કરવાનો, 
ક્યાં ભૂલ થઇ એ વિચારવાનો 
ભૂતકાળને વાગોળવાનો અને 
ભવિષ્ય માટે કશો'ક સંકલ્પ કરવાનો. 
- આ સમય છે,થોડા દિવસ હડિયાપટ્ટી બંધ કરી, ઘરમાં ટકવાનો. 
- આ સમય છે, થોડું એકલા રહી, જાજું સાથે રહેવાનો.
- આ સમય છે, સજાગતાનો.
- આ સમય છે, સમજવાનો.
- આ સમય છે, આ સમયને સાચવવાનો.