Friday, November 25, 2016

પોસ્ટ: 16 : તુજ સે નારાજ નહિ જિંદગી, હૈરાન હું મૈં

Phulchhab - 23rd Nov. 2016
ઘણીવાર ઘણું એવું ઘટે કે માન્યામાં જ ન આવે. અચરજ પમાડે. ક્યારેય વિચાર્યું કે ધાર્યું જ ન હોય એવું થઇ જાય. ભવિષ્યમાં આવું થાય કે આવું ન થાય એટલે અત્યારે બધા જ પ્રયાસો કર્યા પછી પણ એનાથી કશુંક અજુગતું થાય એવું આપણે સૌએ અનુભવ્યું હશે. એવા ઘણા આયોજન કર્યા હોય જેનું આખરી પરિણામ સાવ અલગ જ મળ્યું હોય. જવા ક્યાંક નીકળ્યા હોય અને પહોંચીયે ક્યાંક બીજે. જ્યાં પહોંચવાનો કશો વિચાર જ ન હોય અને ત્યાં પહોંચી જવાયું હોય. આમાં દર વખતે જે થાય છે તે ખોટું કે ખરાબ જ થાય છે તેવું નથી, ઘણું સારું અને સરસ પણ ધાર્યા કે વિચાર્યા વગર મળી જાય છે. ઘણા લાંબા ગાળાના પ્લાનિંગ સાથેના કશુંક મેળવવાના પ્રયત્નો પાણીમાં જાય છે તો ઘણું કશા જ પ્રયત્નો વિના પાણીની જેમ મળી જાય છે. આવું દર વખતે કે બધે જ થતું નથી પણ ક્યારેક ક્યારેક આવું થઇ જાય ત્યારે કુદરતની આ કરામત સમજ બહાર જાય. કોઈ સાથે રાખેલા જાળવેલા સંબધો કોઈ જ ખાસ કારણ વગર તૂટી જાય તો કોઈક કશા જ પ્રયત્ન કે પરિચય વગર અંગત થઇ સુખદુઃખ વખતે પડખે ઉભો રહી જાય. કોઈક સંઘર્ષ કરતા કરતા સારું ભણે ગણે, શીખે, સીધી લીટીથી જીવન જીવે છતાં એ નોકરી માટે દર દર ભટકે અને કોઈક જેવું તેવું ભણીને ફક્ત ડિગ્રીના દાવે કશી જ આવડત વિના સાતમું પગાર પંચ મેળવે. પથ્થરાં તરી જાય ને' ફૂલડાં ડૂબી જાય. 

કર્મ કર્યા પછીએ ઘણીવાર પૂરતું કે જોઈતું ફળ ન મળે તો ઘણીવાર આપણને કંઈક એવું મળી જાય જેના માટે આપણી લાયકાત કે તાકાત જ ના હોય. જિંદગીની ધારવી બહુ મુશ્કેલ છે અને એને  ધારવાની જ ના હોય, બસ માણવાની હોય અને એટલે જ આવું ક્યારેક સારું કે ખરાબ અણધાર્યું અજુગતું કે અચરજ પમાડનારું થાય ત્યારે એનાથી નારાજ થવાનો પ્રશ્ન જ નથી પણ હાં, આવું થાય ત્યારે આશ્ચર્ય જરૂર થાય. ક્યાંય કશાનો તાળો ન મળે ત્યારે નિયતિને આગળ ધરવી પડે. જે થવાનું છે તે થઈને રહેવાનું છે. જે અને જેટલું આપણા માટે છે તે મળવાનું જ છે, નથી એ ગમે તેમ કરીને મેળવ્યાં પછી પણ વહી જવાનું છે. કુદરતના ક્રમને, કરામતને આપણી બુદ્ધિ ક્યારેય પામી જ ના શકે. સાક્ષીભાવે આ બધું જોતા અને માણતા રહી પસાર થવા દેવામાં જ મજા છે. આજુબાજુ ઘણું એવું થાય છે, ચાલે છે જેમાં આપણો મગજ જ ન બેસે. સારા ની સામે સારું અને ખરાબની સામે ખરાબનું સમીકરણ ક્યારેક અને ક્યાંક ખોટું પડતું દેખાય. કોઈકનું બધું જ સાંગોપાંગ ઉતરી જાય અને કોઈકનો ક્યાંય મેળ જ ન પડે. 

વિચાર, વર્તન, વ્યવહારને આધારે કશુંક થશે જ કે મળશે જ એવું માનવું ભૂલભરેલું લાગે છે, અપેક્ષા કે આશા રખાય પણ એ પુરી થાય  એવું દરવખતે જરૂરી નથી પછી ભલે તમે તે માટે ગમે તેટલા યોગ્ય, લાયક, પ્રામાણિક કે પ્રયત્નશીલ હો. તમે બીજાનું ગમે તેટલું સારું રાખતા હો કે વિચારતાં હો એ તમારું સારું રાખશે કે વિચારશે એવું જરુરી નથી. કોઈ ઉપર આંખ મીંચીને ભરોસો રાખવો જરૂરી નથી. કોઈકને એના વાણી, વર્તન, વ્યવહારથી એ આવો કે તેવો છે એવું એના વિષે જજમેન્ટ લઇ લેવું પણ જરૂરી નથી. આપણે માનતા હોય એનાથી એ સાવ અલગ જ નીકળે. પળે પળે પરિવર્તનશીલ આ જિંદગીમાં શું, કયારે, કેમ, કેવી રીતે થશે એનો અંદાજ લગાડવામાં કે કશુંક આપણે ધારીએ એવું થાય એ માટે ધમપછાડા કરવામાં કે બીજા સૌને સારું લગાડવા, સૌને રાજી અને સારું રાખવામાં સમય બગાડવા કરતા એ સમયમાં જિંદગીને શોખ, રસ, મિજાજ, મૂડ, મસ્તીથી જીવી લેવામાં અને ખુદને ખુદથી રાજી રાખવામાં જ શાણપણ છે. વિચારજો.                    

Wednesday, November 16, 2016

પોસ્ટ 15: પૈસા - ગમે ત્યારે બદલી જાય, ગમે તેને બદલી નાખે

(ફૂલછાબ - પંચામૃત - ટચવૂડ - 16 નવેમ્બર, 2016) 

મોટીમોટી કે ખોટેખોટી વાતો હાંકતો માણસ હોય એવો આખેઆખો પૈસાના વ્યવહાર વખતે બહાર આવે. પૈસા જ એક એવું માધ્યમ છે જે માણસને ઉઘાડો કરે. સંબંધ, સહકાર, સહાયનો ઉપરછલ્લો દેખાડો કરતાં હોય એનો અસલી સ્વભાવ અને મૂળભૂત મિજાજ પૈસાની વાતે જ હોય એવો પ્રગટે. 

કેમ, ક્યાંથી વધુ અને જલ્દી મળે એની ગણતરીઓ સૌ કોઈને આવડે જ છે. ગમે તેવો સત્યવાદી કે સિધ્ધાંતવાદી પણ પૈસા બાબતે ગપશી શકે. અપવાદો હોવાનાં પણ સામાન્ય રીતે, સામાન્ય માણસ પૈસાની બાબતે સ્વાર્થી બની જાય એવું આપણે સૌએ ક્યાંક કે કયારેક અનુભવ્યું હશે. અને અત્યારનો સમય આ પૈસા બાબતે માનવસહજ સ્વભાવ જાણવા યોગ્ય છે. પાંચશો હજારની નોટ બંધ થયા બાદ બજારમાં ધોળાને ધોળા રાખવા અને કાળાને ધોળા કરવા સૌ મશગુલ છે ત્યારે સૌની પોતપોતાની પૈસાકીય ગણતરીઓ જોવા જાણવા સમજવાની મજા આવે, જેમાં પૈસાની સાથે માણસ પણ સમજાશે. નાનામાં નાના માણસથી મોટામાં મોટા માણસ સુધી સૌ કોઈ આ ચાલતી ટ્રેનમાં ચડવા દોડવા લાગ્યા છે, કેટલાંક ટ્રેનમાં બેસી ગયા છે, કેટલાંક દોડીને ચડી જશે, કેટલાંક કોઈકને ચડાવવા હાથ આપશે, કેટલાંકને ચડતા બીજા કેટલાંક રોકશે અને કેટલાંક રહી જશે. જેની પાસે નથી એ અને જેની પાસે છે એ બંનેને એકબીજાની જરૂર ઉભી થઇ છે. બંને પોતપોતાનો સ્વાર્થ સાધવા મનતોડ મહેનત કરે છે. કોઈક ન વેચાતું વેચવા તો કોઈક સસ્તામાં કશુંક લેવા ગણતરીઓ માંડે છે. ઘણાં કૃષ્ણને પોતાનાં સુદામાઓ અને ઘણા સુદામાને પોતાના કૃષ્ણો એકાએક યાદ આવવા લાગ્યાં. 

નવા વર્ષે પણ જેનો સાલ મુબારક માટે ફોન નહોતો આવ્યો એવા કેટલાંય પોતાનો ઈગો, હોદ્દો, શરમ નેવે મૂકી, અચાનક પોતાના કાળાને ધોળા કરવા કે આપણા કાળાને કમિશનથી ધોળા કરી આપવા આગળ આવ્યા. આ જ તો પૈસાની તાકાત છે. પૈસાથી વસ્તુ તો ખરીદી જ શકાય છે પણ આ પૈસા જ માણસનું ઈમાન કે ગુમાન ખરીદી કે ગીરવે મૂકી શકે છે. પૈસા માટે ભલભલા જાતજાતનું સમાધાન કરવા કે એક કક્ષાથી નીચે ઉતરવા તૈયાર થઇ જાય છે. અપવાદો બધે જ હોવાના પણ અનુભવે અને અભ્યાસે એટલું સમજાણું છે કે આ પૈસા જ ન કરવાનું કરાવે. ખબર હોય કે ખોટું છે, નડશે છતાંય પૈસા માટે માણસ બદલી કે બહેકી શકે છે. 

પૈસાના કેસમાં માણસ બીજા કરતા પોતાનું પહેલા અને વધારે વિચારે. બીજાનું શું નુકશાન થશે એના બદલે ખુદને શું ફાયદો થશે એનો વિચાર પહેલો કરે. મોટેભાગે પૈસાની બાબતમાં એનું જે થવું હોય તે થાય એવું વિચારી, આપણે તો આપણું જ સાજું કરતા હોઈએ. પૈસા માટે જુના અને અંગત સંબધો દાવ પર મુક્યાના દાખલા મોજુદ છે. ભાગીદારો, ભાઈભાંડુઓ, ભાઈબંધો સાથેની તિરાડ કે તનાવનું મુખ્ય કારણ પણ પૈસા જ હોય છે. ઘણીવાર પછી આવી લાલચ, લોભ, દગો કે છેતરપિંડી માટે અફસોસ પણ થાય, સમજાય પણ વળી પાછી પૈસાની ઘેલછા હતા એવાને એવા કરી નાખે. 

મોદી સાહેબનો આ માસ્ટર સ્ટ્રોક બે ચાર કલાકમાં ઘણાનું ઘણું હતું એ ન હતું કરી નાખે ત્યારે વિચારોની આવી મેન્ટલ  સ્ટ્રાઇક થાય. ધીમે ધીમે સૌ સારા વાનાં થશે, ઘી ના ઠામમાં ઘી પડશે પણ આ સમયે સૌ કોઈને પોતાનાં તેમજ બીજાના પૈસા વિશે વાતો કરતાં, વિચારતાં, સમજતાં, ગણતરી કરતાં, સેટિંગ કરતાં, સમાધાન કરતાં, ઓફર મુકતા જોવાનો એક અલગ અનુભવ રહ્યો. 

પાણી પગ નીચે આવે ત્યારે સૌ કોઈ પોતપોતાનાં પાયસા પહેલા ચડાવે. સૌ કોઈ પોતપોતાનું સળગતું ઠારવા મંડી પડ્યા છે અને ઘણા આમાંથી પણ પાછા કમાય લેવા નીકળી પડ્યા છે. ઘણા ખુલ્લાં પડ્યા, ઘણા ઢંકાય ગયા. એક વાત નક્કી, આ પૈસા નો ભરોસો નહિ એ ગમે ત્યારે બદલી જાય અને ગમે તેને બદલી નાખે. વિચારજો.