Sunday, December 29, 2019

પોસ્ટ 22 : પુસ્તકોની છાજલી - રમેશ પારેખ

રમેશ પારેખે 
ઓક્ટોબર-1989માં લખેલી, 
'છ અક્ષરનું નામ'માં પેઈજ નંબર 626 પર સંગ્રહીત થયેલી, 
કવિતા... https://youtu.be/vfmZB9CmlCE


છાજલી પર પુસ્તકો 
અ થી જ્ઞ સુધીનાં...
દુનિયાનાં નકશા જેવો 
મારો અભ્યાસખંડ લટકે છે વિશ્વમાં.

'છાજલી પર પુસ્તકો'
- એમ કહું કહું ત્યાં 
છાજલી તળે ઠોકેલા ખીલા મને કરે છે ચૂપ.
તે કહે છે: 'આ તો ફરીશ્તાઓની વસ્તી છે!'
ને છાજલી હકારમાં વધુ ઝુકે છે...

અહીં શબ્દોનો બગીચો મઘમઘે છે 
- એમ બબડતું કોઈ પુસ્તક.
મારાં બે પૃષ્ઠ વચ્ચે છે સ્વર્ગ 
- એવું જાહેર કરે કોઈ ઝીણકુડી ચોપડી.
ખોખરા અવાજે બોલે છે શબ્દકોશ:
'અલ્યા, અહીં તો બધી ભાષાઓ 
ગાય છે ગીત 
ગીત - ફૂટપાથ પર ઠૂંઠવાતાં ભિખારીઓનાં, 
ગીત - ખૂણે બેસી આંસુ પાડતી નવવિધવાનાં,
ગીત - યુધ્ધમાં કપાઈ ગયેલા સૈનિકોનાં,
ગીત - ભૂખથી વલવલતાં શીશુઓનાં,
ગીત - હોસ્પિટલમાં કણસતાં રુગ્ણોનાં,
ગીત - માનવ્યનાં,
ગીત - માનવ્ય માટે ઝૂઝતા ચપટીક શ્વાસોનાં,
ગીત - નિઃશ્વાસ નાખી રસ્તે જતા થાકેલા પ્રવાસીનાં. '

'અહીં ફિલસૂફોએ ઉકેલી નાખ્યો છે 
કાળનો કોયડો...' એમ ધીમેશથી કહે કોઈ જર્જરિત ચોપડી.

'આ બધા ગ્રંથો છે સમાજની યાદદાસ્ત'
- એમ કહી ટપ્પ કરતું નીચે પડે કોઈ પુસ્તક.

મારા અભણ કપાળમાં શબ્દનું ટીલું.
અહીં અક્ષર છે, ધર્મ - 
જે ખંડિત કરતો નથી કશું,
જે બનતો નથી કદી પશુ.
બે પૃષ્ઠ વચ્ચેથી નીકળી તે 
કોઈનાં ઘર કે સપનાં સળગાવતો નથી.
નથી ભોંકતો કોઈને છૂરો.
અહીં મંદિરની જગાએ મૂકો મસ્જિદની ચોપડી 
તો બકરી યે કરે નહિ બેં,
એવું રામરાજ્ય છે!
અહીં એકે અક્ષર નથી ધર્માન્ધ.
અહીંથી જ ઊગે છે સૂર્ય 
જે અજવાળે છે ભીતરી બ્રહ્માંડ...

ચાચા ગાલિબ એના દીવાનમાંથી 
ડોકિયું કરી પૂછે: 'તું કોણ ?'
તો હોઠ બોલી ઊઠે - 'હું મુસલમાન !'

મીરાં, કબીર, તુલસી, નાનક 
પૂછે તારું કયું થાનક,
જ્યાં તું ટેકવે તારું મસ્તક 
ને ભીડ પડ્યે કોને દરવાજે દ્યે તું દસ્તક?
તો હું ચીંધુ મારાં પુસ્તકની છાજલી...

ખ્રિસ્ત, બુદ્ધ કે મહાવીર મને ચીંધે દિશા 
પુસ્તકમાં જાય-આવે મારા વિચાર લિસ્સા !

મારી છાજલી રામની જન્મભૂમિ નથી;
એ તો છે વૃંદાવન,
જ્યાં વિશ્વની તમામ સુંદરતા 
ગોપી બનીને રાસ રમે 
મારું અંતર એમાં ફેરફુદરડી ભમે...

ધર્મનો ધ 
બે પુંઠા વચ્ચેથી નીકળીને 
બીજાં પુસ્તકમાં વધ કરવા નથી જતો...

તો ઉપદેશકો, હોશિયાર !
મારી છાજલી પર પુસ્તકોની કતાર.
જેમાં પ્રત્યેક ધર્મ ને મનુષ્ય પ્રતિષ્ઠિત પુરબહાર...

તમારાં કંઠીકંઠા મારા અભ્યાસ ખંડને ન અભડાવે 
બિભત્સતા મારા ખંડનાં બારણાં ન અભડાવે 
તો બસ.
આખા વિશ્વમાં સૌથી પવિત્ર જગા છે-
મારાં પુસ્તકોની છાજલી.
મારો અભ્યાસખંડ તીર્થ છે, મારાં માહ્યલાનું,
તમે આવો તો તમારું ય !

Wednesday, November 6, 2019

પોસ્ટ 21: ગુણવંત શાહની પ્રાર્થના



કોઈ તરસ્યા અજાણ્યા માણસને પાણી ધર્યું, એ પણ પ્રાર્થના.
કોઈ ભૂખ્યા માણસને અડધો રોટલો આદરપૂર્વક આપ્યો, એ પણ પ્રાર્થના.
કોઈ ગંદી ભોંય પર સફાઈ કરી, એ પણ પ્રાર્થના.
ક્રોધે ભરાયો ત્યારે મૌન જાળવ્યું, એ પણ પ્રાર્થના.
કોઈને ભૂલથી ખલેલ પહોંચાડી ત્યારે, 
ખરા દિલથી 'સૉરી' કહ્યું, એ પણ પ્રાર્થના.
કોઈ પર ઉપકાર કર્યા પછી વાત ખાનગી રાખી, એ પણ પ્રાર્થના.
કોઈ સજ્જનનો પક્ષ લેતી વખતે,
મુસીબત વેઠીને પણ મક્કમતા બતાવી, એ પણ પ્રાર્થના.
કોઈ જગ્યાએ વેરવિખેર પડેલું પ્લાસ્ટિક વીણી લીધું, એ પણ પ્રાર્થના.
અજાણ્યા માંદા માણસને રાહત પહોંચાડી, એ પણ પ્રાર્થના.
માંસાહાર કરવાનું ટાળ્યું, એ પણ પ્રાર્થના.
ચાલતી વખતે મંકોડા પર પગ ન પડે તેની કાળજી રાખી, એ પણ પ્રાર્થના.
વાંદા મારવાની દવા છાંટવાને બદલે ઘરમાં સ્વચ્છતા જાળવી, એ પણ પ્રાર્થના.
પરનિંદા થતી હોય, ત્યારે તેમાં રસ લીધા વિના મૌન જાળવ્યું, એ પણ પ્રાર્થના.   
- ગુણવંત શાહ 




Tuesday, October 29, 2019

પોસ્ટ 19: સજ્જતા અને સજ્જનતાનો સરવાળો

એ. યુ. સર્વદી. અનવર સર. 
સાચા શિક્ષક અને સારા માણસ.


ધોરાજીની એકવખતની ખ્યાતનામ સ્કુલ એ.ઝેડ. કનેરીયાના અંગ્રેજીના ભુતપુર્વ ટીચર.

આ નવું વર્ષ એમને મળીને શરુ થયાનો આનંદ.

હું જ્યારે ત્યાં હોસ્ટેલમાં રહીને ભણતો ત્યારે રીશેષમાં એમની સાયકલ લઇને મારા મામાના ઘરે જતો. 

બહુ સરસ હાર્મોનીયમ વગાડે, અને મારા જેવા સંગીતપ્રેમીઓને મોટીવેટ કરી પ્રાર્થના સમિતીમાં રાખે.

 નિરાંતે બોલે, સરસ સમજાવે, 
ગુસ્સે થાય તોય અવાજ નીચો જ રાખે. 
રાડો પાડીને બધાની હાજરીમાં વિદ્યાર્થીને ઉતારી પાડવાને બદલે એકલા મળી, સમજાવીને, વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ વધારે. 

વ્યવસ્થિત પહેરવેશ, કોઇપણ જાતનું વ્યસન નહી, 
સમયપાલન અને પરફેક્શનનાં આગ્રહી. 
ખાલી વ્યવસાયે જ નહી, પણ સ્વભાવે શિક્ષક. 


માણસ તરીકેની, શિક્ષક તરીકેની ફરજો સરસ રીતે નીભાવ્યાનો સંતોષ એમનામાં અત્યારે વરતાય. 


સાહેબને મોટા થવાનો જરાય મોહ નહી. કામથી કામમાં માને. 
મારી તારીમાં તો એને જરાય રસ નહી. એમને મન એમના વિદ્યાર્થીઓ જ એમની મહામૂડી. 

કશુંક ખોટું કે ખરાબ થતું હોય ત્યારે બીજાના દુ:ખે દુખી થઇ, બળતરા કરે એવો જીવ. 
મારે શું? અને મારું શું? થી જોજનો દુર. 
ફક્ત જાતીએ નહી, દીલથી ફકીર. સાચા અર્થમાં વિદ્યાર્થીઓના મુજાવીર. 

સુપેડી સોમનાથ મહાદેવની પુજા પછી આ ઓલીયા ઇન્સાનની ચેતનાથી રુબરું થઇ આ નવું વર્ષ શરું કર્યાનો હરખ.