Wednesday, September 16, 2015

પોસ્ટ 8: કયાંક પહોંચવાની ઉતાવળ ન હોવાની શરતે.

(ફૂલછાબ - પંચામૃત - 16, સપ્ટેમ્બર, 2015)

જિંદગીથી દુર જવા નહી પરંતુ જિંદગીથી વધુ નજીક આવવા ફરવા જવું જરુરી છે. અને એટલે જ કયાંક પહોચવાની ઉતાવળ ન હોવાની શરતે ફરવા જઈએ ત્યારે કુદરતના નવા રૂપ અને કલ્ચરના નવા રંગ માણવાની મજા આવે. ફરવા જવાથી જિંદગીને અલગ રીતે જોવાતા થવાય છે, નવીનતા અને નવાઈ ઝીલાય છે, અનુભવ અને આશ્ચર્ય થાય છે, જિંદગીથી વધુ નજીક અવાય છે. ફરતા ફરતા અલગ અલગ જગ્યા, સંસ્કૃતી, રીવાજ, ખાનપાન, રહેણીકહેણી, વ્યવસાય, માન્યતા જોતા જાણતાં 'આવું ય હોય' અને 'આવું તે થોડું હોય' ની લાગણી થતી રહે છે. ત્યાનું કંઈક નવું જીવનમાં લેવું કે ઉતારવું ગમે છે તો ત્યાનું કંઈક નવું આપણાં જીવનમાં નથી એનો આનંદ પણ થાય છે. કંઈક જોઈ-જાણી વસવસો થાય તો કંઈકથી વાહ બોલાઈ જાય. 

sunset from Navgrah Temple
કુદરતના અમાપ અને અફાટ સોંદર્યને નિરાંતે ઉંડા શ્વાસ લઇ છાતીમાં ભરી લેવા લોનાવાલા - ખંડાલા પહોંચી જવાયું. આવનજાવનના કુલ બે હજાર કિલોમીટર ગાડી ચલાવી, લગભગ બે હજાર ફૂટની ઉંચાઈએ કુદરતને મળવા પહોચ્યાં. મુંબઈ અને પુનાથી નજીક આવેલું લોનાવાલા હિલ સ્ટેશન આમ તો ખુબ જાણીતું છે. અને હમણાં હમણાં તો ઇમેજિકા થીમ પાર્ક તેની નજીક હોવાથી લોકો માટે એ નાઈટ હોલ્ટ સ્ટેશન બની ગયું છે. અમને તો કુદરતની કુદરતી થ્રીલીંગ અને થીમમાં વધુ રસ હતો એટલે લોનાવાલામાં જ મુંબઈ-મુલુંડના બિલ્ડર મિત્ર મનોજ પટેલની રોયલ રેસીડન્સીના બંગલામાં ચાર પાંચ દિવસનો મુકામ રાખ્યો. ચારેકોર સહયાદ્રી પર્વતમાળા અને વાદળછાયા વાતાવરણથી શેર લોહી એમ ને એમ ચડે. લોનાવાલાનું નામ જ જેના પરથી પડેલ છે એવી બોદ્ધ સાધુ દ્વારા બંધાયેલી કારલા, ભજા, બેડસા જેવી ગુફાઓ આજુબાજુમાં આવેલી છે. કારલા કેવ્સ ટેકરી પર છે, ત્યાં પહોંચવા ગાડી પોણે સુધી જાય અને પા જેટલું અંતર પગથિયાથી ચડવાનું. આ ગુફાની બાજુમાં જ એકોવરી માતાનું મંદિર છે. જે ઠાકરે પરિવારના કુળદેવી માતા છે. બંને જગ્યા મજાની છે. કેવ્સની કોતરણી, શિલ્પકલા, બાંધકામ અને માતાજીના દર્શન માટે અહી સુધી ચડવું વસુલ છે. ત્યાંથી આખા લોનાવાલાનો બર્ડવ્યુ મળે છે. નીચે ઉતરી પુના તરફ જતા રોડને ક્રોસ કરી સામે જ જે રસ્તો જાય તે ભજા ગુફા થઈને લોહ્ગઢ કિલ્લા સુધી લઇ જાય છે. દશેક કિલોમીટરના કરાર અને વળાંક વાળા ટેકરી પર ચડતા રસ્તા પર ધ્યાન અને કાળજીથી ગાડી ચલાવી રીયલ રાઈડની થ્રિલથી વધી ગયેલા ધબકારા ત્યાં પહોંચીએ ત્યારે ફરતીકોર પથરાયેલી અદ્ભૂત વેલીના નજારાથી ચુકી જ જાય. પાછળથી નીચે ઉતરતી વખતે આવતા નવગ્રહ મંદિર જેવા સરસ પોઈન્ટ પરથી બીજે ક્યાંક પહોચવાની બહુ ઉતાવળ ન કરાય. 
karla cave
લોનાવાલાથી થોડા કિલોમીટરના અંતરે ખપોલી આવે. ત્યાં જતી વખતે વચ્ચે વહેલી સવારે ખંડાલાનું સોંદર્ય માણતા જવું. આ રોડ પર જ એક જગ્યાએ ઉપરથી નેશનલ હાઇવે, એક્સપ્રેસ વે અને ટ્રેઈનનો ટ્રેક ત્રણેય એકસાથે દેખાય તેમજ ટનલમાંથી પસાર થતા રસ્તાઓ પણ વચ્ચે વચ્ચે આવે ત્યારે આટલી ઉંચાઈએ, આવી જગ્યાએ, આટલા સરસ રસ્તા માટે ટ્રાન્સપોર્ટ ટેકનોલોજી અને એન્જીન્યરીંગ માટે ગર્વ થાય. ખપોલીમાં ગગનગીરી આશ્રમ જવા જેવું. રવિવાર સિવાય દરરોજ ટાટા પાવર પ્લાન્ટ પોતાના ટર્બાઇન ફેરવવા છોડતો પાણીનો પ્રવાહ આ આશ્રમમાંથી પસાર કરાય છે. ત્યાંથી એવી રીતે આ પાણીનો પ્રવાહ જોરદાર વહે કે આશ્રમની અંદર બનાવેલા ઘાટ પાસે ગંગા જેવું વાતાવરણ ઉભું થાય. આ વહેણનો અવાજ આશ્રમની આધ્યાત્મિક અનુભૂતિમાં વધારો કરે. ખપોલીમાં જ ટાટા પાવર કૉલોનીમાં રહેતા સંબંધી મીરા-શ્યામની જન્માષ્ટમી નિમિતે મહેમાનગતિ માણી તેમજ લોનાવાલાના ટાટા પાવર હસ્તગત વાલવાન ડેમ અને ગાર્ડન માટે મંજુરી લેવડાવી. લોનાવાલામાં જ આવેલ આ ડેમનું બાંધકામ ઓગણીશો અગિયાર થી સોળ વચ્ચે થયું. આ ડેમની માલિકી ટાટા પાવર કંપની પાસે છે બાજુમાં જ બહેતરીન બોટોનીક્લ ગાર્ડન વિકસાવેલ છે. ખુબ જ મોટા એરિયામાં તરહ તરહના ફૂલછોડ અને અન્ય ઝાડથી શોભતો આ બગીચો જોવો એ એક લ્હાવો છે પરંતુ આ બંનેમાં કંપનીની પરમિશન વગર પ્રવેશ અપાતો નથી.    

way to tunnel
Three in One - No Need to Explain.
લોનાવલાની નજીક આવેલ લાયન પોઈન્ટ લગભગ બધા જ જોવા જાય. પણ ત્યાં બહુ વહેલી સવારે પહોંચાય તો જલસો પડી જાય. ત્યાં ધુમ્મસ અને વાદળાઓથી ઢંકાયેલ ખીણ એક નવું જમીન સમથળ આકાશ રચે છે. જયારે ફોગ ઘટે ત્યારે ઊંડી ખીણના વ્યુ સાથે જ વાહ બોલાય જાય. આશ્ચર્ય તો એ છે કે આ પોઈન્ટ પર દર શનિવારની રાત્રે દોઢ થી પાંચ પુના અને મુંબઈથી કોર્પોરેટ યંગ જનરેશન નાઈટ લાઈફ એન્જોય કરવા એકઠા થાય છે. અમને તો અચાનક જ આ સૌની મ્યુઝીક મસ્તીની મજા જોવાનો લ્હાવો મળી ગયો. કોઈ ગીટાર વગાડે છે તો કોઈ ગાય છે તો કોઈ વળી નાચે છે. ચા કોફી સાથે ત્યાં મળતા કોર્ન પકોડાની લહેજત લીધા વિના ફેરો ફોગટ સમજવો. લોનાવાલા કે ખંડાલાની એકાદ સવારે કાંદા ભજજી તો એકાદ સાંજે પાઉં ઉસળ જરૂર ટેસ્ટ કરવા. ગોલ્ડનના વડાપાઉં અને મનશક્તિના મિસળ વગર પાછું ન અવાય. એકાદ વાર ભરપેટ પંજાબી ખાવું હોય તો સન્ની ધાબા ધ બેસ્ટ. લોનાવાલાની બજારમાં ચીકી અને ચીકન ચારેકોર દેખાશે. ઓરીજીનલ મગનલાલની ચીકી કે ત્યાંની માવાની મીઠાઈ ફજી લેવા શહેરની અંદર આવેલી મગનલાલની મુખ્ય દુકાને જવું. ત્યાંની ફેવરીટ આંબલી પીપર અને જેલી ચોકલેટ જાય ત્યારે જ લઈને આવીએ ત્યાં સુધી ચૂસતાં રહેવાય. ઉતારા માટે નારાયણી ધામ ઉતમ. લોકેશન સરસ અને રહેવાની સાથે જમવાની પણ સગવડ હોવાથી એટલી હડીયાપટ્ટી ઓછી થાય. લોનાવાલા ઘરની ગાડી લઈને જવાનો અનુભવ ભલામણ કરવા જેવો રહ્યો. થોડું હાંકવામાં ધ્યાન અને નિરાંત રાખવી પડે પણ આજુબાજુ જવા આવવા પોતાની કાર હોય તો સમય અને પૈસા બંને બચે.

ચારેકોર હરિયાળી હિલ્સ અને કુદરતી સૌન્દર્યનો આનંદ મળે તો નજીકના ગામડાઓની બદતર સ્થિતિ જોઈ દુખ પણ થાય. વાંકાચુંકા હાઇવે પર નીકળતા બાઈકર્સને જોઈ બાઈકને કિક મારવાની ચાનક ચડે તો ખાવાં માટે વેચાતી જીવતી ચંદનઘો જોઈને ચીડ પણ ચડે. રૂટીનમાંથી બહાર નીકળી આવી જગ્યાએ જતા નવા પ્રદેશ, પ્રજા, પ્રણાલીને જોતા ઘણું શીખવા માણવા જાણવા મળે. તનમનને નવું વાતાવરણ તો જીભને નવો ટેસ્ટ મળે. કુદરતની કરામત અને ટેકનોલોજીની કલાકારી જોવા અનુભવવા મળે. અલગ અંદાજથી જીવાતી જિંદગી જોવા મળે અને આથી જ અવનવા અનુભવના આધારે જાતની જીંદગી પ્રત્યે વધારે પ્રેમ થાય. વિચારજો. 

bikers on the way
price Rs.500



Wednesday, August 26, 2015

પોસ્ટ 7: કાં'ક હોય તો જ કાં'ક આવે


જે એસએલઆર તરીકે ઓળખાય એ મોટો અને લાંબો કેમેરો હાથમાં લેવાનું બહુ બન્યું નહોતું પરંતુ સુરતના દ્રષ્ટિકોણ ગ્રુપથી ફેસબુકના માધ્યમથી પરિચિત હતો. અને એથી જ તેના ફાઉન્ડર મેમ્બર સૌરભ દેસાઈને નામ અને કામ થી જાણતો. તેના પાર્ટનર અને મિત્ર અંકિત માવચીને પણ આ જ રીતે, આ જ કારણે ફક્ત એક મારા પક્ષેથી ઓળખતો. બંને ફોટા પોસ્ટ કરે તે જોવાની મજા પડે. ધીમે ધીમે રસ કેળવાયો. શરૂઆતમાં બંનેમાંથી અંકિતના ફોટા એટલે જોવા વધુ ગમતા કે તે ફોટા સાથે કેપ્શન એટલું સરસ મુકે કે વાહ બોલાય જાય. તેને પોતાના ફોટાને આપેલા ચોટડુક ચબરાકીયાથી તેના ફોટા જોવા બહુ જ ગમે. ફોટા સાથે એકદમ રીલેટેડ અને શબ્દોની જબરદસ્ત પસંદગી. ફોટા વિષે બહુ ટેકનીકલ સમજ નહોતી પરંતુ થોડીઘણી એસ્થેટીક સેન્સને આધારે ફોટા જોવાની મજા આવતી. સૌરભના ફોટા વાઈલ્ડ લાઈફને લગતાં હોય એટલે ધીમે ધીમે કુદરતના અલગ અલગ રંગરૂપ તેમના ફોટા દ્વારા જોવાની શરૂઆત થઇ. અલગ અલગ જગ્યાએ, અલગ અલગ સમયે, અલગ અલગ એંગલથી કુદરતના અવનવા નજારા જોવાની સમજ અને દષ્ટિ ધીરે ધીરે આવવા લાગી. ફેસબુક અને તેમની સાઈટ પર તે બંનેએ મુકેલા પોતાના કામને જિજ્ઞાશાપૂર્વક જોવાની ટેવ પડી. પછી તો બીજા ફોટોગ્રાફરના ફોટા જોવાની પણ શરૂઆત થઇ. સુરતના જ આ દ્રષ્ટિકોણ ગ્રુપ સાથે સંકળાયેલા ડો. ભાવિન પટેલ સાથે પણ કેમેરા અને અન્ય ફોટા વિષયક વાતો થઇ. 

group photo with Saurabh Desai
દ્રષ્ટિકોણ દર રવિવારે સુરતમાં ફોટોવોકનું આયોજન કરે, જેમાં સૌ પોતપોતાના કેમેરા લઇ અલગ અલગ જગ્યાએ ફોટા પાડવા જાય. ફેસબુક પર મન્થલી કોન્ટેસ્ટ રાખે જ્યાં તે ગ્રુપના સૌ પોતપોતાના પાડેલા ફોટા થીમ અનુસાર પોસ્ટ કરે. જોવાની અને જાણવાની મજા આવે. એનાથી પ્રેરાયને રાજકોટમાં પણ થોડા અંગત મિત્રો સાથે મળી રવિવારે ફોટોવોક શરુ કરી. ફોટોગ્રાફીની સાથે સાથે જ્યાં રહીએ છીએ ત્યાંની જ ખુબ જ સરસ પરંતુ હજુ સુધી અજાણી જગ્યાઓ જાણીતી અને માનીતી બની. રાજકોટ આજુબાજુની સરસ કુદરતી અને પ્રકૃતિમય જગ્યાઓ જોવા મળતી થઇ. હવે જ્યાં પ્રકૃતિ હોય ત્યાં પંખી તો હોય જ. કેમેરામાં આ પક્ષીઓને કેદ કરવાનાં રવાડે ચડાયું અને સાથે રહેલા ડો. સુનીલ મોટેરીયા જેવા સુપર્બ બર્ડ વોચર પાસેથી પહેલીવાર પક્ષીને જોતા, જાણતા, સમજતા, ઓળખતા આવડ્યું તેમજ પક્ષીને નિરાંતે નિહાળી તેની અદા, કલર, ટેવ, અવાજ અને સુંદરતાને માણવાનું ચાલું થયું. કુદરતને ખુબ જ નજીકથી જોવાનું, જાણવાનું, માણવાનું શરુ થયું. આમ વહેલી સવારે ઇશ્વરિયા પાર્ક જવાનું થયું અને ત્યાં મિત્રો અતુલ કાલરીયા, મનોજ ફીણાવાને ગોલ્ફ રમતા જોયા અને વળી પાછું કંઈક નવીન એટલે કે ગોલ્ફની સમજ મળી અને ગોલ્ફ સ્ટીક પર હાથ અજમાવવાનું શરુ કર્યું. કેમેરામાં ફોટા પડે કે ના પડે પણ દિલોદિમાગમાં આ કુદરતના રંગરૂપ કેપ્ચર થવા લાગ્યાં. પ્રકૃતિના સોંદર્યની સમજ આવી, ફરી ફરી તેને માણવાની ભૂખ જાગી. ત્યાં જ રાજકોટમાં સૌરભ દેસાઈનો એક દિવસનો ફોટોગ્રાફી વર્કશોપ ગોઠવાયો. જેને હજુ સુધી તેના ફોટાઓથી જ જાણતો હતો તેને રૂબરૂ મળવાનું, સાંભળવાનું થશે તેનો ઉત્સાહ સમાતો નહોતો. આખો દિવસ તેના ફોટાઓ, ફોટો ટુર, થયેલા અનુભવો, ટેકનીકલ માહિતી અને ફિલ્ડ પર તેમનું માર્ગદર્શન યાદગાર રહ્યાં. પેશન અને સ્કીલનું જોરદાર કોમ્બીનેશન તેમના વ્યક્તિત્વમાં અનુભવાયું. તે વર્કશોપમાં તેમને પાડેલા ગીરનાં સિંહના ફોટા જોયા અને ગીરના તેમના અનુભવો સાંભળ્યા. સાથે રહેલા બીજા મિત્રોએ પણ ગીરના સરસ અનુભવો પર્સનલી શેર કર્યા. વનરાજના અનોખા અંદાજની વાતો થઇ. નેચર લવર અને વર્કશોપના આયોજક ધૈવત હાથી પાસેથી ગીરની ઘણી અજાણી વાતો જાણવા મળી અને ગીર જવાનું મનોમન નક્કી થયું. વાંચનના શોખથી ધ્રુવ ભટ્ટનું નામ અજાણ્યું નહોતું ત્યારે ધૈવતે ધ્રુવ ભટ્ટની ગીર પર લખાયેલી અકુપાર નોવેલ વાંચી જવા ભલામણ કરી. ઉપરોક્ત બનેલા બનાવોથી બનેલા પિંડમાં અકુપારે જીવ પુરવાનું કામ કર્યું. 

with Dhruv Bhatt 
વાંચીને જે કલ્પના બની તેને હકીકતમાં ફેરવવા મિત્ર પ્રયાગ પટેલ સાથે ગીર ગયા. પહેલી વાર ખુલી જીપમાં બેસી સાચુકલાં જંગલમાં ફર્યા. અત્યાર સુધી ઝૂના પાંજરામાં કે ટીવીના પડદે જોયેલા ઘણા જીવોને સગી આંખે મુક્તપણે પોતાના અંદાજથી વિહરતા જોયા. આખા'ય શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ, અફલાતુન અનુભવ થયો. આ અનુભવ બાદ ફરીથી અકુપારને ઘૂંટડે ઘૂંટડે પીધી. કુદરત હજુ વધારે મહેરબાન થવાની બાકી હતી અને એટલે જ એમની મહેરબાની રૂપે રાજકોટમાં અદિતિ દેસાઈએ દિગ્દર્શન કરેલું અકુપાર પર તૈયાર થયેલું નાટક અકુપાર જોવા જવાનું થયું. ઓવારી જવાયું અને બોલી જવાયું ખમ્માં ગઈરને. નસીબની બલિહારી એવી કે તે જ શો માં અકુપારના લેખક ધ્રુવ ભટ્ટ મળ્યાં, વાતો થઇ. અકુપારની સાંસાઈનું બહેતરીન પાત્ર ભજવનાર જાણીતી આરજે દેવકી અને નાયકનું પાત્ર ભજવનાર પ્રસિદ્ધ અભિનય બેન્કરને પણ મળવાનું થયું અને તે બંનેથી પરિચિત થવાયું. અને પછી તો અભિનયના અભિનય વાળું વેલકમ જીંદગી નાટક જોઈ સૌમ્ય જોશીનો પણ પરિચય થયો. અકુપારના પગલે ધ્રુવ ભટ્ટના બીજા પુસ્તકો વાંચ્યા. પ્રકૃતિનું સૌન્દર્ય ધ્રુવદાદાની કલમે જોરદાર ખીલે છે અને દાદાના શબ્દો અને શૈલી કુદરતનો અલૌકિક અને આધ્યાત્મિક અનુભવ કરાવે છે. આપણી અને પ્રકૃતિ વચ્ચે કંઈક કનેક્શન છે તેવું તેને વાંચતા અનુભવાય છે. 

with Devaki
with Abhinay


















તો થોડા સમય પહેલા જ પાછો એક ફોટોગ્રાફી વર્કશોપ અટેન્ડ કરવાનું થયું જેમાં સુરતના જ બહેતરીન કપલ નેહા અને ચિતરંજન દેસાઈના ફોટોગ્રાફીના અનુભવ, આવડત જાણતી વખતે આ કપલના દેશ પરદેશ ફરવાના શોખથી ઈમ્પ્રેસ થઇ જવાયું. જાત જાતની જગ્યાઓને એક્સ્પ્લોર કરી ફોટોગ્રાફી કરનાર આ કપલની લવલી લાઈફની ઈર્ષા થઇ આવી. રાતના ત્રણ વાગ્યે રાજકોટની ભાગોળે ખીરસરાની વીડીએ લઇ જઈ ચિતરંજન દેસાઈએ નાઈટ સ્કાય ફોટોગ્રાફી વિષે લાઇવ ડેમો કરાવ્યો. ફરીથી કુદરતનું એક બીજું પરિમાણ સામે આવ્યું. અમાસના કાળા ડીબાંગ આકાશમાં નાચતા તારાઓ અને પહેલીવાર નરી આંખે મિલ્કી વે જોઈ જલસો પડી ગયો. આપણી આજુબાજુ જ આવું કેટલુંય છે પણ આપણે તેના તરફ એક નજર પણ નાખી હોતી નથી એવી ગિલ્ટી પણ ફિલ થઇ.

with Neha & Chitranjan Desai
હાલમાં પગમાં ફેકચર થયું હોવાથી થતાં ધરાર આરામ વખતે મુકેશ મોદીનું ધ્રુવ ભટ્ટની કથાઓનું રસદર્શન કરાવતું પુસ્તક યાત્રા ભીતરની વાંચતી વખતે આ લેખની શરૂઆતથી બનેલા એક પછી એક બનાવોના ટપકાઓને જોડતા જોડતા એક અનેરા અનુભવનો આકાર બની ગયો. કશુંક થવા કે સમજાવવા જ કશુંક થાય. ક્યાંક લઇ જવા ક્યાંકથી શરૂઆત થાય. એક પછી એક ઘટતી ઘટનાઓના અનુસંધાન જોડતા જાય. કેટકેટલા વિષયો, વ્યક્તિઓ, જગ્યાઓ, બાબતોના મુકામથી સફર મજેદાર બનતી જાય. જીંદગીમાં સમયે સમયે થતા અનુભવો કે મળતા માણસો એક યા બીજી રીતે કોઈક બીજા અનુભવ કે માણસ સુધી પહોચાડવાની કડી સાબિત થતી હોય છે. કંઈક સુધી લઇ જવા કોઈક મળતું હોય કે કંઈક થતું હોય એવું લાગે છે. દરેક ઘટના, વ્યક્તિ કે અનુભવ કોઈક બીજી નવી ઘટના, વ્યક્તિ કે અનુભવ તરફ આંગળી ચીંધે છે કે દોરી જાય છે. અને આમ ને આમ ટપકાંઓ જોડાતાં રહી અનોખા, અવનવા અને અફલાતુન આકારો બને છે. અકુપારનું જ વિક્રમ ભરથરીના મુખે મુકાયેલ એક વાક્ય અહી બંધબેસતું લાગે; કાં'ક હોય તો જ કાં'ક આવે. વિચારજો.                        





Wednesday, July 29, 2015

પોસ્ટ 6: અલગ છે પણ ગલત નથી

(ફૂલછાબ - પંચામૃત - 27 મે, 2015)

આ દુનિયામાં સૌ કોઈ પોતપોતાની રીતે અલગ છે, યુનિક છે. એકને કંઈક ગમે છે તો બીજાને બીજું. એકનો શોખ, રસ, માન્યતા, અગ્રતા અને લાયકાત કે કેપેસીટી બીજાથી અલગ જ હોવાના. હું જે માનું છું તેવું કદાચ બીજો માનતો ન પણ હોય. બધા જ પોતપોતાની સમજણ મુજબ વિચારે છે અને કદાચ પોતપોતાની રીતે બધા જ સાચા છે. ઘણા બીજામાંથી શીખે છે તો ઘણા બીજાને વખોડે છે. ઘણા જાતે વિચારે છે તો ઘણા બીજાના વિચારને અનુસરે છે. ઘણા પોતાને જ સાચા માને છે તો ઘણા બીજાને જ સાચાં માને છે અને ઘણા બીજાને પણ સાચાં માને છે. કોઈ સાદગીમાં માને તો કોઈ લકઝરીમાં. કોઈને દેખાડવું ગમે તો કોઈને સંતાડવું. ઘણા ન હોય તોય બતાવે અને ઘણા હોય તોય ન બતાવે. કોઈ ફલેટમાં રહે તો કોઈ ટેનામેન્ટમાં. કોઈ બ્રાન્ડેડ પહેરે તો કોઈ ગુજરીના. કોઈને વધારે ખર્ચો કરીને આનંદ આવે તો કોઈને ઓછામાં ઓછો ખર્ચો કરે તો આનંદ આવે. કોઈને નોકરી ગમે, કોઈને ધંધો. કોઈ રિસ્ક લે તો કોઈ સેફટીનું વિચારે. અહી સૌ અલગ છે પણ ગલત નથી. કોઈ એક બીજા જેવું નથી. તો પછી બીજા જેવું થવાનો કે બીજા આપણા જેવા થાય એવો આગ્રહ રાખવાનો હોય જ નહિ. 

સૌ કોઈ પોતપોતાની જીંદગી પોતાની વિચારસરણી અને સમજણ મુજબ જીવે છે અને તેનું સારું કે નરસું પરિણામ પણ પોતે જ ભોગવે છે. હું હું છું. તે તે છે. બંનેને પોતપોતાના સંજોગો, સમય, પરિસ્થિતિ, પસંદગી, ગમો-અણગમો, બજેટ, આયોજન, અગ્રતા હોય છે. હું જેવો છું તેવા સૌ થાય કે સૌ છે તેવા મારા થવું એ જરૂરી નથી અને શક્ય પણ નથી. કોઈ પરફેક્ટ નથી. સૌ કોઈ પોતપોતાની તાકાત અને મર્યાદા સાથે જીવે છે. એક આમાં માહિર તો બીજો બીજામાં. તકલીફ એ છે કે આપણે બીજા જેવું જીવવાની કોશિશમાં આપણા જેવું જીવવાનું ભૂલી જઈએ છીએ. બીજાનું ઉછીનું જીવવા કરતા આપણે આપણા જેવું જીવાય. 

મજા, આનંદ, ખુશી, સુખની વ્યાખ્યા સૌ કોઈની જુદી જુદી હોય. કોઈકને ફરવામાં મજા આવે તો કોઈકને આરામ કરવામાં. એકને મુવી જોવામાં આનંદ આવે તો બીજાને મેચમાં. કોઈની ખુશી બહુ કામ કરવામાં છે તો કોઈકને નવરાં રહેવામાં. કોઈક ઓછામાં પણ ખુબ ખુશ હોય તો કોઈક ઘણામાં પણ ના હોય. સૌ પોતપોતાની જરૂરિયાત મુજબ જીવન જીવે છે ત્યારે એને આમ ન કરવું જોઈએ કે એને આમ જ કરવું જોઈએ એવું માનવું ખોટું છે. આપણને ગમે છે તે બીજાને ન પણ ગમે અને બીજાને ગમે છે તે આપણે ગમાડવું જરૂરી પણ નથી. જરૂરી છે એકબીજાની જિંદગીને માન આપવાની. એકબીજાની પસંદગી કે પ્રાયોરીટીને રીસ્પેક્ટ આપવાની. એ એની જીંદગી છે જેના પર એનો હક છે. એ જીવે છે, જીતે છે, હારે છે, સમજે છે, સહન કરે છે, આનંદ કરે છે, ભોગવે છે, વાપરે છે, બચાવે છે, કોઈએ બીજા કહે કે કરે તેમ કરવું જરાય જરૂરી નથી. હા, બીજા પાસેથી માર્ગદર્શન લેવાય, સલાહ લેવાય, બીજાની ભૂલમાંથી શીખાય, બીજાની સારી વાત સ્વીકારાય પરંતુ જાત માટે નિર્ણય લેતી વખતે આપણને સારું અને સાચું લાગે તે જ કરાય અને ખાસ, બીજાને જેવું અને જે ગમતું હોય તે કરવા દેવાય.      

ઘણાને પોતાની કરતાં બીજાની જીંદગીમાં વધુ રસ હોય છે. આપણે શું કરવું કે કરીએ છીએ એના બદલે બીજા શું કરે છે કે બીજાને શું કરવું જોઈએ એવી બાબતોમાં જ આપણે સૌ રચ્યાંપચ્યાં રહેતા હોઈએ છીએ. બીજાને સળી કરાય નહિ અને બીજાની સળીથી ગરમ થવાય નહિ. ઘણાંને પોતાની વાત મનાવવાનો બહુ શોખ હોય. બીજાની વાત સંભળાય, યોગ્ય ન લાગે તો દલીલ ન કરાય, સારું લાગે તે લેવાય અને તેમનો આભાર માની અમલ તો આપણી રીતે અને આપણને ગમે તેમ જ કરાય. જરૂર જણાય ત્યારે યોગ્યને પુછાય કે કોઈ પૂછે ત્યારે કહેવાય, પણ કીધું છે તે માને જ તેવી અરસપરસ અપેક્ષા કે આગ્રહ ન રખાય. ચંચુપાત કે પંચાતમાં સમય - શક્તિ ના બગાડાય. બીજાની ઈર્ષા કે અદેખાઈ ને બદલે ખુદની ઈચ્છા અને આનંદને પ્રાધાન્ય અપાય. સૌને પોતપોતાની આ સરસ મજાની જીંદગી પોતપોતાની રીતે જીવવાનો હક છે અને એમાં જ મજા છે. વિચારજો.   

Friday, February 20, 2015

પોસ્ટ 5: આઈ લવ મી

(ફૂલછાબ - પંચામૃત - 21 જાન્યુઆરી, 2015)

મોટેભાગે આપણે બીજાને ચાહવામાં કે બીજા આપણને ચાહે તે માટેના પ્રયત્નોમાં રચ્યાપચ્યા રહેતા હોઈએ છીએ. બીજાને ખોટું ન લાગે કે આપણાથી એને ખરાબ ન લાગે માટે ઘણીવાર આપણે એમને અનુકુળ થવા અધીરા બનીએ છીએ. આપણી ઈચ્છા કે મજા યોગ્ય હોવા છતાં બીજાને એ ગમતી નથી એટલે આપણે એ ટાળીએ છીએ. પરિવારજનો, મિત્રો, સગા-સંબધીઓ કે સમાજ વગેરેના ગમા - અણગમા વિષે બહુ બધું વિચારતી વખતે આપણે ખુદના ગમા - અણગમા પ્રત્યે આંખ આડા કાન કરીએ છીએ. આપણા માટે ખુબજ મહત્વની કે વ્હાલી વ્યક્તિ તેને જે ગમતું હોય તેવું તે કરે એમાં આપણો વાંધો ન હોવો જરૂરી છે પરંતુ આપણે કૈક ગમતું કરીએ ત્યારે દરવખતે તે વ્હાલી વ્યક્તિના વલણ કે વાતને વિચારવી  જરૂરી ન પણ હોઈ શકે. અલગ અલગ વ્યક્તિના કોઈપણ એક બાબત પ્રત્યેના વ્યુપોઈન્ટ અલગ અલગ હોઈ શકે એવું આપણે સૌ સ્વીકારીએ છીએ ત્યારે કદાચ આપણને  જે ગમે છે તે રીતે વર્તવામાં કે જીવવામાં બીજાની બહુ બધી સ્વીકૃતિની જરૂર જણાતી નથી. છતાં આપણે એમને પ્રેમ કરીએ છીએ એટલે અથવા તો આપણને એ પ્રેમ કરે છે એટલે આપણે એમની સાથે અનુકુળ થવા આપણી જાતને પ્રેમ કરવાનું માંડી વાળીએ છીએ. 

હદ તો ત્યારે થાય જયારે આ જે હું કરીશ તે તેને નહિ ગમે એવું આપણે ફક્ત શંકા કે અંગત માન્યતાથી માની લઈએ છીએ એટલે કે બીજાને તમારા એ વર્તન કે પવૃત્તિથી કોઈ વાંધો કે વિરોધ જ ન હોય છતાં કેવું લાગશે, શું કહેશે, ખરાબ કે દુઃખ લાગશે વગેરે બાબતોમાં આપણે અટવાતા હોઈએ. ધીમે ધીમે આવા આપણી જાત સાથે કરેલા સમાધાનો નિરાશા કે દુઃખ આપતા હોય છે. કદાચ આવું કરતા કરતા આપણે પણ બીજા પાસેથી આપણી વાત કે વર્તન સાથે અનુકુળ થવાની અપેક્ષા રાખતા થઇ જશું અને આપણે એમને અનુકુળ થઈએ છીએ એવું જતાવવાનું કે જણાવવાનું શરુ કરીશું. બસ જેમ આપણે મનગમતું ન કરી શકવાથી થાક્શું એમ જ એ આપણી આવી અપેક્ષા કે ટોણાથી કંટાળશે અને થાકશે. આના કરતા તો બીજા વિષે બહુ બધું ન વિચારીને આપણને મનગમતું - યોગ્ય લાગતું કરીએ. અહી એકબીજાને સાથ સહકાર ન આપવાની કે જરૂર જણાય ત્યારે યોગ્ય રીતે એકબીજાને અનુકુળ ન થવાની જરાય વાત નથી, મુદ્દો એ છે કે મને ગમતું બીજાને કદાચ ગમશે નહિ એવું માનીને એ ન કરવું જરૂરી નથી.

આપણને મળેલી આ એક જીંદગીમાં આપણે આપણી સમજ, જ્ઞાન, શોખ, પ્રાયોરીટી, પરિસ્થિતિ અને સંજોગ મુજબ ગમતી મજા અને યોગ્ય આનંદ કરતા હોઈએ ત્યારે દરવખતે બીજાના વખાણ કે સ્વીકારની ચિંતા છોડી; કેવું લાગશે ને બદલે ખુદને કેવું લાગે છે તેના પર ધ્યાન આપવું વધારે જરૂરી લાગે છે. આઈ લવ યુ કહેવામાં અને સાંભળવામાં આપડે એટલા બીઝી થઇ ગયા છીએ કે ખુદને હળવેકથી કયારેક આઈ લવ મી કહેવાનું ચુકી જઈએ છીએ. જાતે કરેલી મહેનત કે સંઘર્ષ અને દિલો-દિમાગથી લીધેલા નિર્ણયો બાદ મળેલી સફળતા કે સિદ્ધિ જેટલી અને જેવી હોય તો’ય આપણી છે. આ માટે જાતે પીઠને થપથપાવવી જોઈએ. બીજા આપણી સિદ્ધિ કે સારી બાબતો માટે પ્રાઉડ કરે કે ના કરે આપણે ખુદે તો તેનું પ્રાઉડ લેવું જ જોઈએ. કદાચ ક્યારેક માનવસહજ સ્વભાવથી ભૂલ પણ થાય તો તેને સમજી-સુધારી તેનું ગિલ્ટ ફિલ ન કરી, જરુરુ જણાય ત્યારે માફી માગી લઇ, જાતને કોશવા કે સજા કરવાને બદલે ભૂલમાંથી શીખી, ફરી ઉભા થઇ નવી શરૂઆત કરી જાતને સુધરવા - બદલવા - વિકસવા જાતે પ્રોત્સાહન આપવું પડે. બીકથી બધું છોડી દેવાને બદલે જાતને ‘હશે હાલ હવે ધ્યાન રાખીશું’ કહી મોટીવેટ કરવી પડે. સફળતાના માપદંડ સૌ માટે સરખા ન હોય. વ્યસન ન હોવું, પુરતી મહેનત કરવી, કોઈનું ખરાબ ન વિચારવું, નીતિથી રહેવું, ખોટા ખર્ચા ન કરવા વગેરે સામાન્ય લાગતી ઘણી યોગ્ય બાબતોને આધારે પણ જાતને શાબાશી આપવાની ટેવ પાડવી જરૂરી છે. આપડે જે કરીએ છીએ કે કરવું છે તે સાચું અને સારું હોય તેમજ તેનાથી આત્મસંતોષ હોય તો જાતને અન્ડર એસ્ટીમેટ કરવાનું છોડી જે પણ સારું કરીએ છીએ તે માટે ખુશ થઇ, ગર્વ લઇ આત્મવિશ્વાશમાં વધારો કરતા રહેવું જોઈએ. નાનું કે ઓછું તોય સારું અને મારું ની ભાવના સાથે અન્યોની સરખામણી કે સ્વીકૃતિ ને બદલે સંતોષ અને સુખને આધારે જાત સાથે પ્રેમમાં પડવાનો આનંદ અનેરો હોય છે. વિચારજો.