નવરા નવરા ઘરે રહીને શું કરવું,
એવો સવાલ થાય એનું જ મને તો આશ્ચર્ય છે.
- આ સમય છે તકલીફને તકમાં ફેરવવાનો.
એવું કેટલુંય હશે જે કેટલાય વખતથી કરવાનું મન હશે પણ થયું નહીં હોય;
એવું કેટલુંય છે જે કરવા માટેનો ટાઈમ મળતો નહીં હોય.
- આ સમય છે એ બધું કરવાનો.
'તમારા ભાઈ તો કોઈ'દી ઘરે ટકે જ નહીં.'
'સાલું, ફેમિલી સાથે રહેવાનો ટાઈમ જ ક્યાં મળે છે.'
'બસ હવે તો થાકી ગયાં, આ કામકાજ ઓછું કરી નિરાંતે જીવવું છે.'
- આ સમય છે આ બધી વાતોનું સાટુ વાળવાનો.
- આ સમય છે ઘરે રહી,
વાંચવાનો, જોવાનો, સાંભળવાનો, રમવાનો, શીખવાનો, સજાવવાનો, રાંધવાનો,
સાફ કરવાનો, ગોઠવવાનો, સમારકામ કરવાનો, વાતો કરવાનો,
કશું'ક નવું કરવાનો;
અરે, સવારે મોડે સુધી સુવાનો, રાત્રે મોડે સુધી જાગવાનો,
મૂગું બેસવાનો, પડ્યા રહેવાનો, કાંઈ ન કરવાનો કે સાવ નવરા રહેવાનો.
- આ સમય છે જાત સાથે વાત કરવાનો,
ક્યાં ભૂલ થઇ એ વિચારવાનો
ભૂતકાળને વાગોળવાનો અને
ભવિષ્ય માટે કશો'ક સંકલ્પ કરવાનો.
- આ સમય છે,થોડા દિવસ હડિયાપટ્ટી બંધ કરી, ઘરમાં ટકવાનો.
- આ સમય છે, થોડું એકલા રહી, જાજું સાથે રહેવાનો.
- આ સમય છે, સજાગતાનો.
- આ સમય છે, સમજવાનો.
- આ સમય છે, આ સમયને સાચવવાનો.
No comments:
Post a Comment