(ફૂલછાબ - પંચામૃત - 14 જાન્યુઆરી - 2015)
સ્કુલ છૂટવાના સમયે, કોરીડોરમાં મમ્મીએ દીકરાને કહ્યું; આજે તારા માટે સરપ્રાઈઝ છે, તારા પપ્પા તને લેવા આવ્યા છે! આ ઘટના આંખ સામે બની ત્યારે રીઅલી સરપ્રાઈઝ થઇ જવાયું! ખુદનો બાપ સ્કુલે તેડવા કે મુકવા આવે તે સરપ્રાઈઝ?! એનો મતલબ એવો કે રૂટીનમાં સ્કુલે મુકવા-તેડવા પપ્પા આવે જ નહિ! અને આવે તો મહેમાન કે સેલીબ્રીટી આવ્યા હોય તેમ હરખ કરવાનો!
સ્કુલ છૂટવાના સમયે, કોરીડોરમાં મમ્મીએ દીકરાને કહ્યું; આજે તારા માટે સરપ્રાઈઝ છે, તારા પપ્પા તને લેવા આવ્યા છે! આ ઘટના આંખ સામે બની ત્યારે રીઅલી સરપ્રાઈઝ થઇ જવાયું! ખુદનો બાપ સ્કુલે તેડવા કે મુકવા આવે તે સરપ્રાઈઝ?! એનો મતલબ એવો કે રૂટીનમાં સ્કુલે મુકવા-તેડવા પપ્પા આવે જ નહિ! અને આવે તો મહેમાન કે સેલીબ્રીટી આવ્યા હોય તેમ હરખ કરવાનો!
સવારથી રાત સુધી પપ્પા કે ડેડીને તેના
બીઝી બીઝી શેડ્યુલમાંથી સંતાન-પત્ની કે પરિવાર માટે પ્રાયોરીટી રાખવાની હોતી જ નથી
એવું પપ્પા પહેલા અને પછી ધીમે ધીમે આખો’ય પરિવાર માનતો થઈ જાય છે! પપ્પા પૈસા
કમાય છે એટલે ઘર અને બાકી બધું ચાલે છે એવું માનીને સૌ કોઈ એમને પૈસા કમાવાની
પ્રવૃત્તિ માટે બધી સાનુકુળતા ઉપલબ્ધ કરી દે છે. એક વ્યક્તિની આવી એકાદ પ્રવૃત્તિ
માટે આખો’ય પરિવાર સવાર થી સાંજ તેમને અનુકુળ થવા જાત જાત ના સમાધાનો કરે છે.
ડેડીને જયારે રજા હોય ત્યારે, ડેડીનો મૂડ હોય તો, ડેડી થાક્યા ના હોય તો ઘણીખરી
મજા-પીકનીક-ડીનર-શોપિંગ-મુવી કે વાતચીત જેવી પ્રવૃત્તિઓ થાય એવો વણલખ્યો નિયમ બની
ગયો હોય છે! અને વળી પાછું પપ્પાને જે દિવસે, જે સમયે અનુકુળતા હોય- ઈચ્છા હોય
ત્યારે બાકી બધાએ એમાં મૂંગામોઢે, મને-કમને ‘રેડી’ થઇ જવું પણ સામાન્ય છે. આવો સરસ
‘પ્રિવિલેજ’ મળ્યા બાદ પણ પપ્પા-ડેડી એમની નોકરી-બીઝનેશ જેવી પ્રવૃતિઓમાં નિષ્ફળ
જાય તો તેમને સહારો-સહાનુભૂતિ-મદદ કે ટેકો આપવા આખો’ય પરિવાર ખડેપગે હોય અને સફળતા
મળે તો ડેડી એને પોતાની આવડત-મહેનત ગણે અને પરિવાર પર ઉપકાર કર્યાનો ભાવ ચહેરા પર
લાવ્યા વગર દેખાડ્યા કરે!
વાતો કરવા, વખાણ સાંભળવા, ફરવા જવા,
પોતાની ઈચ્છા-સપના-આશા કોઈકને કહેવા, પોતે ભોગવેલ દુઃખ સંભળાવવા કે પોતે મેળવેલ
પ્રશંસા-સિધ્ધિઓ વિશે કહેવા સૌ કોઈને સામે ‘કોઈક’ ની જરૂર પડે છે. પરિવારમાં
ડેડી-પપ્પા આ ‘કોઈક’નો રોલ ભજવવાનું ભૂલી જાય છે. અને પછી પત્ની કે સંતાનો પોતાની
જરૂરિયાત મુજબની ‘કંપની’ શોધી લે છે. ધીમે ધીમે પરિવારમાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનો
સંબંધ ફક્ત ‘પોઝીશન’ બની જાય છે. આત્મીયતા-સંવાદિતા-લાગણી-ભાવના વગેરે ઘટતી જાય
છે. પોતે બધું ઈચ્છે છે પરંતુ બીજા પણ તેમની પાસે કશુંક ઈચ્છે છે એ વાત એમના
ધ્યાને આવતી નથી અથવા લેવાતી નથી.
ધંધાના સમયમાં ફેરફાર કરીને કે નોકરીમાં
અનુકુળતા કરીને પણ પરિવાર સાથે વધુમાં વધુ સમય ગાળવો જોઈએ. તેમની સાથે રહેવું
જોઈએ, રમવું જોઈએ, ફરવું જોઈએ. અરસપરસ સમય ન આપી શકવાને કારણે ખાલીપો સર્જાય છે.
એકબીજાથી આત્મીય ન થઇ શકવાને કારણે લાગણીના સંબધો જળવાતા નથી, પરિવારજનો વચ્ચે
માન-પાન ના સંબધો સાચવી શકાતા નથી, એકબીજાનું કોઈ માનતા નથી, માન રાખતા નથી. કદાચ
સમાજમાં થતા લગ્નેતર સંબધો કે દીકરા-દીકરીની ‘ભાગવા’ની ઘટનાઓ પણ આ જ બાબતનું
અનુસંધાન હશે. શેરીંગ-કેરીંગ અને અંડરસ્ટેન્ડીંગની જરૂરિયાત પૂરી કરવા કે
આનંદ-ઉજવણી માટે અન્યનો સહારો લેવો પડતો હોય છે. અને એટલે જ આજના સમયમાં યંગ
જનરેશન પરિવાર કરતા મિત્રો સાથે વધુ દેખાય છે-જાય છે. એમાં કશું ખોટું પણ નથી પરંતુ
પરિવારજનો સાથે મળીને આનંદ કરે, એકબીજાની સિદ્ધિઓનું સેલીબ્રેશન રાખે, વર્ષગાંઠ કે
જન્મદિવસની ઉજવણી કરે, સાથે હરવા-ફરવા જાય એ પણ એટલું જ જરૂરી છે.જેનાથી સૌ કોઈ
એકબીજાથી નજીક રહેશે. દુઃખ, ભૂલ કે સમસ્યા વખતે એકબીજા એકબીજાને કહી શકશે, જાણી
શકશે, સહન કરી શકશે અને તેનો ઉકેલ સૌ સાથે રહી કાઢી શકશે.
આ બાબતે અપવાદનો કાફલો હશે જ. ઘણાબધા
પોતાના પત્ની અને સંતાન સાથે ‘ક્વોલીટી’ કે ‘ક્વોન્ટીટી’ ટાઈમ આપતા હશે અથવા આ
બાબતને વિચારી-સમજી-અનુભવી અમલ કરવાની ઈચ્છા પણ ઘણાને હશે તેમજ અમલ કરવાનો પ્રયત્ન
પણ કરેલો હશે. પરંતુ મજબુરી કે મુશ્કેલીને કારણે ઘણા થી કદાચ એ શક્ય નહિ બનતું
હોય. સંજોગો-પરિસ્થિતિ કે સમયને કારણે પરિવારને પ્રાયોરીટી આપવાની કદાચ રહી જતી
હશે. પરંતુ વીક-એન્ડથી ધીમે ધીમે શરુ કરી એ રૂટીન થઈ જાય એવો પ્રયત્ન કરી શકાય.
ટુંકમાં, જેમના માટે બધી જ પ્રવૃતિઓ કરો
છો તે પ્રવૃતિઓમાં એટલા બધા તો ન ખુંપી જાવ કે જેમના માટે આ બધું કરો છો એ જ ભુલાય
જાય, અવગણાય જાય. ફેમિલીને સુખી કરવા, સગવડતા આપવા નોકરી-ધંધો કરવા જ પડે પરંતુ
એટલે અંશે નહિ કે તેઓ દુખી થઇ જાય. પરિવાર માટે બાકીની પ્રવૃતિઓ બંધ નથી કરવી
પરંતુ પ્રવૃતિઓ અને પરિવાર વચ્ચે સમતુલા જાળવવી જરૂરી લાગે છે, પરિવારને પણ
સમય-મહત્વ આપવું જોઈએ કારણ પત્ની-સંતાનને ન અપાતા સમયથી થતું નુકશાન ધંધા-નોકરીમાં
ઓછા અપાતા સમયથી થતા નુકશાન કરતા ‘મોટું’ અને ‘લાંબુ’ હશે. વિચારજો.