ભણાવવા કરતાં
‘કેળવવા’ શબ્દ વધારે સારો છે...
સાત વર્ષ સુધી
ભણવાનું કેવું? ત્યાં સુધી તો કેવળ કેળવણી જ ચાલે. કેળવણી એટલે બાળકમાં રહેલી સારી
શક્તિને ઉમરના પ્રમાણમાં પ્રગટ થવા દેવાની અનુકુળતા આપવી તે. પછી એ ઊગશે તો આપમેળે
જ...
નાનાં બાળકો
ઇન્દ્રિયો દ્વારા શીખે છે, ભાષાજ્ઞાન દ્વારા નહિ. બાળકને સિમ્બોલ – સંજ્ઞા ન ચાલે.
તેને તો પ્રત્યક્ષ મૂળ ચીજ જ જોઈએ, આ જગત જેના થકી બન્યું છે તે રસ, રૂપ, ગંધ,
રંગ, વર્ણ વગેરેને એ પોતાની સગી ઇન્દ્રિયોથી સમજવા માંગે છે, અનુભવવા માગે છે...
બાળકને બાળપણમાં
અનુભવવા દો. બાળક અનુભવથી જ શીખવા માગે છે...
અનુભવે એને ભાન થશે
કે જગતમાં સજીવ-નિર્જીવ બે વસ્તુ છે. ઝાડને પાણી પાવું પડે છે. દેડકા, કીડીને પણ
સુખદુખનો અનુભવ થાય છે. હું અને આ કુતરું બંને સગાં છીએ, બંનેના સુખદુખ સમાન છે.
આવી સંવેદના બાળકમાં જાગશે તો જગતમાં શાંતિ થશે...
બાળપણની ઉમર તે
મહત્વની ઉમર છે. તે વખતે જે છાપ પડી તે અમિટ છે...
બાળક પોતે જાતે
અનુભવીને તે વિષયને સમજે જ છે, સાથોસાથ એનો પોતાનો આત્મવિશ્વાસ પણ વધારે છે. આ
તેનું અનુભવસિદ્ધ જ્ઞાન હોય છે, ઉધાર જ્ઞાન નથી હોતું, તેથી તે ડગતો નથી...
બાળકમાં શક્તિનો
ખજાનો પડ્યો છે. એને સતત પ્રવૃતિ જોઈએ...
જીવન પ્રત્યે એક
પ્રકારનો આદર – જીવમાત્ર પ્રત્યે એક પ્રકારનો આદર હોવો જોઈએ. તે આદર
સમસંવેદનશીલતામાંથી આવે છે અને એ ગુણ મા આપે છે, બાપ આપે છે, મિત્રો આપે છે, ઢોર
આપે છે, જેની સાથે રમ્યા હોય તે આપે છે...
આ સમસંવેદનશીલતા તમે કદી ઈંટ-ચૂનાનાં મકાનમાં નહિ
શીખવી શકો...
છોકરાને છોકરાની
રીતે જીવવા દો. એ થોડું મોડું ભણશે તો એ વહેલું ભણશે ! એનું કારણ એ છે કે અનુભવ
લઈને આવે છે એટલે વાત જલદી સમજાઈ જાય છે...
આક્રમક વૃતિ કાંઈ
બાળકોમાં પહેલેથી નથી હોતી, જિજીવિષા
સંરક્ષણની ઈચ્છા તેને હોય છે, પણ આક્મણની વૃતિ તો કુશિક્ષણનું જ પરિણામ છે, ને
યોગ્ય શિક્ષણ તેને રોકી શકે છે...
આદતો, લાગણીના વલણ
બાળપણમાં પડી ચૂક્યાં હોય છે. આથી ઉપદેશ આપણને એક બાજુ ખેંચે છે અને આદતો, લાગણીઓ
બીજી બાજુ. આ ગજગ્રાહમાં થોડાક સદભાગીઓને બાદ કરીએ, તો બાળપણની આદતો અને લાગણીઓ
જીતે છે...
આક્રમક વૃતિના મૂળ
બાલ્યાવસ્થામાં થયેલ નૈરાશ્યના અનુભવમાં છે. બાળકોને અપમાન અને નિરાશાના જે અનુભવો
આપણા ઘરમાં, શેરીઓમાં ને શાળામાં થાય છે તે બાળકો ભૂલી નથી જતાં...
બાળકને જેટલી વાર
નિરાશાનો અનુભવ આપણે કરાવીએ છીએ તેટલી તેની આત્મશ્રદ્ધાની ઇંટો એક પછી એક ખસેડીએ
છીએ...
સંહારવૃતિનો અવેજ સર્જનવૃતિ
છે. આક્રમણનો ઉપાય અંત:તૃપ્તિ છે...
બાળકોને એ અવસ્થાએ
આપણે સ્વયંસ્ફુરિત પ્રવૃત્તિ કરવા દઈએ તો અંત:તૃપ્તિ માટેનો તેમનો માર્ગ ખુલ્લો
થશે ને બીજાને દખલ કરવાનું, બીજાની ઈર્ષા કરવાનું, બીજાને હલકા પાડી મોટા થવાનું ઝેર
તેમના સ્વભાવમાં નહિ પ્રવેશે...
ઘર કે શાળા વચ્ચે મેળ ન હોય, વિસંવાદ હોય તો શાળા જે કાંઈ પોતાના સમય દરમિયાન
ચણે તે ઘરના સમય દરમિયાન પડે...
માબાપ નહિ સમજે તો બાલમંદિર કે શાળાનું કામ ચાલવાનું નથી...
વિદ્યાર્થીનું આરોગ્ય મહત્વનું છે, વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ મહત્વનો છે, વિદ્યાર્થીનો
આત્મસંતોષ મહત્વનો છે...
આપણે બાળકોને ચાહી શકીએ તો સારું પણ ન ચાહી શકીએ તોપણ તેને અપમાનિત ન કરીએ...
સર્જનનો સંતોષ નથી હોતો તે સત્તા દ્વારા રોફ બજાવીને સંતોષ મેળવવા મથે છે...
આત્મસંતોષ અને આત્મતૃપ્તિ નથી તે વહેલો કે મોડો આક્રમક થાય છે. જેને અંદરથી
સુખ કે સંતોષ નથી, તે જો નિર્બળ હોય તો બળીજળીને બેસી રહે છે, નિંદા કરે છે; પણ બળવાન
હોય તો બીજાને બાળેજાળે છે...
જેને મનગમતી પ્રવુતિ મળે છે તેને બાર બાદશાહી મળ્યાનું સુખ મળે છે...
ઉપરોક્ત વિધાનો મનુભાઈ પંચોળીએ આપેલા પેરેન્ટિંગને લગતા વ્યાખ્યાનોના ચમકારા
છે. અલગ અલગ જગ્યાએ દાયકાઓ પહેલા આપેલા ચાર વ્યાખ્યાનોનું ૧૯૮૮માં ‘વિશ્વશાંતિની
ગુરુકિલ્લી’ નામે પુસ્તિકા સ્વરૂપે સંપાદન થયું. આઈપીએસ ઓફિસર હસમુખ પટેલની ‘પેરેન્ટિંગ ફોર પીસ’ નામે વાલીજાગૃતિ તેમજ
બાલઉછેરને લગતી મુવમેન્ટના અનુસંધાને આ પુસ્તિકા હાથે ચડી અને હૈયે વસી. ઉપરોક્ત
વિધાનો આ પુસ્તિકામાં સંપાદન થયેલા મનુદાદાના ચાર વ્યાખ્યાનોનું માત્ર ટ્રેલર છે.
છત્રીશ પાના અને સાત રૂપિયાની આ પુસ્તિકા વાલીઓ – શિક્ષકો માટે બાળઉછેરને લગતા હજારો
પાનાઓના અતિ મુલ્યવાન સાહિત્યની ગરજ સારે છે. આ પુસ્તિકા વારંવાર વાંચવા – સમજવા –
પચાવવા – અમલમાં મુકવા યોગ્ય છે. આ પુસ્તિકા મેળવી ઘૂંટડે ઘૂંટડે પી ને પચાવજો. સમજીને
સારું લાગે તે અમલમાં મૂકજો. વર્ષો પહેલા મનુભાઈ પંચોળીએ કરેલી બાળઉછેરની આ વાતોનો
હજુપણ આપણે સમજીને યોગ્ય અમલ કરી શકતા નથી એ આપણી કરુણતા છે. દર્શકદાદાના શબ્દોમાં
કહીએ તો આપણે કેરીમાં રસ વધારવાને બદલે ગોટલો વધારવાનું પરાક્રમ કરી રહ્યા હોઈએ
તેવું લાગે છે. વિચારજો.