(ફૂલછાબ - પંચામૃત - 21 જાન્યુઆરી, 2015)
મોટેભાગે આપણે બીજાને ચાહવામાં કે બીજા આપણને ચાહે તે માટેના પ્રયત્નોમાં રચ્યાપચ્યા રહેતા હોઈએ છીએ. બીજાને ખોટું ન લાગે કે આપણાથી એને ખરાબ ન લાગે માટે ઘણીવાર આપણે એમને અનુકુળ થવા અધીરા બનીએ છીએ. આપણી ઈચ્છા કે મજા યોગ્ય હોવા છતાં બીજાને એ ગમતી નથી એટલે આપણે એ ટાળીએ છીએ. પરિવારજનો, મિત્રો, સગા-સંબધીઓ કે સમાજ વગેરેના ગમા - અણગમા વિષે બહુ બધું વિચારતી વખતે આપણે ખુદના ગમા - અણગમા પ્રત્યે આંખ આડા કાન કરીએ છીએ. આપણા માટે ખુબજ મહત્વની કે વ્હાલી વ્યક્તિ તેને જે ગમતું હોય તેવું તે કરે એમાં આપણો વાંધો ન હોવો જરૂરી છે પરંતુ આપણે કૈક ગમતું કરીએ ત્યારે દરવખતે તે વ્હાલી વ્યક્તિના વલણ કે વાતને વિચારવી જરૂરી ન પણ હોઈ શકે. અલગ અલગ વ્યક્તિના કોઈપણ એક બાબત પ્રત્યેના વ્યુપોઈન્ટ અલગ અલગ હોઈ શકે એવું આપણે સૌ સ્વીકારીએ છીએ ત્યારે કદાચ આપણને જે ગમે છે તે રીતે વર્તવામાં કે જીવવામાં બીજાની બહુ બધી સ્વીકૃતિની જરૂર જણાતી નથી. છતાં આપણે એમને પ્રેમ કરીએ છીએ એટલે અથવા તો આપણને એ પ્રેમ કરે છે એટલે આપણે એમની સાથે અનુકુળ થવા આપણી જાતને પ્રેમ કરવાનું માંડી વાળીએ છીએ.
હદ તો ત્યારે થાય જયારે આ જે હું કરીશ તે તેને નહિ ગમે એવું આપણે ફક્ત શંકા કે અંગત માન્યતાથી માની લઈએ છીએ એટલે કે બીજાને તમારા એ વર્તન કે પવૃત્તિથી કોઈ વાંધો કે વિરોધ જ ન હોય છતાં કેવું લાગશે, શું કહેશે, ખરાબ કે દુઃખ લાગશે વગેરે બાબતોમાં આપણે અટવાતા હોઈએ. ધીમે ધીમે આવા આપણી જાત સાથે કરેલા સમાધાનો નિરાશા કે દુઃખ આપતા હોય છે. કદાચ આવું કરતા કરતા આપણે પણ બીજા પાસેથી આપણી વાત કે વર્તન સાથે અનુકુળ થવાની અપેક્ષા રાખતા થઇ જશું અને આપણે એમને અનુકુળ થઈએ છીએ એવું જતાવવાનું કે જણાવવાનું શરુ કરીશું. બસ જેમ આપણે મનગમતું ન કરી શકવાથી થાક્શું એમ જ એ આપણી આવી અપેક્ષા કે ટોણાથી કંટાળશે અને થાકશે. આના કરતા તો બીજા વિષે બહુ બધું ન વિચારીને આપણને મનગમતું - યોગ્ય લાગતું કરીએ. અહી એકબીજાને સાથ સહકાર ન આપવાની કે જરૂર જણાય ત્યારે યોગ્ય રીતે એકબીજાને અનુકુળ ન થવાની જરાય વાત નથી, મુદ્દો એ છે કે મને ગમતું બીજાને કદાચ ગમશે નહિ એવું માનીને એ ન કરવું જરૂરી નથી.
આપણને મળેલી આ એક જીંદગીમાં આપણે આપણી સમજ, જ્ઞાન, શોખ, પ્રાયોરીટી, પરિસ્થિતિ અને સંજોગ મુજબ ગમતી મજા અને યોગ્ય આનંદ કરતા હોઈએ ત્યારે દરવખતે બીજાના વખાણ કે સ્વીકારની ચિંતા છોડી; કેવું લાગશે ને બદલે ખુદને કેવું લાગે છે તેના પર ધ્યાન આપવું વધારે જરૂરી લાગે છે. આઈ લવ યુ કહેવામાં અને સાંભળવામાં આપડે એટલા બીઝી થઇ ગયા છીએ કે ખુદને હળવેકથી કયારેક આઈ લવ મી કહેવાનું ચુકી જઈએ છીએ. જાતે કરેલી મહેનત કે સંઘર્ષ અને દિલો-દિમાગથી લીધેલા નિર્ણયો બાદ મળેલી સફળતા કે સિદ્ધિ જેટલી અને જેવી હોય તો’ય આપણી છે. આ માટે જાતે પીઠને થપથપાવવી જોઈએ. બીજા આપણી સિદ્ધિ કે સારી બાબતો માટે પ્રાઉડ કરે કે ના કરે આપણે ખુદે તો તેનું પ્રાઉડ લેવું જ જોઈએ. કદાચ ક્યારેક માનવસહજ સ્વભાવથી ભૂલ પણ થાય તો તેને સમજી-સુધારી તેનું ગિલ્ટ ફિલ ન કરી, જરુરુ જણાય ત્યારે માફી માગી લઇ, જાતને કોશવા કે સજા કરવાને બદલે ભૂલમાંથી શીખી, ફરી ઉભા થઇ નવી શરૂઆત કરી જાતને સુધરવા - બદલવા - વિકસવા જાતે પ્રોત્સાહન આપવું પડે. બીકથી બધું છોડી દેવાને બદલે જાતને ‘હશે હાલ હવે ધ્યાન રાખીશું’ કહી મોટીવેટ કરવી પડે. સફળતાના માપદંડ સૌ માટે સરખા ન હોય. વ્યસન ન હોવું, પુરતી મહેનત કરવી, કોઈનું ખરાબ ન વિચારવું, નીતિથી રહેવું, ખોટા ખર્ચા ન કરવા વગેરે સામાન્ય લાગતી ઘણી યોગ્ય બાબતોને આધારે પણ જાતને શાબાશી આપવાની ટેવ પાડવી જરૂરી છે. આપડે જે કરીએ છીએ કે કરવું છે તે સાચું અને સારું હોય તેમજ તેનાથી આત્મસંતોષ હોય તો જાતને અન્ડર એસ્ટીમેટ કરવાનું છોડી જે પણ સારું કરીએ છીએ તે માટે ખુશ થઇ, ગર્વ લઇ આત્મવિશ્વાશમાં વધારો કરતા રહેવું જોઈએ. નાનું કે ઓછું તોય સારું અને મારું ની ભાવના સાથે અન્યોની સરખામણી કે સ્વીકૃતિ ને બદલે સંતોષ અને સુખને આધારે જાત સાથે પ્રેમમાં પડવાનો આનંદ અનેરો હોય છે. વિચારજો.