Wednesday, July 29, 2015

પોસ્ટ 6: અલગ છે પણ ગલત નથી

(ફૂલછાબ - પંચામૃત - 27 મે, 2015)

આ દુનિયામાં સૌ કોઈ પોતપોતાની રીતે અલગ છે, યુનિક છે. એકને કંઈક ગમે છે તો બીજાને બીજું. એકનો શોખ, રસ, માન્યતા, અગ્રતા અને લાયકાત કે કેપેસીટી બીજાથી અલગ જ હોવાના. હું જે માનું છું તેવું કદાચ બીજો માનતો ન પણ હોય. બધા જ પોતપોતાની સમજણ મુજબ વિચારે છે અને કદાચ પોતપોતાની રીતે બધા જ સાચા છે. ઘણા બીજામાંથી શીખે છે તો ઘણા બીજાને વખોડે છે. ઘણા જાતે વિચારે છે તો ઘણા બીજાના વિચારને અનુસરે છે. ઘણા પોતાને જ સાચા માને છે તો ઘણા બીજાને જ સાચાં માને છે અને ઘણા બીજાને પણ સાચાં માને છે. કોઈ સાદગીમાં માને તો કોઈ લકઝરીમાં. કોઈને દેખાડવું ગમે તો કોઈને સંતાડવું. ઘણા ન હોય તોય બતાવે અને ઘણા હોય તોય ન બતાવે. કોઈ ફલેટમાં રહે તો કોઈ ટેનામેન્ટમાં. કોઈ બ્રાન્ડેડ પહેરે તો કોઈ ગુજરીના. કોઈને વધારે ખર્ચો કરીને આનંદ આવે તો કોઈને ઓછામાં ઓછો ખર્ચો કરે તો આનંદ આવે. કોઈને નોકરી ગમે, કોઈને ધંધો. કોઈ રિસ્ક લે તો કોઈ સેફટીનું વિચારે. અહી સૌ અલગ છે પણ ગલત નથી. કોઈ એક બીજા જેવું નથી. તો પછી બીજા જેવું થવાનો કે બીજા આપણા જેવા થાય એવો આગ્રહ રાખવાનો હોય જ નહિ. 

સૌ કોઈ પોતપોતાની જીંદગી પોતાની વિચારસરણી અને સમજણ મુજબ જીવે છે અને તેનું સારું કે નરસું પરિણામ પણ પોતે જ ભોગવે છે. હું હું છું. તે તે છે. બંનેને પોતપોતાના સંજોગો, સમય, પરિસ્થિતિ, પસંદગી, ગમો-અણગમો, બજેટ, આયોજન, અગ્રતા હોય છે. હું જેવો છું તેવા સૌ થાય કે સૌ છે તેવા મારા થવું એ જરૂરી નથી અને શક્ય પણ નથી. કોઈ પરફેક્ટ નથી. સૌ કોઈ પોતપોતાની તાકાત અને મર્યાદા સાથે જીવે છે. એક આમાં માહિર તો બીજો બીજામાં. તકલીફ એ છે કે આપણે બીજા જેવું જીવવાની કોશિશમાં આપણા જેવું જીવવાનું ભૂલી જઈએ છીએ. બીજાનું ઉછીનું જીવવા કરતા આપણે આપણા જેવું જીવાય. 

મજા, આનંદ, ખુશી, સુખની વ્યાખ્યા સૌ કોઈની જુદી જુદી હોય. કોઈકને ફરવામાં મજા આવે તો કોઈકને આરામ કરવામાં. એકને મુવી જોવામાં આનંદ આવે તો બીજાને મેચમાં. કોઈની ખુશી બહુ કામ કરવામાં છે તો કોઈકને નવરાં રહેવામાં. કોઈક ઓછામાં પણ ખુબ ખુશ હોય તો કોઈક ઘણામાં પણ ના હોય. સૌ પોતપોતાની જરૂરિયાત મુજબ જીવન જીવે છે ત્યારે એને આમ ન કરવું જોઈએ કે એને આમ જ કરવું જોઈએ એવું માનવું ખોટું છે. આપણને ગમે છે તે બીજાને ન પણ ગમે અને બીજાને ગમે છે તે આપણે ગમાડવું જરૂરી પણ નથી. જરૂરી છે એકબીજાની જિંદગીને માન આપવાની. એકબીજાની પસંદગી કે પ્રાયોરીટીને રીસ્પેક્ટ આપવાની. એ એની જીંદગી છે જેના પર એનો હક છે. એ જીવે છે, જીતે છે, હારે છે, સમજે છે, સહન કરે છે, આનંદ કરે છે, ભોગવે છે, વાપરે છે, બચાવે છે, કોઈએ બીજા કહે કે કરે તેમ કરવું જરાય જરૂરી નથી. હા, બીજા પાસેથી માર્ગદર્શન લેવાય, સલાહ લેવાય, બીજાની ભૂલમાંથી શીખાય, બીજાની સારી વાત સ્વીકારાય પરંતુ જાત માટે નિર્ણય લેતી વખતે આપણને સારું અને સાચું લાગે તે જ કરાય અને ખાસ, બીજાને જેવું અને જે ગમતું હોય તે કરવા દેવાય.      

ઘણાને પોતાની કરતાં બીજાની જીંદગીમાં વધુ રસ હોય છે. આપણે શું કરવું કે કરીએ છીએ એના બદલે બીજા શું કરે છે કે બીજાને શું કરવું જોઈએ એવી બાબતોમાં જ આપણે સૌ રચ્યાંપચ્યાં રહેતા હોઈએ છીએ. બીજાને સળી કરાય નહિ અને બીજાની સળીથી ગરમ થવાય નહિ. ઘણાંને પોતાની વાત મનાવવાનો બહુ શોખ હોય. બીજાની વાત સંભળાય, યોગ્ય ન લાગે તો દલીલ ન કરાય, સારું લાગે તે લેવાય અને તેમનો આભાર માની અમલ તો આપણી રીતે અને આપણને ગમે તેમ જ કરાય. જરૂર જણાય ત્યારે યોગ્યને પુછાય કે કોઈ પૂછે ત્યારે કહેવાય, પણ કીધું છે તે માને જ તેવી અરસપરસ અપેક્ષા કે આગ્રહ ન રખાય. ચંચુપાત કે પંચાતમાં સમય - શક્તિ ના બગાડાય. બીજાની ઈર્ષા કે અદેખાઈ ને બદલે ખુદની ઈચ્છા અને આનંદને પ્રાધાન્ય અપાય. સૌને પોતપોતાની આ સરસ મજાની જીંદગી પોતપોતાની રીતે જીવવાનો હક છે અને એમાં જ મજા છે. વિચારજો.