Wednesday, October 26, 2016

પોસ્ટ 14: સમજ મુબારક – સાલ મુબારક

Saal Mubarak - Khadi ni Yaadi
દિવાળી આવી ગઈ. આ વર્ષે ઘણું કરવાનું રહી ગયું તો ઘણું થઇ ગયું. આયોજન મુજબનું પણ થયું અને વળી કેટલુંક અચાનક થયું. ઘણું સુધર્યું તો ઘણું બગડ્યું. કેટલીક ભૂલો થઇ તો કેટલુંક શીખવા મળ્યું. કેટલુંક નવું થયું તો કેટલુંક જુનું રીપીટ થયું. નવી ટેવ પડી ને’ જૂની ટેવ મૂકી. નવા મિત્રો મળ્યાં, જુના ભૂલાય પણ ગયા. કેટલુંક ન કરવાનું કર્યું અને કેટલુંક કરવાનું ન કર્યું. ક્યાંક મજા આવી તો ક્યાંક જામી નહિ. 
આખું વર્ષ વહી ગયું, એના સ્વભાવ મુજબ. આપણી જીંદગીમાં એક વર્ષનો ઉમેરો થયો. ક્યાંક હતાં ત્યાંથી ક્યાંક પહોચ્યાં. સુખ દુઃખ આવતા રહ્યાં, ઉતર ચડાવ થતાં રહ્યાં અને બસ આપણે આગળ વધતા રહ્યાં. નવું વર્ષ પણ આમ જ આવશે અને વીતશે. ઘણું આપશે અને કેટલુંક લઇ પણ લેશે. આપણું ધાર્યું’ય થશે અને આપણે સપનામાં પણ નહિ ધાર્યું હોય એવું પણ થશે. હું આમ કરી નાખું ને’ હું તેમ કરી નાખુંની ખાલી વાતો થાય પણ આ જીંદગીમાં ક્યારે શું થાય અને કેમ થાય એ ઘણીવાર તો આપણી સમજ બહાર થાય. તમે કે હું કશું જ નથી એવું પણ ઘણીવાર આ જિંદગીએ આપણને આડકતરી રીતે કીધું પણ છે, ત્યારે આપણે થોડુંક, થોડાક સમય માટે સમજ્યા પણ હોય અને પછી એ સંકેત કે સાબિતી વિસરાય પણ ગઈ હોય. 
નવા વર્ષે સાક્ષીભાવે જીવતા શીખવા જેવું છે, પળેપળે સજાગ રહી જિંદગીની ગતિની સમજવા જેવી છે, જે થાય છે તેને અનુભવવા જેવું છે. આવું કેમ થયું, શા માટે થયું એવું વિચારતા રહી એક પ્રકારની સમજ વિકસાવવા જેવી છે. ઘણું સારું તો ઘણું ખરાબ થાય ત્યારે તે બાબતે ભૂતકાળ તરફ નજર દોડાવવા જેવી છે, ક્યાંક કળી મળશે, ક્યાંક આંકડા બેસશે, ક્યાંક તાળો મળશે. જે થાય છે, જેમ થાય છે, જેવી રીતે થાય છે તે બધાની પાછળ કશુંક છે એ ધીમે ધીમે સમજાશે અને જયારે થોડુંક આવું સજાગપણે વિચારશું ત્યારે આપણને થોડી શાંતિ થશે. કર્મ કરશું જ પણ તેનું પરિણામ જેવું પણ મળે એને સ્વીકારતા પણ શીખશું. બધું જ આપણે કહીએ તેમ ના થાય અને બધું જ બીજા કહે એમ પણ ના થાય. એ તો બસ આપણા કર્મ, વિચાર, ભાવને આધારે થાય. કોઈનું સારું કે ખરાબ વિચારીને કે કરીને સજાગપણે જોવાય અનુભવાય, તેનું પરિણામ કોઈક અલગ રીતે, અલગ માધ્યમથી મળે ત્યારે નિરાંતે સમજીને સરખાવાય. ધીમે ધીમે આ બધું સમજાવા લાગશે. 

જીંદગી એકસરખી નથી જ રહેવાની અને એમાં મજા પણ નથી. ક્યાંક ભૂલ થઇ છે, લોભ લાગ્યો છે, સ્વાર્થ સાધ્યો છે તો એ મુજબનું પરિણામ અને ક્યાંક બરાબર થયું છે, બધાનો વિચાર થયો છે, કરવા જેટલું નિષ્ઠાથી કામ કર્યું છે તો એ મુજબનું પરિણામ મળશે. નીતિ આપણી ન્યાય કુદરતનો. કદાચ સાંજે વ્હીકલના વ્હીલમાં પડતું પંક્ચર સવારે ગરીબ શાકભાજી વાળા સાથે કરેલા બાર્ગેનિંગનું પણ પરિણામ હોય કે ક્યાંક પેક થઇ ગયેલા એડમિશનમાં એક જ વિદ્યાર્થીને બીજે એડમીશન મળતા આપણો વારો આવી જાય એ ક્યારેક કોઈકનો ખાલી હાથ પકડી રસ્તો પાર કરાવવાનું પણ પરિણામ હોય. જીંદગી બહુ જોરદાર છે એ કર્મ અને પરિણામને યોગ્ય રીતે જ ગોઠવાશે પણ ક્યારે, કેમ અને કઈ રીતે ગોઠવાશે એ કહેશે નહિ, આપણે સમજવું પડશે. નવા વર્ષે આવી અનેરી સમજ આપ સૌને મુબારક. સાલ મુબારક. 

Sunday, October 23, 2016

પોસ્ટ 13: ભાવ ખવાય નહિ ને' ખાતા હોય એને દેવાય નહિ

ઘણાને ભાવ ખાવાની ટેવ હોય અને ઘણાને આવા ભાવ ખાનારને ભાવ દેવાની ટેવ પડી હોય. ઘણા એવા હોય એ વાત વાતમાં મોણ ખાતા હોય એને નાની નાની વાતમાં વાંકુ પડતું હોય અને એની આજુબાજુનાં કેટલાંક એમની હા એ હા કર્યે રાખી એનો ઈગો પોસતાં હોય છે. હું માનું એ જ સાચુ એવું એ માનતા હોય અને વારે તહેવારે એક યા બીજી રીતે બધાને ખડે પગે રાખવાની એને આદત પડી હોય. બીજાને સામેથી બોલાવવા, વિનય વિવેક રાખવો, બીજાને ગમે તેવું કરવું, બીજાની પસંદગીને પણ માન આપવું વગેરે એમને આવડતું જ ન હોય. ઉંમર એ એની એક માત્ર લાયકાત હોય છતાં મોટા હોવાનો અને મોટા થવાનો એમને ગજબનો અભરખો હોય. એમના મનમાં બીજા બધા ઉંમરમાં તેમજ બીજી બધી રીતે નાના એટલે કે તુચ્છ છે એવું ભરાય ગયું હોય. 

વાર વીઘા વેચીને પરશેવા વગરના આવેલા રૂપિયાનો એમને વા હોય. પૈસા કે હોદ્દાથી આવેલી નજીવી પ્રસિધ્ધિ એમને પચતી ન હોય. પોતાનો મૂળ કામ ધંધો ભૂલી જઈ ગામની પંચાતમાં એમને ઘડીની નવરાશ ના હોય. એમના વાત વર્તનમાં ન્રમતાનો સદંતર અભાવ હોય. એમનો ઈગો એમને લેટ ગો કરવા જ ન દેતો હોય. વાંચન કે વિચાર સાથે એને કશી જ લેવાદેવા ન હોય એટલે સમજણ કે  શાણપણ સાથે એમને બનતું જ ના હોય. કોઈ બાબત વિશે લાબું વિચારવું કે બીજાનું માનવું કે નિરાંતે સમજવું એમને ફાવતું જ ન હોય. જતુ કરવાને બદલે એ જોઈ લેવામાં વધુ માનતા હોય. હશે ના બદલે શું કામ સાથે એ લડી લેવાના મૂડમાં જ હોય. બાંધછોડ કે સમાધાન એના શબ્દકોશમાં જ ના હોય. એ'ય ખોટા હોઈ શકે એવું એ ક્યારેય માને જ નહિ. એને બધે જ ગમે તેમ કરીને જીતવું જ હોય. 
 ફૂલછાબ - પંચામૃત - ટચવૂડ - 19 ઓક્ટોમ્બર, 2016
આવા લોકોની હા એ હા કરવાથી જ આ લોકો આવા થયા હોય. ચારેકોર બેસીને એને સાચોખોટો પાનો ચડાવ્યા રાખી ફૂદકે ચડાવ્યા હોય. એને સાચેસાચું કે મોઢેમોઢ કોઈ કશું જ કહેતું ના હોય અને એટલે જ એની કારી ફાવતી હોય. એમના ઈગોને સંતોષવામાં આવતો હોય, પોસવામાં આવતો હોય એટલે સમય સાથે એનો ઈગો કાબુ બહાર મોટો થઇ ગયો હોય. એમની ભૂલ વખતે એમને કોઈએ ટપાર્યો ના હોય, પાછો ના વાર્યો હોય એટલે એમને ખુદને પણ સાચાખોટાનો ભેદ ખબર ના હોય. એમનાં નજીકના જ આંખે થઇ જવાની બીકે એમને સાચું કહેતા કે સમજાવતાં ડરતા હોય. લેભાગુઓ આવા અણસમજુઓનો ટેકો લઇ પોતાનું ધાર્યું કરાવી લેતા હોય. આવાઓના ખભે બંદૂક રાખી પોતાનો સ્વાર્થ સાધી લેતા હોય. પેલાને પોતાનો ઉપયોગ થઇ ગયો એવી જાણ કે સમજ પણ ના હોય. 


આવા લોકોની આજુબાજુ જ રહેતા, એમના જ ગણાતા, એમના જ નજીકનાઓ પોતાની મોજમજા કે પાલી હલાવવા એમના સ્વભાવને પ્રોત્સાહિત કરતા હોય છે. એમની પાસે સારા થઇ જઈ એમને બીજે સારા થઇ જવું હોય. થોડુંઘણું સહન કરીને પણ આવા ખોટાઓની સામે પડવું પડે. એમને એમની ઔકાત બતાવવી કે સમજાવવી પડે. એમને અવગણીને એમની શાન ભાન ઠેકાણે લાવવી પડે. સમાજમાં આજુબાજુ આવા અણસમજુ ભાવ ખાતા હોય, હવામાં હોય તો તેને પવન દઈ ઉડાડવાને બદલે નકામો ભાવ ન દઈ એની ઉપેક્ષા કરવામાં જ શાણપણ છે. આવા ફાકો લઇ ફરતા લવિંગિયાઓને હવા દઈ ફૂટવા ન દેવાય, એનું સુરસુરિયું જ કરાય. વિચારજો.     

Friday, October 14, 2016

પોસ્ટ 12 : જાતે સુધરીને જગત સુધારીએ


(ફૂલછાબ - પંચામૃત - ટચવૂડ - 12 ઓક્ટોબર, 2016)
મોટી મોટી વાતો અને ખોટા ખોટા દેખાડાથી સમાજને સુધારવા નીકળેલા આપણે સૌ જાતે થોડુંક સુધરીએને તો સમાજ આપોઆપ સુધરી જાય. બીજાએ શું કરવું જોઈએની સલાહ આપનારા ખુદ એ સલાહને અનુસરેને તો ય ઘણું. બીજાને સૌએ સુધારવા છે જાતે કોઈને સુધરવું નથી. ભલે થોડું પણ સૌએ જાતે સુધરવું પડે. મને જે સમજાય છે તે મારે તો કરવું જ પડે. કહેવાથી કોઈ કશું કરે નહિ, જાતે કરવાથી તેને જોઈને બીજો પણ કરે. ભલે નાની પણ શરૂઆત કરવી પડે. સમાજને સુધારવા નહિ તો જાતના સંતોષ ખાતર પણ ખુદને જે ઉગે છે તેનો અમલ કરવો જોઈએ. બધા જ બીજા કરે એવું માને તો કરે કોણ ? પગ નીચે પાણી આવે ત્યારે સૌ કોઈ છટકી જાય તો ના ચાલે. સમજતાં હોઈએ તો તેનો અમલ કરવો પડે. અને મોટાભાગના બધું જ સમજે છે, જાણે છે પણ તેની શરૂઆત કે અમલ કરવાનું આવે છે ત્યારે આંખ આડા કાન કરી જાય છે. 

બીજાને જે કરવાની કે ના કરવાની સલાહ આપતા આપણે સૌ ખુદના સ્વાર્થ માટે એ જ નીતિ નિયમોનો ઉલાળિયો કરીએ એવું ના ચાલે. બીજા કરે કે ના કરે આપણને જે યોગ્ય લાગતું હોય તે આપણે તો કરવું જ અને કરતાં જ રહેવું પડે. એકવાર કશુંક સારું શરુ થશે તો આપોઆપ ધીમે ધીમે બધા જ એમાં જોડાશે અને કદાચ ન પણ જોડાય તો પણ એકલા કે જેટલા હોય તેટલા તે સારાપણાને જાળવી રાખે તો પણ દાખલો બેસે. આપણું એવું છે કે આપણે જે માનીએ છીએ કે કરીએ છીએ તે સૌ કોઈ કરે કે માને તો જ આપણે કરીએ નહીંતર આપણે પણ ધીમે ધીમે એ બંધ કરી, બીજા જેવા, હતા તેવા ને તેવા થઇ જઈએ છીએ. આપણને આપણા જેવા થવા કરતા બીજા બધા જેવા થવું વધારે માફક આવે છે. 

બીજાથી અલગ થઇ સારું થવું આપણને બહુ ગમતું નથી, આપણે ભલે થોડું નબળું પણ બધા જેવું રહેવાનું વધારે પસંદ છે. કરાય આમ એ આપણને ખબર છે પણ બીજા બધા એમ કરે છે એટલે આપણે પણ આમ ને બદલે એમ કરીએ છીએ. બીજાને કહીએ છીએ કે ચાલો એમ કરીએ પણ બીજા માનતા નથી તો આપણે જાતને બદલે એમનું માનીને આગે સે ચાલી આતી હૈ ને આગળ વધારીએ છીએ અને આપણી સમજને અવગણીએ છીએ. 

ક્યારેક થોડા આંખે થઈને પણ સાચું કે સારું હોય તે જાતે કરવું પડે. બીજાને બતાવી દેવા કે નેતા થઇ જવા નહિ પણ હવે પછીની પેઢીને થોડુંક વધારે સારું જગત આપવા આપણે અત્યારે થોડું મથવું તો પડશે. નવી પેઢીને કાવાદાવા, પંચાત, ઈર્ષા, ચાલાકી, ગેરશિસ્ત, દગો, છેતરપિંડી, જોહુકમી, ગુંડાગિરી, લાગવગ, ભ્રષ્ટાચાર, અનીતિ, દબામણી, આછકલાઈ, ગેરવર્તનથી બચાવવી જ પડશે. અને તેથી આ બધુ બંધ થાય તે માટે આપણે સૌએ જાતે જ સમજીને, આપણે સૌ તો આવું બધુ ન જ કરીએ અને થતું હશે તો સહન ન કરી, અવાજ ઉઠાવીએ એટલું તો કરવું જ પડશે. હવેની પેઢીને આવું બધું સહન કરવું કે મેનેજ કરવું નહિ ફાવે અને એટલે જ તે બીજા દેશો તરફ વળશે, ભલે કદાચ કાગળા બધે જ કાળા હશે પણ તેઓ જ્યાં ઓછા કાળા હશે ત્યાં પહોંચી જશે. સૌ કોઈને શાંતિ જોઈએ છે, શિસ્ત અને શિષ્ટાચાર જોઈએ છે. હવેની જનરેશનને માથાકૂટ કે મારીતારીમાં બહુ રસ નથી એ જીવો અને જીવવા દો માં માને છે. અને એટલે જ એ બાબત નવી પેઢી અનુભવે તેવું વાતાવરણ જાળવી રાખવા અત્યારે પડી રહેલો સડો અત્યારે જ દૂર થાય તે ખુબ જ જરૂરી લાગે છે. આ ફોડકીને ગૂમડું થતા પહેલા ફોડવી જરૂરી લાગે છે. વિચારજો.