Phulchhab - 28th Dec. 2016 |
કારતક મહિને ડાહ્યા થઈને કશુંક નવું અને સારું કરવાના કે કંઈક ખરાબ અને જૂનું મુકવાના પોતાને આપેલા પ્રોમિસને પાળવા આ આવતો જાન્યુઆરી રિમાઇન્ડર મન્થ બની શકે. નવા વર્ષે કશુંક નવું કરવાનું મન થાય. ઘણું એવું હોય કે જે જાણતા હોઈએ, સમજતાં હોઈએ પણ છતાં અમલ કરવાનું, જાતમાં જાતે ઉતારવાનું રહી જતું હોય. આવી બાબતોને નવા વર્ષના રીજોલ્યુસન કે સંકલ્પ સ્વરૂપે નક્કી કરી અમલમાં મુકવા મથતા રહેવાની મજા છે. મોટાભાગના આવા લેવાયેલા સંકલ્પો સમયની સાથે ભુલાય જતા હોય છે. છતાં આરંભે શૂરા થઈને પણ થાય એટલું કરવાનો ચાન્સ જરૂરથી લેવાય. મોટેભાગે આવા વખતે સંકલ્પ મોટા અને જાજા લેવાય જતા હોય છે. આપણે એકસામટે બધું'ય કરી નાખવું હોય છે. ઝટ સારું થઇ જવું હોય છે. અને આથી જ આ નવા વર્ષે લેવા જેવા નાના પણ નાજુકડા અને ઓછા પણ અફલાતૂન સંકલ્પો તરફ નજર નાખીએ.
એક, આ આખું વર્ષે વીકમાં એકાદ-બે વાર સંતાનોને સ્કૂલે મુકવા તેડવા જવા નો સંકલ્પ લેવા જેવો. ખુદની આ બાબતે જવાબદારી જ ફિક્સ કરી નાખવાની. શક્ય હોય તો વાર પણ નક્કી કરી શકાય. જેમકે બુધ ને શનિ હું બાળકોને નિશાળે મુકવા કે તેડવા અથવા મુકવા અને તેડવા જઈશ. આના ઘણા ફાયદા છે, જેની વાતો કરવા કરતા અનુભવ કરવો સારો. નક્કી કરશો તો બધું જ થશે. ઉઠાય પણ જવાશે, યાદ પણ રહી જાશે. કરો કંકુના.
બે, આવતા વર્ષે વીકમાં એકાદ-બે દિવસ, આખો કે અડધો દિવસ, ગામમાં ને ગામમાં કોઈ કામકાજે કે ઓટલા ઘસવા જવા સાયકલનો ઉપયોગ કરવાનું શરુ કરવા જેવું. સાદી સીધી સાયકલ લઇ લેવાની અને નીકળી પડવાનું. આમાં પણ દિવસ નક્કી કરી નાખવાના કે સોમ બુધ શનિ બપોર પછી હું જ્યાં પણ જઈશ ત્યાં સાયકલ પર જ જઈશ. રસ્તામાં ધીમે ધીમે પસાર થતી વખતે નિરાંતે બધું જોતા જવાનું, કસરત થઇ જશે, પ્રદુષણ નિયત્રંણમાં આપણું પ્રદાન થશે, પૈસા બચશે અને સૌથી સારું કે મજા આવશે. જાતને મોટીવેટ કરી પ્રોમિસ આપી કરી દો ચાલુ. બાકી બધું આપમેળે ગોઠવાઈ જશે.
ત્રણ, નવા વર્ષે અઠવાડિયે એક દિવસ ઘરમાં સૌ કોઈએ કે આપણે એકલાએ ડિજિટલ ફાસ્ટ રાખવાનું શરુ કરવું. ડિજિટલ ફાસ્ટ એટલે એવો ઉપવાસ કે જેમાં તે દિવસે કોઈ પણ ડિજિટલ ટેક્નોલોજિકલ સાધનોનો ઉપયોગ નહિ કરવાનો. મોબાઈલ ફોન બંધ, ઇન્ટરનેટ બંધ, લેપટોપ ટેબલેટ બંધ, ટીવી બંધ અને આ બધું બંધ એટલે સોશીયલ મીડિયા સાઈટ અને એપ્લિકેશન પણ બંધ. બસ જાત અને પરિવાર સાથે રહેવાનું. એકલા કે એકબીજાની સામે બેસી, જોઈ, આંખમાં આંખ પરોવી વાતો કરવાની, વાંચવાનું, ફરવાનું, બેસવાનું, રાંધવાનું, ખાવાનું અને કઈ જ કરવાનું મન ન થાય તો બસ એમ ને એમ રહેવાનું. બહુ મજા આવશે. અઠવાડિયે એકાદ દિ બીજાથી ડીસકનેક્ટ થવાથી કંઈ ખાટુંમોળું નહિ થઇ જાય. ઉલટાનું નિરાંત રહેશે, વિચારવાનો સમય મળશે. અનુભવ કરવા જેવો છે.
ચાર, નવા આખા વર્ષમાં ગમતી જાણીતી અંગત નજીકની દશ બાર વ્યક્તિને ખાલેખાલી, કશા જ કારણ કે સ્વાર્થ વગર પત્ર લખી મોકલવા, સાથે તેમને અનુરૂપ કે જરૂરી ભેટ પણ મોકલવાનું નક્કી કરો. ભેટ મોંઘી કે પત્રમાં લખાયેલા શબ્દો સાહિત્ય કક્ષાના હોવાની જરાય જરુર નથી. આપણા મનમાં એમના વિષે જે કાંઈ પણ છે પણ કહી કે પ્રદર્શિત થઇ શક્યું નથી તે જ આપણી જ સ્ટાઈલમાં એમને પહોંચાડવાનો બસ પ્રામાણિક પ્રયત્ન કરવાનો છે. અહીંયા કોઈ કામ કઢાવવાનો કે બટરપોલિશ કરવાનો હેતુ ના હોવો જોઈએ, બસ એમની સાથે મજા આવતી હોય, લાગણી હોય તેને અત્યાર સુધી ક્યારેય થેન્ક યુ કે વાહ નથી કહેવાણું એને આવી સરપ્રાઈઝ આપવાની બહુ મજા આવશે, એમને અને આપણને બંનેને. તો આપી દો જાતને દિલથી નીકળેલા શબ્દો એમના દિલ સુધી પહોંચાડવાનું પાકું પ્રોમિસ.
અને પાંચ, ઉપરના આ ચાર લેવા જેવા સંકલ્પોને પાર પાડવા એ આવતા વર્ષ માટેનો પાંચમો સંકલ્પ. ખાલી વાતો નહિ, કોઈ બહાના નહિ. થોડુંક જ છે પણ જરા હટકે છે. થઇ શકે એવું છે અને એટલે જ આ પાંચમો સંકલ્પ એ આ પાંચયમાં સૌથી વધુ મહત્વનો છે. જાજુ નથી કરવું પણ આ જરાક થાય એ માટે સજાગ રહેવા માટેનો આ પાંચમુ જાતને પ્રોમિસ બહુ જરૂરી છે. અને સૌથી પહેલી અગ્રતા પણ આ પાંચમાને જ આપવાની છે! અનુભવ જણાવજો.
હેપી ન્યુ યર.