ઘણીવાર આપણે જીતવા જીદે ચડતા હોઈએ છીએ. કશુંક મેળવવાં, મનાવવા આકાશપાતાળ એક કરીએ છીએ ત્યારે આવી વધુ પડતી જીદની આડઅસરને નજરઅંદાજ કરતા હોઈએ છીએ. બધે જ સૌથી વધુ મેળવવાં અને સૌથી પહેલા પહોંચવાની હોંશ ક્યારેક હાનિ પહોંચાડતી હોય છે. બીજાથી આગળ રહેવા, સદા જીતતા રહેવાની લ્હાયમાં જીવવાનું ભુલાય જતું હોય છે. જીતનો નશો ભારે પડતો હોય છે. જીતના નશામાં જીવન ભુલાય જતું હોય છે. ભેગું કરી લેવાની અને મોટા દેખાવાની દોડમાં કરવા જેવું ઘણું રહી જતું હોય છે. એના કરતાં'ય આવી જીદથી મેળવેલી જીતથી કાંઈ મોટો ફેર પડતો નથી. મોટા દેખાવું અને મોટા હોવું બંનેમાં બહુ મોટો ફરક છે. અને આ ફરક મોટાભાગના સમજી કે જાણી જ જતા હોય છે. જેવા નથી એવા ધરાર દેખાવાથી એવા થઇ જવાતું નથી. એનો પરપોટો વહેલો મોડો ફૂટે જ.
ઘાંઘા થઇને બીજાને જોઈને ત્રેવડ કરતા વધારે તણાવાની બહુ જરૂર લાગતી નથી. એનાથી નહિ ઘરના કે નહિ ઘાટનાં જેવી પરિસ્થિતિ સર્જાય છે. હડિયાપટ્ટીમાં હાશકારો ભુલાય જાય છે. પરિવાર સાથે ગાળવાનો સમય વીતી જાય છે. જાત સાથે મળવાનો મોકો ચુકી જવાય છે. આ જીતવાની હરીફાઈમાં આપણે કેટલાક અંગતને ભૂલી જઈએ છીએ અને લોકો આપણે મેળવેલી જીત કે પુરી કરેલી જીદને બહુ યાદ રાખતા નથી. જેમ આપણને ન હોય તેમ બીજાને પણ આપણી જીત કે જીદમાં બહુ રસ હોતો નથી. કયારેક બીજા સામે હારીને પણ જાતે જીતી જવાનું હોય છે. દલીલ કે દેખાડી દેવા કરતા એને એના રસ્તાએ છોડી આપણે આપણી રીતે રહેવાય. જરૂર જણાય તો અને ત્યારે સમજાવાય, ફોડ પડાય, ભૂલ થઇ હોય તો માફી મંગાય છતાં પણ એને સમજવું કે સ્વીકારવું જ ન હોય તો આવજો કહી બે રોટલી વધુ ખવાય.
આપણી પાસે હોદ્દો, સત્તા, પૈસા હોય ત્યારે મળતું માનપાન આપણને નહિ પણ પેલા પૈસા, હોદ્દા અને સત્તાને મળતું હોય છે. આપણી મોટી ભૂલ એ છે કે આપણે એવું માની લઈએ છીએ કે એ માનપાન આપણને મળે છે. કામ હોય, ગરજ હોય, સ્વાર્થ હોય ત્યારે કેમ છો પૂછનારાઓને તમો મજામાં છો કે નહિ એની સાથે કશો જ સંબંધ નથી. એને તો અત્યારે તમારો ઉપયોગ કરવો છે અને જયારે તમે એમને બિનઉપયોગી લાગશો ત્યારે ભૂલી જશે. હવે આવી સ્થતિમાં કોઈ ભાઈ ભાઈ કરે એટલે ચગી ન જવાય અને એ જ પાછો મોઢું મલકાવામાંથી'ય જાય તો દુઃખી ન થવાય. વર્ષના વચલા દિવસે કોઈક કંઈક વાહ વાહ કરે કે તરત જ હરખપદુડા થઇ જઈ, બીજું બધું પડતું મેલી એની સેવામાં હાજર થઇ જવાની'ય જરાય જરૂર નથી. કરાય, બધાનું કામ કરાય પણ મૂર્ખ બનાવી જાય એટલી હદે મહાન ન થવાય.
ખુદને અને પોતીકાઓને પહેલી પ્રાયોરિટી આપવી જોઈએ અને પોતીકાઓની પહેચાન કરતા આવડવી જોઈએ. તમારી સાથે બહુ ન રહેતો કે એ તમારી બહુ નજીક છે એવું વારેઘડીએ ન જતાવતો હોય તે પણ તમારો પોતીકો હોય શકે જયારે તમારો પડછાયો બની રહેનાર, તમારો પડ્યો બોલ ઝીલનાર પણ પોતાના સ્વાર્થ ખાતર ફરી જઈ શકે છે. હા એ હા કરતો ગમે ત્યારે ના કહી શકે, અને મોઢામોઢ ના કહી દેતો હોય તે જરૂર હોય ત્યારે હા પણ કહે. આજુબાજુના આવા માણસોના કારણ વગરના સારા કે ખરાબ વર્તનથી બહુ સુખી કે દુઃખી થઇ જવાનું નહિ. મનમાં મરકવાનું. કારણ વગર કોઈને દેખાડી દેવા, બતાવી દેવા, કોઈનાથી આગળ વધી જવા, સૌથી આગળ રહેવા કે લાયકાત પાત્રતા ન હોવા છતાં મોટુભા થવા, સ્ટેજ પર મહેમાન થઇ બેસવા, છાપામાં નામ છપાવવા, તકતીમાં નામ લખાવવાની માથાકૂટ છોડી જીતવાને બદલે નિજ આનંદથી વધુ સારું જીવવા તરફ ધ્યાન આપવું લેખે લાગશે. વિચારજો.