Monday, September 19, 2016

પોસ્ટ 10: અહીંથી ઈશ્વર ઢુંકડો લાગ્યો.



કુદરતી રીતે કુદરતની વચ્ચે પહોંચી જવાની મજા છે. સગવડતાને બદલે સુંદરતાની જોડે રહેવાની મજા છે. અને આવી અનોખી મજા આ જન્માષ્ટમીની રજાઓમાં ગુજરાતની બોર્ડર ટપ્યાં સિવાય લીધી. લોનાવાલા ખંડાલા અને આબુ ઉદયપુર સુધી લાંબા થવાને બદલે આ વખતે નવસારી બારડોલી વચ્ચે આવેલા ખડ ગામમાં ખળખળ વહેતી નદી પૂર્ણાના કાંઠે આવેલા સુરતી મિત્ર મુકેશભાઈના આંબાના બગીચા સાથેના ફાર્મ હાઉસમાં પ્રકૃતિની સંગાથે રહેવાની મજા માણી.
પંદેરક વીઘામાં પથરાયેલ આ ફાર્મ પૂર્ણા નદીની જોડાજોડ છે. બધી જ જરૂરી સગવડતાઓ ઉપલબ્ધ હોવા છતાં ત્યાંની સુંદરતા મેદાન મારી જાય છે. વહેતી નદીનો નિરંતર અવાજ બેકગ્રાઉન્ડ સંગીત સાથે ધ્યાનમાં સરી જવાની સરળતા કરી આપે છે. હાઇવેથી આ જગ્યા ખાસ્સી દૂર હોવાથી વાહનોનો અવાજ ત્યાં પહોંચતો નથી અને એટલે જ શાંતિ ક્યાંય ગોતવા જવી પડતી નથી. કુદરતના કુદરતી અવાજની પૂરતી હાજરીથી કશું ભેંકાર લાગતું નથી અને પક્ષીના કલરવ કે ગાય ભેંશ કુતરાના હાકલાઓથી વાતાવરણ જીવંત લાગે છે. કુદરતી રીતે જેવું આ જગત હોવું જોઈએ તેવું જ ત્યાં હજુ જળવાયું છે. 
ખડ નામના નાનકડા ગામડામાં પશુપાલન અને ખેતી જ મુખ્ય આજીવિકાના સ્ત્રોત છે. ફાસ્ટફૂડ કે હોટલ રેસ્ટોરન્ટ ત્યાં હજુ પહોંચ્યા નથી. ઘર માટે જરૂરી સાધન સામગ્રી થોડે દૂર રહેલા બીજા મોટા શહેરથી લઇ આવવાની એટલે હજુ ત્યાં બજાર નથી અને એટલે જ સ્ટીરીઓના અવાજ કે પાનમાવાના વ્યસન નથી. બધા જ પોતપોતાની રીતે પોતાના કામમાં પરોવાયેલા છે અને પોતાના પરિવાર સાથે પીશફૂલી રહે છે. નથી કોઈ દેખાદેખી કે નથી કોઈ સ્પર્ધા. ત્યાં આ ત્રણ દિવસ દરમિયાન કુદરતનું અફાટ સૌંદર્ય જોયું. આકાશમાં મંડરાયેલા વાદળો અને ધરતી પર છવાયેલાં વૃક્ષો વચ્ચે વરસાદની આવ જા સાથે ત્યાં બસ જાત સાથે જીવવાનો જામો પડી ગયો. 
ફાર્મ હાઉસમાં પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ અને જમવા બનાવવા માટે માટીના વાસણો અને ચુલાનો જ કરતો ઉપયોગ વાહ બોલાવી ગયો. કુદરતની વચ્ચે જઈને કુદરતને માન આપી, કુદરતની પ્રણાલીને ન ખોરવી ત્યાંની જેમ રહેવા જમવાની આ સરસ સિસ્ટમ સલામીને લાયક હતી. ત્યાં પૈસાના પ્રદર્શનને બદલે જરૂરિયાત મુજબના તમામ જલસા હતા. ગાયનું શેળકઢું દૂધ, તાજા ત્યાં જ ઊગેલાં શાકભાજી અને ચૂલાના તાપે તપેલો અને માટીના વાસણોમાં ચડેલો સરસ કુદરતી સ્વાદ અને સોડમ સાથેનો ખોરાક હતો. રોજની આ રૂટિન ફાસ્ટ લાઈફથી કટ થઇ ત્યાં કુદરત સાથે મેચ થઇ રહેવાની બહુ મજા આવી.
કુદરત પણ ક્યાં એકજેવી રહેવામાં માને છે અને તેથી જ પરિવર્તન તેનું મુખ્ય લક્ષણ ગણાય છે. અને એટલે જ વળતી વખતે કુદરતનું એક ઓર નયનરમ્ય રૂપથી વાપીના મિત્ર પંકજભાઈએ વાપીથી સાઇઠક કિલોમીટર દૂર લઇ જઈ પરિચિત કરાવ્યા. વાપી થી સેલવાસ થઈને દૂધની પહોંચાય. વરસાદથી ખીલી ગયેલો હીલી રસ્તો લોનાવાલા આબુની યાદ અપાવે. દમણગંગા નદીના વહેણ પરના મધુવન ડેમનું પાણી ભેગું થાય તે વાગચૌડા પોઇન્ટ પર બોટિંગ દરમિયાન ઈશ્વર ઠુંકડો લાગે. ચારેકોર પર્વત અને વચ્ચે આ પાણીની ઉપર તરતી નાનકડી હલેશા વાળી હોડીમાં બેઠા હોઈએ ત્યારે કોઈક નેવરલેન્ડમાં પહોંચી ગયાની અનુભૂતિ થયા વગર ન રહે.
શહેરથી આ જગ્યા બહુ દૂર ન હોવા છતાં ત્યાં અમારા સિવાય બીજા કોઈ જ ટુરિસ્ટ ન હોવાથી આશ્ચર્યની થવાની સાથે આ અફલાતૂન જગ્યા કૉમર્શલાઇજ઼થી બચી છે એનો આનંદ પણ થયો. આવી જગ્યાઓની જરૂર છે જ્યાં ભલે થોડી વાર, ત્યાં રહે ત્યાં સુધી માણસ, માણસ બનીને રહે છે. ત્યાં જેટલી વાર રહો એટલી વાર તમો કશું ખોટું ખરાબ વિચારી કે વર્તી નહિ શકો, તમને કુદરત એની બાહોપાશમાં લઇ લે છે, ત્યાંનું ચોમેર પથરાયેલું આ સૌંદર્ય જોઈને હીપટોનાઈઝ થઇ જવાય છે. કશા પ્રયત્ન વગર મૌન થઇ જવાય છે. 
ત્યાંથી હજી ઉપર જઈએ એટલે દાદરા નગર હવેલી વિસ્તારનું ગામ દૂધની આવે. ત્યાં વસાહત મોટી, બજાર મોટી પણ વાતાવરણ એવું જ સરસ. સરકારી ગેસ્ટહાઉસ અને એકાદ બે હોટલ પણ ખરી. બોટીંગથી બાજુમાં રહેલા ગામમાં આવનજાવન થાય. સમયને સાથ આપવાનો હોઈ ત્યાં બહુ રહી શકાયું નહિ. જન્માષ્ટમીની આ એકાદ વીકની રજાઓમાં આવી સરસ જગ્યાઓએ પહોચવા નક્શાઓ ફેંદતાં અને રસ્તાઓ ખૂંદતા કુલ 1570 કિલોમીટરનો સેલ્ફ ડરાઇવ પ્રવાસ એકદમ યાદગાર બની રહ્યો. 
આ લખાય છે ત્યારે પાછા હતા ત્યાં આવી ગયા છીએ પણ સાથે ઘણું જોયું, જાણ્યું, અનુભવ્યું તે લેતા આવ્યા છીએ. જાતથી થોડા વધુ નજીક આવ્યા અને કુદરતથી થોડા બધું પરિચિત થયા છીએ. કુદરતના આવા કોલ આવે ત્યારે ત્યાં પહોંચી જવાની હંમેશા ઉતાવળ રહેશે.
    

4 comments:

  1. સૌંદર્યે ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે.

    પોષવું પૂજવું એને એ એનો ઉપભોગ છે.

    રહેવા દે! રહેવા દે આ સંહાર, યુવાન! તું;

    ઘટે ના ક્રૂરતા આવી; વિશ્વ આશ્રમ સન્તનું.

    પંખીડાં, ફૂલડાં રૂડાં, લતા આ ઝરણાં, તરુ,

    ઘટે ના ક્રૂર દૃષ્ટિ ત્યાં: વિશ્વ સૌન્દર્ય કુમળું.

    તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે;

    તીરથી પક્ષી તો ના ના કિ‍ન્તુ સ્થૂલ મળી શકે.

    પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને,

    પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે ત્‍હને .

    સૌ‍ન્દર્યો વેડફી દેતાં ના ના સુ‍ન્દરતા મળે;

    સૌ‍ન્દર્યો પામતાં પ્‍હેલાં સૌ‍ન્દર્ય બનવું પડે.

    સૌ‍ન્દર્યે ખેલવું, એ તો પ્રભુનો ઉપયોગ છે;

    પોષવું પૂજવું એને, એ એનો ઉપયોગ છે.

    રહેવા દે! રહેવા દે આ સંહાર, યુવાન! તું

    બધે છે આર્દ્રતા છાઈ તેમાં કૈં ભળવું ભલું.

    ~ કલાપી

    ReplyDelete