Tuesday, May 26, 2020

પોસ્ટ 29 : વીવીપી સંભારણા - ટોક ટુગેધર 2.0 - ઇન્સ્ટા લાઈવ

અઢી દાયકાના ટીચીંગ પ્રોફેશનમાંથી એક આખો દાયકો વીવીપીમાં કામ કરવાની, ભણાવવાની બહુ મજા આવેલી. 
દિલોદિમાગથી ક્લાસરૂમમાં કામ કરેલું. જ્ઞાન અને સમજને રીતસર સ્ટુડન્ટસ સામે નીચોવી નાખેલી. અને, આ નિષ્કામ કર્મના ફળ સ્વરૂપે, ત્યાંના વિદ્યાર્થીઓનો અનહદ અને અઢળક પ્રેમ પામ્યો છું. 
ત્યાં મેં શિક્ષણના અવનવા પ્રયોગો કરેલા, મને નહિ, સામે વાળાને ગમે, સમજાય એ રીતે સમજાવવાના - ભણાવવાના પ્રયત્નો આદરેલા. વિષયની સાથોસાથ જિંદગીમાં આવતી પરીક્ષાઓમાં પણ એ સારો દેખાવ કરે એ માટે સમજપૂર્વક કોશિશ કરેલી.

એક્સપિયરન્સયલ લર્નિગને સામે રાખી કલાસરૂમ પ્રેઝન્ટેશનનો ખ્યાલ ત્યાં પહેલી વાર મેં શરુ કરેલો. ઘર કરી ગયેલી સ્પૂનફીડીગની ટેવને કારણે, બધાને તકલીફ પડતી. પણ આપણો ઈરાદો શુભ હતો એટલે લાભ બધાને થયો. 
ચોપડીને બે પૂંઠા વચ્ચેની વાતો સિવાય પણ આપણી આજુબાજુ, ચારેબાજુ શીખવા જેવું, જાણવા જેવું, માણવા જેવું ઘણું છે એની એ સૌને પ્રતીતિ કરાવી.
મૂળ મારે જે કરવું હતું તે હું ત્યાં કરી શક્યો...
મેં એ સૌને જાતે શીખતાં શીખવાડી દીધું ! 
ટોક ટુગેધરના ઇન્સ્ટા લાઈવ સેશનમાં એ સુવર્ણ કાર્યકાળને યાદ કરવાની મજા આવી. આપ પણ એ વખતે મારા આ અનુભવોનો એક ભાગ હતા ! તો આ લિંક આપના માટે જ છે. જોજો. https://youtu.be/InK3lLvtSgo

Saturday, May 16, 2020

પોસ્ટ 28 : વ્રજ વિહાર


વ્રજ ગયેલો. પાંચ અને છ ડીસેમ્બર-૨૦૧૯,
બે દિવસ. 
પહેલા દીવસે સવારે ગોકુળ અને 
સાંજે વૃંદાવન 
અને બીજા દિવસે સવારે ગીરીરાજજી 
અને સાંજે યમુનાજી. 
જતી વખતે શ્રધ્ધા કરતાં જિજ્ઞાશા વધુ હતી,
જયારે વળતી વખતે શ્રધ્ધા બળવાન થઇ ગયેલી. 

ગોકુળમાં ફરતી વખતે બાળપણમાં વાંચેલી કાન્હાની કહાનીઓ સરસ કનેક્ટ થઇ, તો વૃંદાવનમાં રાધાના પ્રેમ પદારથને માણ્યો. ગોકુળની વાંકીચુકી સાંકળી ગલીઓમાં ચાલતી વખતે અલગ જ અનુભવ થયો, કાન્હાંના જન્મ વાળી જેલ ત્યાં છે એ મંદીરની રાધાકૃષ્ણની આબેહુબ લાઇફસાઇઝ મુર્તી અને એનો શણગાર એટલાં હૈયે વસી ગયા કે આજેય ઇ નજરે તરે છે. અને વૃંદાવનના નીધીવનમાં તો સાચે જ રાધાકૃષ્ણ હમણાં જ અહીંથી રાસ રમીને ગયા એવી અનુભુતી થઇ. બાંકેબિહારીજીનું સ્વરૂપ તો ખુબ ગમ્યું. ત્યાંના ઇસ્કોન ટેમ્પલની સેવા, સમર્પણ, સંસ્કાર ગમી ગયા તો ત્યાંના પ્રેમમંદીરની વિશાળતા, સ્થાપત્ય કલા, શણગાર અને સોંદ્રય સ્પર્શી ગયા. 




હાં, પ્રેમમંદીરની બહાર ઉઘાડા પગે નીકળી, સામેથી નવા શુઝ લીધા ત્યાં સુધી પ્રભુએ બીજા દીવસે ઉઘાડા પગે કરવાની ગીરીરાજજીની પરીક્રમાની પ્રેકટીશ કરાવી દીધી અને પનોતી ગઇ ઇ બોનસમાં! અને હાં, સવારે ગોકુલની ગલીઓમાં, કાન્હાંને હીંચકો નાખવાના લાગણીવેળામાં અમે મોટો એવો હીંચકો ખાઇ લીધો, પછી તો અમે બધા’યે, અમારી મુર્ખતાને ઢાંકવા, નસીબ ને’ સેવા ને’ દાનને’ એવું કેટલુંય બોલી મન મનાવ્યું.
મથુરા કડવા પટેલ સમાજે રોકાયેલાં. વાજબી અને સરસ વ્યવસ્થા. ગુજરાતી જમવાનું પણ ત્યાં જ. મોટા,સ્વચ્છ અને સુઘડ રુમ. ગરમ પાણી ચોવીસ કલાક. રહેવાય તો અહીંયા જ. બે’ય દીવસની ઇનોવા ગાડી ભાડે કરેલી, સ્ટેશનેથી અમને લીધા પછી સાથે જ હતી, એટલે આવવા જવાંમાં સરળતા હતી. 
બીજા દીવસે વહેલી સવારે પહોંચ્યાં જતીપુરા, જયાંથી ગીરીરાજજીની પરીક્રમા શરું થાય. ગીરીરાજજીની આરતી દર્શન અને મનોરથ કરી શરું કરી પરીક્રમા. ગીરીરાજજીના આટલા નજીકથી દર્શન અને દંડવત કરવા મળે એ જાણી અચંબા સાથે આનંદ થયો. ચારેકોરથી મંગાતી ભેટ વિશે અણગમો વ્યક્ત કર્યો તો જવાબ મળ્યો આ જ છે અમારી ખેતી. તમારે ત્યાં કમાણી માટે વ્યવસાય છે, અમારે અહીં આ વ્હાલો છે. વાત પણ થોડીઘણી સાચી લાગી પણ આ તો શ્રધ્ધાનો વિષય છે એટલે મતમતાંતરો રહેવાના. સોરાષ્ટ્રમાં પદયાત્રા વખતે રસ્તાની બંને બાજું યાત્રા કરનારાઓ માટે પાણી, સરબત, આરામની સેવા આપવા માટે ઉભેલા લોકોને જોયેલા, જયારે અહીં પરીક્રમાના રસ્તાની બંને બાજુ પૈસાની સેવા લેવા માટે લોકો ઊભા હતાં. થોડું અજુગતું લાગ્યું. 
ત્રેવીસ કીલોમીટર અને એ પણ ઉઘાડા પગે. વાત થોડી અનબીલીવેબલ લાગે પણ મારા જેવાએ આ પહેલા ત્રેવીસ ડગલા’ય ઉઘાડા પગે નોતા ભર્યા એણે આ ત્રેવીસ કીલોમીટરની પરીક્રમા ઉઘાડા પગે પાંચ કલાકમાં પુરી કરી એમાં કૃષ્ણની કૃપા જ મોખરે. માની ન શકાય એ કરવા એના પરનો ભરોસો જ કામ લાગે એવું સારી રીતે સમજાણું. શ્રધ્ધા અને વિશ્વાસના સહારે ભવસાગર તરી શકાય એ આ પરીક્રમા પછી એકદમ પાકું થઇ ગયું. બપોરે ફરી જયાંથી શરુ કરેલી ત્યાં પહોચીં, બે હાથ જોડી એ હાજરાહજુરનો આભાર માન્યો. ત્યાંની અમારી આ બધી મનોરથની વ્યવસ્થા હરીઓમભાઇ એ કરેલી. તેમને મળી, આયોજન મુજબ હવે બરસાના જવાનું હતું પણ રાધાજીના દર્શન માટે સીડીના પગથીયા ચડવાના છે એવું સારથીએ કીધું એટલે ગાડી ડાયરેક્ટ મથુરા સમાજે લેવડાવી! રાધાજીને મળવાનો યોગ આ વખતે નહી હોય! 















સાંજે, ડગુમગુ થતા હાલ્યાં અમે યમુનાજીના કીનારે, વિશ્રામ ઘાટે. આરતીને સરસ રીતે નિહાળવા બોટમાં બેસી થોડા અંદર સુધી ગયાં. યમુનાજીમાં ડુબકી લગાવવાનું મહત્વ છે પણ ઠંડી અને ગંદકીથી હિંમત ના થઇ. એટલું પાણી ગંદું હતું કે આચમન પણ માંડ માંડ, લેવા પુરતું લીધું. આરતીમાં આનંદ આવ્યો, પણ આ ગંદકી જોઇ દુ:ખ થયું. ગંગાની આરતીના વિડીયો જોયેલા, એટલે અપેક્ષા કંઇક એવી હતી પણ અહીં એટલું કે એવું કાંઇ નહોતું પણ મજા આવી. માર્કેટમાંથી પેઠા લઇ ચાખ્યાં, ન ભાવ્યાં. ઘંટડી અને મંજીરા ખરીદ્યાં. પરત સમાજે આવી સુઇ જ ગ્યાં, હવે આજના આપણા કીલોમીટર પુરા થઇ ગ્યાતાં!










પછીના દીવસે સવારે ફતેહપુર સીક્રી થઇ આગ્રા પહોંચ્યાં, જ્યાંથી રાત્રે અમારી અમદાવાદની ટ્રેન હતી. પરીક્રમાથી ભરાય ગયેલા પગને કારણે મુડ નહોતો પણ બુલંદ દરવાજો અને તાજમહેલ આવ્યાં છીએ એટલે જોયા. અને યાદી રહે એટલે ફોટા પાડ્યાં. બધું ગમ્યું. 
ઘરે મંદીરમાં આત્મજાને તેની શણગાર સેવા કરવી ગમશે અને આ ટ્રીપની યાદગીરી રહેશે એવા વિચારે કાન્હાના બાળસ્વરૂપ રમતા લાલા લીધેલાં, જેના રોજ દર્શન કરતી વખતે આ વ્રજવિહારની યાદ તાજી રહે છે અને આત્મજા તેના અલગ અલગ શણગારની સેવા ખુબ હરખથી કરે છે. ખરેખર મેમોરેબલ ટુર.

પોસ્ટ 27 : પરમ સમીપે...

વાચક તરીકે હું એમને કુન્દનિકા કાપડીઆ કરતાં ઇશા-કુન્દનિકા તરીકે વધુ ઓળખું. ‘પરીમ સમીપે’ મેં પહેલા વાંચી, ‘સાત પગલા આકાશમાં’ પછી. પ્રભુ સાથે મારે વાત કરવી હોય ત્યારે ‘પરમ સમીપે’ મારો ફોન લગાડીને પ્રભુને આપે. જાત સાથે વાત કરવી હોય ત્યારે ‘ઝરૂખે દીવા’ મદદ કરે. અને રોજેરોજ પરમ તત્વ ખુદ એમનાં શબ્દોમાં મને ‘ઊઘડતાં દ્વાર અંતરનાં’ રૂપે માર્ગદર્શન કશી જ અપેક્ષા વગર આપે. ૨૦૨૦ની શરૂઆતથી તો નીતલે આ રોજેરોજની પરમ તત્વની વાણીને સગાસ્નેહીઓ સુધી સ્ટેટ્સ દ્વારા પહોંચાડવાનો નિત્યકર્મ રાખ્યો છે.


સૌથી પહેલું પુસ્તક મેં એમનું ‘થોડીક વાતો’ વાંચેલું. એમાંનું પ્રેમ, પૃથ્વી, પ્રકૃતી, પુસ્તક, પીક્ચર, સૃષ્ટી, સૌંદર્ય, સર્જન, શાંતી, સરળતા, કાવ્ય, સંગીત, કળાની વાતોનું વાતાવરણ ખુબ માફક આવેલું. પછી તો એમનું જે મળે, એ વાંચવાનું શરૂ થયેલું. છેલ્લે લોકડાઉનના સમયનો સદ્ઉપયોગ કરવાં એમને આપેલા વિષ્ણુસહસ્ત્રનામના શબ્દાર્થ વાંચ્યાં અને વિષ્ણુસહસ્ત્રનામાવલી લખવાની શરૂ કરી. ૩૦/૦૪/૨૦૨૦ની સવારે પ્રભુનું એમાંનું છેલ્લું હજારમું નામ લખ્યું ને’ ફોન હાથમાં લીધો કે ત્યારે જ સોશીયલ મીડીયા દ્વારા ઇશા-કુન્દનિકાની અનંત તરફની યાત્રાની જાણ થઇ. મારો વ્હાલો’ય કેવી કેવી અને કેટકેટલી રીતે આપણી નજીક હોવાનો અણસાર આપે છે. પ્રભુનાં આવા અણસારને જીલવા, જીવવા અને પામવાનું ઇશા-કુન્દનિકાની વાતો વાંચતા વાંચતા જ થોડુંઘણું સમજાણું છે. એમની ચેતનાને નતમસ્તક વંદન. 

એમની ‘થોડીક વાતો’ માંથી જ થોડુક. એમનું જ, એમને જ અર્પણ. 

સૃષ્ટિકર્તાના પ્રત્યેક સર્જનમાં, સર્જનના પ્રત્યેક કણમાં મહા ચૈતન્યનો કોઇક સંકેત, કોઇક સંદેશ રહેલો હોય છે - વિવિધ રૂપે, અદીઠ રૂપે. આ સંકેતોને ઉકેલવાની લિપિ છે અંતર્મુખતા, ધ્યાન, અંદરથી શાંત અને સ્થિર થવું, નિસ્પંદ, નિર્વિચાર થવું, હદયની ભૂમી પર પ્રકાશનાં પગલાં પડવાં દેવાં, પ્રતીક્ષા કરવી, ધીરજ રાખવી, શ્રધ્ધાયુક્ત ધીરજ રાખવી. જીવન આ સંકેત-શોધની યાત્રા છે. ‘થોડીક વાતો’ આ યાત્રા ભણી આછોપાતળો નિર્દેશ કરે છે. અમેરીકન કવિ વોલ્ટ વ્હીટમેનના પ્રલંબ કાવ્ય ‘ખુલ્લા રસ્તાનું ગીત’ આ જ વાત કહે છે. જીવન એક ખુલ્લા રસ્તાની યાત્રા છે, બધા વિચારો, બધાં તારણો, બધા અનુભવો, બધા દ્વન્દ્વો આઘાં મૂકી દઇ, ‘અણદીઠા’ની ઝલક પામવા આરંભાયેલી યાત્રાની વાત તે કરે છે: 


“ખુલ્લા રસ્તા પર હળવા હૈયે હું પગલાં માંડું છું...સ્વસ્થ અને મુક્ત... હવે મને કશા સદભાગ્યની જરૂર નથી, હું પોતે જ સદભાગ્ય છું. મારે કોઇ ફરિયાદ નથી. મને કશાની જરૂર નથી. પૃથ્વી છે, તે પુરતું છે. તારા ને નક્ષત્રો મને વધુ નજીક નથી જોઈતાં. તેઓ જ્યાં છે ત્યાં બરાબર જ છે. મને ખબર છે કે જે લોકો તારાનક્ષત્રોના પોતાના છે, તેમને માટે તેઓ પર્યાપ્ત છે.”
વ્હીટમેનને મન આમ સફર આદરવી એ મણિમાણેક કરતાં વધારે મૂલ્યવાન છે. વસ્તુઓ ને વિચારો પાછળ રહી જાય છે, ‘નવા’ ભણી ઉઘાડ જ આનંદભરી શોધ બની જાય છે."



Tuesday, May 12, 2020

પોસ્ટ 26 : ટોક ટુગેધર - ઇન્સ્ટાગ્રામ લાઇવ

ટોક ટુગેધર એક પહેલ છે, જુના વિદ્યાર્થીઓને સમયાતરે મળવાની. કોલેજ પુરી થઇ ગયા બાદ સૌને મળતું રહેવું હતું. કરવી હતી વાતો. સૌને પુસ્તક, મુવી, ઘટના કે પ્રસંગ વિશે જાણવું, સમજવું, વહેંચવું હતું. સૌને અરસપરસ ઘણું કહેવું હતું, પુછવું હતું અને સંભળાવવી’તી વાતો. અમને સૌને ગમતું તું, મળવું. એટલે જ, નક્કી થયું આ અમારા અનોખા પરીવારનું ગેટ ટુગેધર - ટોક ટુગેધર. દર મહીને, સીસ્ટર નીવેદીતા ફાઉન્ડેશનના ક્વોલીટી સેન્ટરમાં. 

મીલી શાહ, એમાંની એક સ્ટુડન્ટ. કોમ્પ્યુટર એન્જીનીયરીંગમાં ગ્રેજ્યુએટ. ટાઇમ્સ પબ્લીક સ્પીકીગ કોન્ટેસ્ટની ટોપર. વીવીપી છોડ્યાં બાદ પણ ‘ટોક ટુગેધર’ના કારણે મળવાનું થાય. લોકડાઉનના સમય દરમિયાન, એ સંદર્ભે વાતો કરવા મીલીએ ‘ટોક ટુગેધર’ માટે ઇન્સ્ટાગ્રામ લાઇવ યાદ દેવડાવ્યું. એક કલાકના આ ટોક ટુગેધરમાં ખુબ બધી વાતો થઇ, યાદો તાજી થઇ. મારા ઘણા સ્ટુડન્ટ, ફ્રેન્ડસ તેમાં લાઇવ મળ્યાં. મજા આવી. મારી યુટ્યુબ ચેનલ પર આ આખી ટોક મેં મુકી છે, ઘણા ત્યારે જોડાય નહોતા શક્યાં, તેમનાં માટે અહીં લીંક છે.  https://youtu.be/UpuKW1C-vTs


Saturday, May 2, 2020

પોસ્ટ 25 : સૌજન્ય - ઉમિયા પરિવાર


ઉમિયા પરિવારે મને બહુ બધા સારા મિત્રો અને સંબંધો આપ્યા છે. એમાં લખતો ત્યારે અને અત્યારે સંભાળું છું ત્યાં સુધીમાં ઘણા સમકાલીન તંત્રીઓ, સંપાદકો, વાંચતા વાચકો અને લખતા લેખકો સાથે ખુબ અંગત ઘરોબો થયો છે, ઘણું શીખ્યું છે એમની પાસેથી.  રમેશ ભોરણીયા, કલેક્ટર દિનેશ પટેલ અને ડોક્ટર સતીશ પટેલ જેવા વડીલમિત્રોએ પ્રાગજીબાપા પછી મને ઉમિયા પરિવાર સાથે જોડવાનું અને લખતા રાખવાનું કામ કર્યું તો દિનેશ ટીલવા, કલેક્ટર રમેશ મેરજા અને સાહિત્યપ્રેમી વનરાજ પટેલે મને વાંચીને પ્રેમ કર્યો. પછી તો આ બધા સાથે પરિવારનો નાતો જામ્યો અને આજ સુધી જળવાયો. આ સૌના અંગત થવાનો વૈભવ, મને ઉમિયા પરિવાર થકી મળ્યો. સમાજના જે પણ નાનામોટા ગામમાં જઈએ ત્યારે મારું નામ સાંભળી, તરત કોઈક બોલે કે જયેશ વાછાણી એટલે તમારા લેખ ઉમિયા પરિવારમાં આવે છે, એ તમે ને ?  

આવા અનુભવોથી જ એ જાણ હતી જ કે, ઉમિયા પરિવાર નાનામાં નાના ગામમાં, હર ઘર માં પહોંચે છે તેમજ વંચાય પણ છે એટલે જ ઉમિયા પરિવાર માટે કામ કરવાનો મોકો મળ્યો ત્યારથી જ સમાજના ઘર ઘર સુધી આ મેગેઝીન દ્વારા સત્વશીલ સાહિત્યનું વાંચન પહોંચે એવું કશુંક કરવાની ઈચ્છા હતી. કોઈપણ ક્ષેત્રમાં વિકસવા માટે હું વાંચનને પાયાની પ્રવૃત્તિ ગણું છું. વાંચનથી સમજણ આવે અને સમજ ધરાવતા લોકોના સમૂહને જ સમાજ કહેવાય. દર મહિને ઉમિયા પરિવાર દ્વારા સમાજના હર ઘર સુધી બે-ચાર પાનાનું સમજ વધારતું વાંચન પહોંચે એ માટે ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સર્જકોની ઉત્તમ કૃતિઓ, નવલિકા, કવિતા, નિબંધ વગેરે ચૂંટીને પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરવો હતો. એવામાં એકવાર સાહિત્યપ્રેમી અને વડીલદોસ્ત વનરાજ પટેલે મર્મવેધક ટકોર કરી કે, આપણા સમાજને લખતો કરવાની સાથે વાંચતો કરવાની જરૂર છે. નવોદિત લેખકોને પ્રોત્સાહન આપવા તેમના લેખો પ્રસિધ્ધ કરવાની સાથોસાથ સારું સત્વશીલ વાંચન પણ પ્રકાશિત કરવાની એમને ટકોર કરી. અને મને તો ભાવતું'તું ને' વૈદે કીધું ! 

ગુણવંત શાહ વારંવાર કહે છે ને કે, એક ટન વાંચવું, એક ટન વિચારવું પછી લખવું હોય તો એક ગ્રામ લખવું. આથી જ પુરતી વાંચન સાધના કર્યા વિના લેખક થવા માટે ઉત્સાહ બતાવતા ભાઈબહેનો આવા લખાણમાંથી પ્રેરણા મેળવે એવા હેતુ સાથે સપ્ટેમ્બર 2017ના અંકથી સૌજન્ય કોલમની શરૂઆત કરી. શરૂઆત મનુભાઈ પંચોળીના લેખથી કરી, પછી તો દરમહિને આવા ઉમદા સર્જકોના લેખો સૌજન્ય મારફત વાચકો સુધી પહોંચતા જ રહે છે. ડિસેમ્બર 2018ના અંકમાં, એ મારા બ્રેઈન ચાઈલ્ડ સમી ઉમિયા પરિવારની કોલમ સૌજન્યમાં કુન્દનિકા કાપડીઆની અતિ પ્રસિદ્ધ નવલકથા "સાત પગલાં આકાશમાં" થી પ્રકરણ 29નો થોડોક ભાગ સૌજન્ય સાભાર છાપેલો. યાદગીરી રૂપે અહીં એમનું, એમને જ અર્પણ. વંદન.