Saturday, May 2, 2020

પોસ્ટ 25 : સૌજન્ય - ઉમિયા પરિવાર


ઉમિયા પરિવારે મને બહુ બધા સારા મિત્રો અને સંબંધો આપ્યા છે. એમાં લખતો ત્યારે અને અત્યારે સંભાળું છું ત્યાં સુધીમાં ઘણા સમકાલીન તંત્રીઓ, સંપાદકો, વાંચતા વાચકો અને લખતા લેખકો સાથે ખુબ અંગત ઘરોબો થયો છે, ઘણું શીખ્યું છે એમની પાસેથી.  રમેશ ભોરણીયા, કલેક્ટર દિનેશ પટેલ અને ડોક્ટર સતીશ પટેલ જેવા વડીલમિત્રોએ પ્રાગજીબાપા પછી મને ઉમિયા પરિવાર સાથે જોડવાનું અને લખતા રાખવાનું કામ કર્યું તો દિનેશ ટીલવા, કલેક્ટર રમેશ મેરજા અને સાહિત્યપ્રેમી વનરાજ પટેલે મને વાંચીને પ્રેમ કર્યો. પછી તો આ બધા સાથે પરિવારનો નાતો જામ્યો અને આજ સુધી જળવાયો. આ સૌના અંગત થવાનો વૈભવ, મને ઉમિયા પરિવાર થકી મળ્યો. સમાજના જે પણ નાનામોટા ગામમાં જઈએ ત્યારે મારું નામ સાંભળી, તરત કોઈક બોલે કે જયેશ વાછાણી એટલે તમારા લેખ ઉમિયા પરિવારમાં આવે છે, એ તમે ને ?  

આવા અનુભવોથી જ એ જાણ હતી જ કે, ઉમિયા પરિવાર નાનામાં નાના ગામમાં, હર ઘર માં પહોંચે છે તેમજ વંચાય પણ છે એટલે જ ઉમિયા પરિવાર માટે કામ કરવાનો મોકો મળ્યો ત્યારથી જ સમાજના ઘર ઘર સુધી આ મેગેઝીન દ્વારા સત્વશીલ સાહિત્યનું વાંચન પહોંચે એવું કશુંક કરવાની ઈચ્છા હતી. કોઈપણ ક્ષેત્રમાં વિકસવા માટે હું વાંચનને પાયાની પ્રવૃત્તિ ગણું છું. વાંચનથી સમજણ આવે અને સમજ ધરાવતા લોકોના સમૂહને જ સમાજ કહેવાય. દર મહિને ઉમિયા પરિવાર દ્વારા સમાજના હર ઘર સુધી બે-ચાર પાનાનું સમજ વધારતું વાંચન પહોંચે એ માટે ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સર્જકોની ઉત્તમ કૃતિઓ, નવલિકા, કવિતા, નિબંધ વગેરે ચૂંટીને પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરવો હતો. એવામાં એકવાર સાહિત્યપ્રેમી અને વડીલદોસ્ત વનરાજ પટેલે મર્મવેધક ટકોર કરી કે, આપણા સમાજને લખતો કરવાની સાથે વાંચતો કરવાની જરૂર છે. નવોદિત લેખકોને પ્રોત્સાહન આપવા તેમના લેખો પ્રસિધ્ધ કરવાની સાથોસાથ સારું સત્વશીલ વાંચન પણ પ્રકાશિત કરવાની એમને ટકોર કરી. અને મને તો ભાવતું'તું ને' વૈદે કીધું ! 

ગુણવંત શાહ વારંવાર કહે છે ને કે, એક ટન વાંચવું, એક ટન વિચારવું પછી લખવું હોય તો એક ગ્રામ લખવું. આથી જ પુરતી વાંચન સાધના કર્યા વિના લેખક થવા માટે ઉત્સાહ બતાવતા ભાઈબહેનો આવા લખાણમાંથી પ્રેરણા મેળવે એવા હેતુ સાથે સપ્ટેમ્બર 2017ના અંકથી સૌજન્ય કોલમની શરૂઆત કરી. શરૂઆત મનુભાઈ પંચોળીના લેખથી કરી, પછી તો દરમહિને આવા ઉમદા સર્જકોના લેખો સૌજન્ય મારફત વાચકો સુધી પહોંચતા જ રહે છે. ડિસેમ્બર 2018ના અંકમાં, એ મારા બ્રેઈન ચાઈલ્ડ સમી ઉમિયા પરિવારની કોલમ સૌજન્યમાં કુન્દનિકા કાપડીઆની અતિ પ્રસિદ્ધ નવલકથા "સાત પગલાં આકાશમાં" થી પ્રકરણ 29નો થોડોક ભાગ સૌજન્ય સાભાર છાપેલો. યાદગીરી રૂપે અહીં એમનું, એમને જ અર્પણ. વંદન.





No comments:

Post a Comment