બે દિવસ.
પહેલા દીવસે સવારે ગોકુળ અને
સાંજે વૃંદાવન
અને બીજા દિવસે સવારે ગીરીરાજજી
અને સાંજે યમુનાજી.
જતી વખતે શ્રધ્ધા કરતાં જિજ્ઞાશા વધુ હતી,
જયારે વળતી વખતે શ્રધ્ધા બળવાન થઇ ગયેલી.
જયારે વળતી વખતે શ્રધ્ધા બળવાન થઇ ગયેલી.
ગોકુળમાં ફરતી વખતે બાળપણમાં વાંચેલી કાન્હાની કહાનીઓ સરસ કનેક્ટ થઇ, તો વૃંદાવનમાં રાધાના પ્રેમ પદારથને માણ્યો. ગોકુળની વાંકીચુકી સાંકળી ગલીઓમાં ચાલતી વખતે અલગ જ અનુભવ થયો, કાન્હાંના જન્મ વાળી જેલ ત્યાં છે એ મંદીરની રાધાકૃષ્ણની આબેહુબ લાઇફસાઇઝ મુર્તી અને એનો શણગાર એટલાં હૈયે વસી ગયા કે આજેય ઇ નજરે તરે છે. અને વૃંદાવનના નીધીવનમાં તો સાચે જ રાધાકૃષ્ણ હમણાં જ અહીંથી રાસ રમીને ગયા એવી અનુભુતી થઇ. બાંકેબિહારીજીનું સ્વરૂપ તો ખુબ ગમ્યું. ત્યાંના ઇસ્કોન ટેમ્પલની સેવા, સમર્પણ, સંસ્કાર ગમી ગયા તો ત્યાંના પ્રેમમંદીરની વિશાળતા, સ્થાપત્ય કલા, શણગાર અને સોંદ્રય સ્પર્શી ગયા.
મથુરા કડવા પટેલ સમાજે રોકાયેલાં. વાજબી અને સરસ વ્યવસ્થા. ગુજરાતી જમવાનું પણ ત્યાં જ. મોટા,સ્વચ્છ અને સુઘડ રુમ. ગરમ પાણી ચોવીસ કલાક. રહેવાય તો અહીંયા જ. બે’ય દીવસની ઇનોવા ગાડી ભાડે કરેલી, સ્ટેશનેથી અમને લીધા પછી સાથે જ હતી, એટલે આવવા જવાંમાં સરળતા હતી.
બીજા દીવસે વહેલી સવારે પહોંચ્યાં જતીપુરા, જયાંથી ગીરીરાજજીની પરીક્રમા શરું થાય. ગીરીરાજજીની આરતી દર્શન અને મનોરથ કરી શરું કરી પરીક્રમા. ગીરીરાજજીના આટલા નજીકથી દર્શન અને દંડવત કરવા મળે એ જાણી અચંબા સાથે આનંદ થયો. ચારેકોરથી મંગાતી ભેટ વિશે અણગમો વ્યક્ત કર્યો તો જવાબ મળ્યો આ જ છે અમારી ખેતી. તમારે ત્યાં કમાણી માટે વ્યવસાય છે, અમારે અહીં આ વ્હાલો છે. વાત પણ થોડીઘણી સાચી લાગી પણ આ તો શ્રધ્ધાનો વિષય છે એટલે મતમતાંતરો રહેવાના. સોરાષ્ટ્રમાં પદયાત્રા વખતે રસ્તાની બંને બાજું યાત્રા કરનારાઓ માટે પાણી, સરબત, આરામની સેવા આપવા માટે ઉભેલા લોકોને જોયેલા, જયારે અહીં પરીક્રમાના રસ્તાની બંને બાજુ પૈસાની સેવા લેવા માટે લોકો ઊભા હતાં. થોડું અજુગતું લાગ્યું.
ત્રેવીસ કીલોમીટર અને એ પણ ઉઘાડા પગે. વાત થોડી અનબીલીવેબલ લાગે પણ મારા જેવાએ આ પહેલા ત્રેવીસ ડગલા’ય ઉઘાડા પગે નોતા ભર્યા એણે આ ત્રેવીસ કીલોમીટરની પરીક્રમા ઉઘાડા પગે પાંચ કલાકમાં પુરી કરી એમાં કૃષ્ણની કૃપા જ મોખરે. માની ન શકાય એ કરવા એના પરનો ભરોસો જ કામ લાગે એવું સારી રીતે સમજાણું. શ્રધ્ધા અને વિશ્વાસના સહારે ભવસાગર તરી શકાય એ આ પરીક્રમા પછી એકદમ પાકું થઇ ગયું. બપોરે ફરી જયાંથી શરુ કરેલી ત્યાં પહોચીં, બે હાથ જોડી એ હાજરાહજુરનો આભાર માન્યો. ત્યાંની અમારી આ બધી મનોરથની વ્યવસ્થા હરીઓમભાઇ એ કરેલી. તેમને મળી, આયોજન મુજબ હવે બરસાના જવાનું હતું પણ રાધાજીના દર્શન માટે સીડીના પગથીયા ચડવાના છે એવું સારથીએ કીધું એટલે ગાડી ડાયરેક્ટ મથુરા સમાજે લેવડાવી! રાધાજીને મળવાનો યોગ આ વખતે નહી હોય!
સાંજે, ડગુમગુ થતા હાલ્યાં અમે યમુનાજીના કીનારે, વિશ્રામ ઘાટે. આરતીને સરસ રીતે નિહાળવા બોટમાં બેસી થોડા અંદર સુધી ગયાં. યમુનાજીમાં ડુબકી લગાવવાનું મહત્વ છે પણ ઠંડી અને ગંદકીથી હિંમત ના થઇ. એટલું પાણી ગંદું હતું કે આચમન પણ માંડ માંડ, લેવા પુરતું લીધું. આરતીમાં આનંદ આવ્યો, પણ આ ગંદકી જોઇ દુ:ખ થયું. ગંગાની આરતીના વિડીયો જોયેલા, એટલે અપેક્ષા કંઇક એવી હતી પણ અહીં એટલું કે એવું કાંઇ નહોતું પણ મજા આવી. માર્કેટમાંથી પેઠા લઇ ચાખ્યાં, ન ભાવ્યાં. ઘંટડી અને મંજીરા ખરીદ્યાં. પરત સમાજે આવી સુઇ જ ગ્યાં, હવે આજના આપણા કીલોમીટર પુરા થઇ ગ્યાતાં!
પછીના દીવસે સવારે ફતેહપુર સીક્રી થઇ આગ્રા પહોંચ્યાં, જ્યાંથી રાત્રે અમારી અમદાવાદની ટ્રેન હતી. પરીક્રમાથી ભરાય ગયેલા પગને કારણે મુડ નહોતો પણ બુલંદ દરવાજો અને તાજમહેલ આવ્યાં છીએ એટલે જોયા. અને યાદી રહે એટલે ફોટા પાડ્યાં. બધું ગમ્યું.
ઘરે મંદીરમાં આત્મજાને તેની શણગાર સેવા કરવી ગમશે અને આ ટ્રીપની યાદગીરી રહેશે એવા વિચારે કાન્હાના બાળસ્વરૂપ રમતા લાલા લીધેલાં, જેના રોજ દર્શન કરતી વખતે આ વ્રજવિહારની યાદ તાજી રહે છે અને આત્મજા તેના અલગ અલગ શણગારની સેવા ખુબ હરખથી કરે છે. ખરેખર મેમોરેબલ ટુર.
No comments:
Post a Comment