Saturday, May 16, 2020

પોસ્ટ 27 : પરમ સમીપે...

વાચક તરીકે હું એમને કુન્દનિકા કાપડીઆ કરતાં ઇશા-કુન્દનિકા તરીકે વધુ ઓળખું. ‘પરીમ સમીપે’ મેં પહેલા વાંચી, ‘સાત પગલા આકાશમાં’ પછી. પ્રભુ સાથે મારે વાત કરવી હોય ત્યારે ‘પરમ સમીપે’ મારો ફોન લગાડીને પ્રભુને આપે. જાત સાથે વાત કરવી હોય ત્યારે ‘ઝરૂખે દીવા’ મદદ કરે. અને રોજેરોજ પરમ તત્વ ખુદ એમનાં શબ્દોમાં મને ‘ઊઘડતાં દ્વાર અંતરનાં’ રૂપે માર્ગદર્શન કશી જ અપેક્ષા વગર આપે. ૨૦૨૦ની શરૂઆતથી તો નીતલે આ રોજેરોજની પરમ તત્વની વાણીને સગાસ્નેહીઓ સુધી સ્ટેટ્સ દ્વારા પહોંચાડવાનો નિત્યકર્મ રાખ્યો છે.


સૌથી પહેલું પુસ્તક મેં એમનું ‘થોડીક વાતો’ વાંચેલું. એમાંનું પ્રેમ, પૃથ્વી, પ્રકૃતી, પુસ્તક, પીક્ચર, સૃષ્ટી, સૌંદર્ય, સર્જન, શાંતી, સરળતા, કાવ્ય, સંગીત, કળાની વાતોનું વાતાવરણ ખુબ માફક આવેલું. પછી તો એમનું જે મળે, એ વાંચવાનું શરૂ થયેલું. છેલ્લે લોકડાઉનના સમયનો સદ્ઉપયોગ કરવાં એમને આપેલા વિષ્ણુસહસ્ત્રનામના શબ્દાર્થ વાંચ્યાં અને વિષ્ણુસહસ્ત્રનામાવલી લખવાની શરૂ કરી. ૩૦/૦૪/૨૦૨૦ની સવારે પ્રભુનું એમાંનું છેલ્લું હજારમું નામ લખ્યું ને’ ફોન હાથમાં લીધો કે ત્યારે જ સોશીયલ મીડીયા દ્વારા ઇશા-કુન્દનિકાની અનંત તરફની યાત્રાની જાણ થઇ. મારો વ્હાલો’ય કેવી કેવી અને કેટકેટલી રીતે આપણી નજીક હોવાનો અણસાર આપે છે. પ્રભુનાં આવા અણસારને જીલવા, જીવવા અને પામવાનું ઇશા-કુન્દનિકાની વાતો વાંચતા વાંચતા જ થોડુંઘણું સમજાણું છે. એમની ચેતનાને નતમસ્તક વંદન. 

એમની ‘થોડીક વાતો’ માંથી જ થોડુક. એમનું જ, એમને જ અર્પણ. 

સૃષ્ટિકર્તાના પ્રત્યેક સર્જનમાં, સર્જનના પ્રત્યેક કણમાં મહા ચૈતન્યનો કોઇક સંકેત, કોઇક સંદેશ રહેલો હોય છે - વિવિધ રૂપે, અદીઠ રૂપે. આ સંકેતોને ઉકેલવાની લિપિ છે અંતર્મુખતા, ધ્યાન, અંદરથી શાંત અને સ્થિર થવું, નિસ્પંદ, નિર્વિચાર થવું, હદયની ભૂમી પર પ્રકાશનાં પગલાં પડવાં દેવાં, પ્રતીક્ષા કરવી, ધીરજ રાખવી, શ્રધ્ધાયુક્ત ધીરજ રાખવી. જીવન આ સંકેત-શોધની યાત્રા છે. ‘થોડીક વાતો’ આ યાત્રા ભણી આછોપાતળો નિર્દેશ કરે છે. અમેરીકન કવિ વોલ્ટ વ્હીટમેનના પ્રલંબ કાવ્ય ‘ખુલ્લા રસ્તાનું ગીત’ આ જ વાત કહે છે. જીવન એક ખુલ્લા રસ્તાની યાત્રા છે, બધા વિચારો, બધાં તારણો, બધા અનુભવો, બધા દ્વન્દ્વો આઘાં મૂકી દઇ, ‘અણદીઠા’ની ઝલક પામવા આરંભાયેલી યાત્રાની વાત તે કરે છે: 


“ખુલ્લા રસ્તા પર હળવા હૈયે હું પગલાં માંડું છું...સ્વસ્થ અને મુક્ત... હવે મને કશા સદભાગ્યની જરૂર નથી, હું પોતે જ સદભાગ્ય છું. મારે કોઇ ફરિયાદ નથી. મને કશાની જરૂર નથી. પૃથ્વી છે, તે પુરતું છે. તારા ને નક્ષત્રો મને વધુ નજીક નથી જોઈતાં. તેઓ જ્યાં છે ત્યાં બરાબર જ છે. મને ખબર છે કે જે લોકો તારાનક્ષત્રોના પોતાના છે, તેમને માટે તેઓ પર્યાપ્ત છે.”
વ્હીટમેનને મન આમ સફર આદરવી એ મણિમાણેક કરતાં વધારે મૂલ્યવાન છે. વસ્તુઓ ને વિચારો પાછળ રહી જાય છે, ‘નવા’ ભણી ઉઘાડ જ આનંદભરી શોધ બની જાય છે."



No comments:

Post a Comment